Western Times News

Gujarati News

ચૂંટણીનો ગરમાવોઃ નવી રિલીઝ અટકી, બોક્સઓફિસ પર સુસ્તી

મુંબઈ, લોકસભાની ચૂંટણીમાં મતદાનનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે અને દેશભરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. લોકશાહીના મોટા પર્વ તરીકે ચૂંટણીનું આયોજન થતું હોય છે. સામાન્ય નાગરિકોથી માંડીને દરેક ક્ષેત્રના અગ્રણીઓની નજર ચૂંટણી પર રહેતી હોય છે.

જેના કારણે ચોરે-ચૌટે માત્ર ચૂંટણીની ચર્ચા જોવા મળે છે. ફિલ્મની સફળતાનો આધાર થીયેટરમાં ટિકિટ્‌સના વેચાણ પર રહેલો છે અને અત્યારે ઓડિયન્સને ફિલ્મો કરતાં પોલિટિકલ ડેવલપમેન્ટ જાણવામાં વધારે રસ પડે છે. મીડિયા અને માર્કેટિઅર્સનું ધ્યાન પણ ચૂંટણી પર વધારે હોવાથી જૂન મહિના સુધી મોટી ફિલ્મો લાઈન અપ થયેલી નથી.

જૂન મહિનામાં ચૂંટણીનું પરિણામ આવી ગયા બાદ જ ફિલ્મો ૧૯ એપ્રિલે મતદાનનો પ્રથમ તબક્કો શરૂ થતાની સાથે દેશના દરેક ઘરમાં ચૂંટણીની ચર્ચા જામી છે.

થીયેટરમાં ફિલ્મો જોવા કરતાં વધારે રોમાંચ ચૂંટણી જંગમાં દેખાઈ રહ્યો છે. એન્ટરટેઈનમેન્ટના બદલે ઈલેક્શનની ગરમા-ગરમ ચર્ચા અને બ્રેકિંગ ન્યૂઝ ઓડિયન્સને વધારે આકર્ષે છે. ઓડિયન્સનું ફોકસ પોલિટિક્સ પર છે અને આમ છતાં કેટલાક ફિલ્મમેકર્સે ચૂંટણીના માહોલમાં પણ ફિલ્મ રિલીઝ કરી છે. પાછલા શુક્રવારે ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ અને ‘દો ઔર દો પ્યાર’ રિલીઝ થઈ હતી.

આ બંને ફિલ્મોને બોક્સઓફિસ પર સાવ ઠંડો રિસ્પોન્સ મળ્યો છે. ૨૬ એપ્રિલે આયુષ શર્માની ‘રુસલાન’ આવી રહી છે. ત્યારબાદ રાજકુમાર રાવની ‘શ્રીકાંત’ ૧૦ મે અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ૩૧ મેના રોજ આવી રહી છે. મનોજ બાજપેયીની ‘ભૈયાજી’ ૨૪ મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ આ ફિલ્મ અંગે ખાસ ચર્ચા નથી અને પ્રમોશન પણ ઠંડુ પડ્યું છે.

લાંબા સમય પહેલા એનાઉન્સ થયેલી ‘તેહરાન’ અને ‘કલ્કિ’ જેવી બિગ બજેટ ફિલ્મો તૈયાર થઈ ગઈ છે, પરંતુ તેને રિલીઝ કરવાની ઉતાવળ જણાતી નથી. જેના કારણે હજુ સુધી રિલીઝ ડેટ પણ જાહેર થઈ નથી. ભારતીયો મત આપવામાં ભલે ઓછો ઉત્સાહ દાખવતા હોય, પરંતુ ચૂંટણીની ચર્ચામાં મોખરે રહે છે.

ચૂંટણીના આ સમયગાળા દરમિયાન ફિલ્મો પર અસર થતી હોય છે અને આ સમય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કપરો રહે છે. વળી કોરોના મહામારીના આઘાતમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માંડ બહાર આવી છે ત્યારે ચૂંટણી જેવા મહારથીનો સામનો નહીં કરવામાં જ પ્રોડ્યુસર્સને ડહાપણ જણાય છે. દરેક ફિલ્મમાં પ્રોડ્યુસરે જંગી રોકાણ કરેલું હોય છે અને તેથી તેમને ફિલ્મોની સફળતાની સૌથી વધારે ચિંતા રહે છે.

પાછલા વર્ષે ‘શ્રીકાંત’ રિલીઝ થવાની હતી, પરંતુ સપ્ટેમ્બરમાં ‘જવાન’ સાથે ટક્કર નિવારવા તેને અટકાવી દેવાઈ હતી. આ ફિલ્મ બે વીકમાં રિલીઝ કરી શકાય તેમ છે, પરંતુ ડાયરેક્ટર તુષાર હીરાનંદાની રિલીઝ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.

તેમણે જણાવ્યુ હતું કે, પ્રોડ્યુસર ભુષણ કુમાર અને નિધિ હીરાનંદાની રિલીઝ ડેટ નક્કી કરવાના છે. અત્યારે થીયેટરમાં ફિલ્મોની અછત છે અને મોટાભાગની ફિલ્મો પોસ્ટપોન થઈ છે. જેના કારણે જૂન મહિના પછી બોક્સઓફિસ પર કન્ટેન્ટનું પૂર આવશે અને તેના કારણે ફિલ્મોને પગ જમાવવા માટે લાંબો સમય મળી શકશે નહીં. મોટી ફિલ્મો વચ્ચે ટક્કરની સ્થિતિ જૂન મહિના પછી જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.