Western Times News

Gujarati News

3 મહિનામાં મુંબઈ પોલીસે 943 કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યાે

પ્રતિકાત્મક

(એજન્સી)મુંબઇ, મુંબઈ પોલીસે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૯૪૩ કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે અને શહેરમાં ડ્રગ રાખવાના ૩૩૮ કેસોમાં કથિત રીતે સામેલ ૪૧૦ લોકોની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ કિંમત ૩૦૩ કરોડ રૂપિયા છે.

પોલીસ આ વર્ષે ૫૧૬ કિલોગ્રામ ગાંજો અને ૧૪૨ કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં સફળ રહી છે, એમ આંકડા દર્શાવે છે. પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં મુંબઈ પોલીસે હેરોઈન જપ્તી સંબંધિત ૧૦ કેસ નોંધ્યા હતા, હેરોઈન સંબંધિત કેસોમાં ૧૨ લોકોની ધરપકડ કરી હતી અને ૩.૬૨ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૨૪ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું.

પોલીસે ચરસ જપ્ત કરવા સંબંધિત ૧૬ કેસ નોંધ્યા હતા. ચરસ સંબંધિત કેસમાં ૨૨ વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને ૬.૮૫ કરોડ રૂપિયાની કિંમતનું ૨૧.૧૫ કિલોગ્રામ ચરસ જપ્ત કર્યું હતું. પોલીસે ગાંજો જપ્ત કરવા સંબંધિત ૧૯૭ કેસ નોંધ્યા છે, ગાંજો સંબંધિત કેસમાં ૨૦૫ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ૧.૫૯ કરોડ રૂપિયાની કિંમતનો ૫૧૬.૧૮ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.

જ્યાં સુધી હાઈ-એન્ડ ડ્રગ્સનો સંબંધ છે, પોલીસે કોકેઈન જપ્તી સંબંધિત સાત કેસ નોંધ્યા છે, કોકેઈન સંબંધિત કેસોમાં ૧૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ૧૧.૩૯ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૧૫ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. પોલીસે મેફેડ્રોન અથવા એમડી જપ્ત કરવા સંબંધિત ૮૦ કેસ નોંધ્યા છે, એમડી સંબંધિત કેસોમાં ૧૨૯ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ૨૮૦ કરોડ રૂપિયાની કિંમતનું ૧૪૨.૮૦ કિલોગ્રામ એમડી જપ્ત કર્યું છે.

પોલીસે પ્રતિબંધિત કફ સિરપ સંબંધિત ૨૭ કેસ પણ નોંધ્યા છે, આ કેસોમાં ૨૮ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ૯.૩૯ લાખ રૂપિયાની કિંમતની કફ સિરપ જપ્ત કરી છે.

ગયા મહિને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો જ્યાંથી ક્રાઈમ બ્રાન્ચે રૂ. ૨૫૪ કરોડની કિંમતનું ૧૨૨ કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ ફેક્ટરીના માલિક સહિત કુલ ૬ લોકોની ધરપકડ કરી હતી. જ્યાં સુધી વપરાશના કેસોની વાત છે, આ વર્ષે પોલીસે ડ્રગના સેવનના ૧૯૯૧ કેસ નોંધ્યા હતા અને આ કેસોમાં ૨૦૦૯ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

દરમિયાન ગુજરાત એટીએસની ટીમે એક આૅપરેશનમાં ૬ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ટીમે તેમની પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતના પોરબંદર પાસેથી ૬ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ટીમને લગભગ ૪૫૦ કરોડથી વધારેનું ડ્રગ્સ અને નશાયુક્ત દવાઓ તાબે લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.