Western Times News

Gujarati News

મતદાનની તારીખ નજીક હોવા છતાં કાર્યકરો નિરુત્સાહ અને મતદારોનું મૌન ઉમેદવારો માટે ચિંતાજનક

આંદોલન અને ઉનાળાની ગરમીમાં ચૂંટણીનો ગરમાવો જામતો નથી

હિંમતનગર, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની રપ બેઠકો માટે આગામી તા.૭મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે સાબરકાંઠામાં ક્ષત્રિય આંદોલન અને ઉનાળાની ગરમીને કારણે મતદારો ચૂંટણીમાં હાલના તબકકે રસ દાખવી રહ્યા નથી.

ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં કેટલાક મુદ્દે અસમંજસ હોવાને કારણે તેઓ નિરુત્સાહ જોવા મળી રહ્યા છે. જો કે, આગામી દિવસમાં કાર્યકરોને પ્રોત્સાહન કરવા માટે બંને પક્ષના મોવડીઓ દ્વારા કેટલીક વ્યૂહરચનાને આખરી ઓપ આપી દેવાયો છે. જેની અસર મતદાન પહેલા દેખાઈ આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલના તબકકે ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને લીધે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પ્રચારમાં જોડાઈ રહ્યા નથી. પરંતુ એટલું ચોકકસ છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મતદારો વિકાસ ઝંખી રહ્યા છે.

જેથી બંને પક્ષના કાર્યકરો તેમનો સંપર્ક ન કરે તો પણ મતદારોએ કોને મત આપવો તે અગાઉથી જ નકકી કરી દીધું છે. પરંતુ મતદારો હાલના તબક્કે પક્ષના અગ્રણીઓ તથા કાર્યકરો સમક્ષ કંઈપણ બોલવા તૈયાર નથી તે પાછળના અનેક કારણો છે.

તેમાં મતદારોને થયેલા સારા-નરસા પરિબળો જવાબદાર છે પણ હાલના તબક્કે જોવા જઈએ તો કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ મતદારોને પોતાની તરફે કરવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે તેમાં તેમને વધુ સફળતા મળી નથી.

જેના લીધે બંને પક્ષ દ્વારા ચોકકસ જ્ઞાતિના સંમેલનો બોલાવાઈ રહ્યા છે. પરંતુ તેમાં સાબરકાંઠા અને અરવલ્લીના મોટાભાગના મતદારો હાજર રહેતા નથી. તેમ છતાં બંને પક્ષના મોવડીઓ જે દાવા કરી રહ્યા છે તે સાંભળીને મતદારો મનમાં મલકાઈ રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.