Western Times News

Gujarati News

SoU એકતાનગરમાં મતદાન મથકને જંગલ સફારીની થીમ અપાઈ

નર્મદા જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ

(માહિતી) રાજપીપલા, છોટાઉદેપુર સંસદિય મતવિભાગમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં આવતા એકતાનગર-૧ મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે વિકસાવવામાં આવ્યું છે. જેની થીમ જંગલ સફારી રાખવામાં આવી છે. અહીં વન્ય પ્રાણી-પક્ષીઓની આબેહુબ રેપ્લિકા મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

અહીં મતદારોને આવકારવા માટે ખાસ રેડ કાર્પેટ પણ પાથરવામાં આવી છે. આ સમગ્ર થીમના નિર્માણ કાર્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ દ્વારા સહયોગ પુરો પાડવામાં આવ્યો છે. જે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. અહીં રીંછ, અજગર, સિંહબાળ, હરણ, મોર, ઝરખ, દીપડાની રેપ્લિકા મૂકવામાં આવી છે. વન્ય જીવો અને જંગલના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તેવી રીતે આ રેપ્લિકા મુકવામાં આવી છે.

આ ઉપરાંત ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખી મતદાન મથકમાં મંડપ નાખી છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા છે. આરોગ્યની ટીમ પણ તહેનાત રાખવામાં આવી છે.

મતદાન મથકની અંદર વાંસના ટેબલ અને મત કુટિર પણ વાંસની બનાવવામાં આવી છે. મતદાનકર્મીઓ પણ જંગલ સફારીને અનુરૂપ કેપ પહેરીને બેઠેલા નજરે પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.