Western Times News

Gujarati News

બૂથ એજન્ટ દ્વારા BJPની પેન લઈ જવા મામલે ચૂંટણીપંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો

ગુજરાતમાં ભારે ગરમી અને બફારા વચ્ચે પોલિંગ સ્ટાફે ફરજ બજાવી

અમદાવાદ, લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે. તેમજ નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ઉમેદવાર છે. આમ 4 કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ પૂર્ણ થયું છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર પી.ભારતીએ 6.30 વાગ્યે વોટિંગ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 55 ટકા જેટલું મતદાન થયું છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.
ભારે ગરમી વચ્ચે પોલિંગ સ્ટાફે ફરજ બજાવી છે. રાજુલામાં એક કર્મચારીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જ્યારે જાફરાબાદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. છોટાઉદેપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે 0.23% BU, 114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા.
તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તા.7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ્સ મળી હતી.
જેમાં EVM અંગેના 3 એલર્ટ્સ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ્સ હતી. c-VIGILના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. National Grievance Service Portal माध्यमथी મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે. EVM સંદર્ભે 11 અને બોગસ વોટિંગની 18 ફરિયાદો મળી છે.
EVMમાં ખામીઓની ફરિયાદ મળી ત્યાં તુરંત જ ઇવીએમ બદલી દેવામાં આવ્યા હતા. આજે મતદાનના દિવસે 186 જેટલી ફરિયાદો મળી હતી. ઓફિસ ખાતેના કન્ટ્રોલ રૂમાં EVM સંદર્ભે 11 અને બોગસ વોટિંગ અંગેની 18 કરિયાદો મળી હતી. આજના દિવસે 6 જેટલી FIR કરવામાં આવી છે. જ્યારે મતદાન ઓળખ ભંગની બે ફરિયાદ કરવામાં આવી છે. ગાંધીનગરના વાસણ ગામની ફરિયાદ મળી હતી.વાસણમા એક વ્યક્તિએ ફેવિકવિક લગાવી દીધું હતું.
જેથી તે ઉમેદવારનું બટન પ્રેસ થતું ન હતું.  પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે. પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.
મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા. 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે.
મતદાન બુથ પર ભાજપના બૂથ એજન્ટ દ્વારા ભાજપની પેન લઈ જવા મામલે શક્તિસિંહ ગોહિલ ફરિયાદ મામલે ચૂંટણીપંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. ભાજપે પોલિંગ એજન્ટોને સાહિત્ય કીટ આપી હતી. જે બાદ રાજ્યના બધા જ મતદાન મથક પર સુચનાઓ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી દ્વારા રોડ શો અંગેની કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તપાસ કર્યા બાદ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.