Western Times News

Gujarati News

પેપર લીક કાંડઃ વધુ આરોપીઓની ધરપકડ થશે

પકડાયેલા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી : મુખ્ય સુત્રધાર પ્રવિણદાન ગઢવીને ઝડપી લેવા રાજય વ્યાપી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ: બીન સચિવાલય કલાર્કની પરીક્ષાનું પેપર ફુટી જવાની ઘટનામાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે અને રિમાન્ડ દરમિયાન તમામની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સમગ્ર કાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે પ્રવિણદાન ગઢવીનું નામ બહાર આવ્યું છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઉપરાંત પકડાયેલા તમામ આરોપીઓની ભૂમિકા વિશે પણ ચોક્કસ વિગતો મળવા લાગી છે અને તમામ આરોપીઓને તપાસઅર્થે એફએસએલમાં મોકલવામાં આવનાર છે જાકે એક આરોપીનો ફોન હજુ સુધી મળ્યો નથી જેમાંથી મહત્વપૂર્ણ વિગતો મળી શકે તેમ છે. આ પ્રકરણમાં અનેક લોકોના નામો બહાર આવી રહયા છે. આ ઉપરાંત રૂપિયા આપીને પેપર ખરીદનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો આપ્યો હતો જેના પગલે રાજય સરકારે પણ આ પ્રકરણની તપાસ કરી યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી હતી અને તપાસ ટીમની રચના કરી હતી અધિકારીઓએ આ મુદ્દે ગંભીરતાથી તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

સૌ પ્રથમ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલી એમ.એસ સ્કૂલમાંથી આ પેપર લીક કરનાર છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

જેમાં વિજેન્દ્રસિંગ વાઘેલા શાળાનો આચાર્ય છે આ ઉપરાંત મહંમદ કુરેશી, ફકરુદીન રામભાઈ ગઢવી તથા બલવીન્દરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં પોલીસે શંકાના આધારે દિપક જાષીની સૌ પ્રથમ ધરપકડ કરી હતી અને તેની પુછપરછ કરતા સમગ્ર ષડયંત્ર બહાર આવ્યું હતું અને એક પછી એક નામો ખુલવા લાગ્યા હતા.

પેપર લીક કૌભાંડમાં તપાસનીશ અધિકારીઓએ કુલ છ આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવી લીધા છે અને તેઓની પુછપરછ કરવામાં આવતા આ સમગ્ર ષડયંત્રમાં પેપર લીક કર્યાં બાદ ફોન ઉપર જ તેને લીક કરવામાં આવ્યું હતું આ પેપર ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ફરતુ કરી દેવામાં આવ્યું હતું અને મોટી રકમ એકત્ર કરી લેવામાં આવી છે. રૂપિયા લઈને આ પેપર કોને કોને આપવામાં આવ્યુ છે તેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે. રૂપિયા આપીને પેપર ખરીદનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર પેપર કાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે પ્રવિણદાન ગઢવીનું નામ બહાર આવ્યું છે અને તેણે આ પેપર ફરતુ કર્યું છે સાથે સાથે એક આરોપીનો ફોન પણ તેણે ગુમ કરી દીધો છે જે ફોનમાં મહત્વપૂર્ણ પુરાવાઓ છે. આ ફોનની તપાસ અધિકારીઓ કરી રહયા છે. બીજીબાજુ પ્રવિણ ગઢવીને ઝડપી લેવા માટે પોલીસે રાજયભરમાં તપાસ શરૂ કરી દીધી છે તેમના પરિચીતોના નિવાસસ્થાન પર વોચ ગોઠવવામાં આવી છે અને કેટલીક મહત્વપૂર્ણ કડીઓ પણ પ્રાપ્ત થઈ છે

જેના પગલે ટુંક સમયમાં જ મુખ્ય સુત્રધાર પણ ઝડપાઈ જશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે.  પકડાયેલા આરોપીમાં લખવીન્દરસિંગે સૌ પ્રથમ આ પેપર ત્રણ યુવકોને મોકલ્યુ છે. જેમાં યુવરાજસિગ મોરી, ફેનીલ અને મહાવીરસિંહનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જાકે આ અંગે કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ નથી. આરોપીઓ દ્વારા સૌ પ્રથમ આ પેપર સૌરાષ્ટ્રમાં ફરતુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ પેપર મોકલવામાં આવ્યું હતું. લખવીન્દરસિંગે આ પેપર પોતાના એક ગ્રુપમાં જાહેર કર્યું હતું

પોલીસ અધિકારીઓએ વોટ્‌સએપ પરના આ ગ્રુપની પણ તપાસ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર પેપર લીક કરવાની આ પધ્ધતિથી અધિકારીઓ વધુ સતર્ક બન્યા છે અને તમામ આરોપીઓના ફોન તપાસ અર્થે એફએસએલમાં મોકલવામાં આવનાર છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કેસના સુત્રધાર પ્રવિણદાન ગઢવી સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ  ઉપરાંત લખવીન્દરસિંગ સામે પણ ગુનાઓ નોંધાયેલા છે. રામભાઈ ગઢવી જે પકડાઈ ચુકયા છે તેની સામે પણ ગુનાઓ નોંધાયેલા છે આમ પકડાયેલા કેટલાક આરોપીઓનો ભુતકાળ ગુનાહિત છે. પેપર લીક કૌભાંડમાં તમામ આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં કેટલીક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.