Western Times News

Gujarati News

રન ફોર ડિસેબલ્ડ સોલ્જર માટે દોડી રહેલા જવાનોનું શામળાજી કોલેજ દ્વારા  સ્વાગત

મોડાસા: આર્મી પ્રત્યે દેશના દરેક નાગરિકને અભિમાન છે કેમ કે એમના અથાગ પ્રયત્નોને પરિણામે આજે દેશ સુરક્ષિત છે. પરંતુ એ સુરક્ષા બનાવી રાખવા માટે ઘણા આર્મીના જવાનોએ શહીદી વોરી છે અથવા યુદ્ધમાં ઘાયલ થયા છે અને કોઈ અંગ ગુમાવ્યું છે. એવા સૈનિકો કે જેમણે યુદ્ધ દરમ્યાન પોતાનું કોઈ અંગ ખોયું છે અને આજે દિવ્યાંગ તરીકે જીવન ગાળી રહ્યા છે

એવા સૈનિકો માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો એમની મદદે ઉભા રહે એવા ઉમદા આશયથી કુમાર અજવાની અને કુમાર અનિલ શર્મા એ મુંબઈ થી દિલ્હી સુધીની સફર દોડીને પુરી કરવાની નેમ લીધેલી. જેમાં એમનો મુખ્ય ઉદ્દેશ લોકોને દિવ્યાંગ લોકોની જિંદગીથી વાકેફ કરાવવાનો છે.

જે દોડ અંતર્ગત તા. 26/12/2019 ના રોજ કુમાર અજવાણી અને કુમાર અનિલ શર્મા શામળાજી આવી પહોંચ્યા હતા. જ્યાં આર્ટ્સ કોલેજ શામલાજીના NCC ના કેડેટ્સ દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શામળાજી કોલેજના NCC ના કેડેટ્સ પણ એમની જોડે દોડ માં જોડાયા હતા અને 3 કિલોમીટર સુધી એમની સાથે દોડ્યા હતા. કુમાર અજવાણી અને કુમાર અનિલ શર્મા એ  કેડેટ્સને સંબોધ્યા હતા.

જેમાં એમણે દિવ્યાંગ  સૈનિકોના જીવનથી એમને માહિતગાર કર્યા હતા અને એમને પણ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે 34 ગુજરાત બટાલિયનના AO  કર્નલ અજય બુરેઈ, સુબેદાર મેજર કુંદન સિંહ અને એમનો સ્ટાફ પણ એમને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શામળાજી કોલેજના NCC ઓફિસર ડૉ. હેમંત પટેલ અને ડૉ. શર્વાણી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ શ્રી અજય પટેલ અને કોલેજના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ કટારાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.