Western Times News

Gujarati News

રાજપારડી-સારસા-ઉમલ્લા નજીક મુખ્ય ધોરીમાર્ગને અડીને ઉભા કરાયેલ મહાકાય રેતીના ઢગલા

રેતીના સ્ટોકના ઢગલાઓની મહત્તમ ઉંચાઈ કેટલી હોવી જોઈએ એ બાબતે સવાલો ઉઠ્‌યા !

ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટ માંથી તેમજ નર્મદાના વહેતા પ્રવાહ માંથી પાઈપ નાંખી એન્જિન નાવડીમાં મુકી પાણી સાથે રેતી ઉલેચવાની ગેરકાનૂની પ્રકિયા લાંબા સમયથી થઈ રહેલ રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદો ઉભા થાય છે.

ઝઘડિયા તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપતિનો ખનીજ માફિયાઓ ભરપૂર પ્રમાણમાં ગેરલાભ લઈ રહ્યા છે.

જીલ્લા બહારથી આવીને ઘણા અન્ય જીલ્લાના ઈસમો પણ જમીનો ભાડે લઈને રેતીનો સ્ટોક કરી રહ્યા છે.આવા રેત માફિયાઓને કોઈનો ડર રહ્યો હોય એમ લાગતું નથી.

જીલ્લાનો ભુસ્તર વિભાગ આવા રેત માફિયાઓનું ખુલ્લેઆમ સમર્થન કરતો હોય એવી વાતો સામે આવી રહી છે.ઝઘડિયા તાલુકામાં હાલ ઠેર ઠેર મુખ્ય ધોરીમાર્ગ સહિત માર્ગોને અડીને મહાકાય રેતીના ઢગલાઓ ઉભા કરાયા છે.

સામાન્ય રીતે રેતીનો સ્ટોક જ્યાં કરવાનો હોય તે જગ્યા એન.એ થયેલ હોવી જોઈએ.પરંતું હાલ ઝઘડિયા તાલુકાના રાજપારડી – સારસા – ઉમલ્લા વચ્ચે મુખ્ય ધોરીમાર્ગને અડીને મોટી સંખ્યામાં મહાકાય ડુંગર સમાન રેતીના ઢગલાઓ ઉભા કરાયા છે.આમાં કેટલા કાયદેસર રીતે નિયમોના પાલન સાથે ઉભા કરાયા છે અને કેટલા ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા છે તેની કોઈપણ જાતની તપાસ થતી નથી.

આ અંગે જવાબદાર ભુસ્તર અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ તરફથી ગોળગોળ જવાબ મળતા રેત માફિયાઓ સાથે તેમની મિલિભગત હોવાની રીતસરની શંકાઓ ઉભી થઈ હતી.રાજપારડી,સારસા, દુ.વાઘપુરા જેવી જે જે ગ્રામ પંચાયતોની હદમાં રેતીના મહાકાય ઢગલા ઉભા કરાયા છે તેમાં ઢગલાની મહત્તમ ઉંચાઈ,રોયલ્ટી પુરી ભરાય છે કે કેમ,કેટલો સ્ટોક કરવાની પરવાનગી મળી છે તેમજ જ્યાં સ્ટોક કરાયો છે તે જમીન એન.એ થયેલી છે કે કેમ?

આ બધી બાબતોની જરૂરી વિગતો માટે સંબંધિત ગ્રામ પંચાયત સત્તાવાળાઓને પુછતા તેઓ ભુસ્તર વિભાગની વાત કરે છે,જ્યારે ભુસ્તર વિભાગના અધિકારીઓ બાયબાય ચારણી જેવો જવાબ આપે છે.

ઉલ્લેખનીય છે કે જેતે ગ્રામ પંચાયતની હદમાં રેતીના સ્ટોકના ઢગલાઓ ઉભા કરાયા હોય તે પંચાયતો પાસે પણ જરૂરી વિગતો તો હોવી જ જોઈએ !ત્યારે હવે આવા રેતીના મહાકાય ઢગલાઓ બાબતે કોની પાસે આરટીઆઈ માંગવી સંબંધિત ગ્રામ પંચાયતો પાસે કે પછી ભુસ્તર વિભાગ પાસે એ બાબતે પણ જનતા અવઢવમાં મુકાય છે !

ત્યારે જો તાલુકા સ્તરેથી મામલતદાર કે પ્રાંત અધિકારી પણ આ બાબતે સઘન તપાસ આરંભે તો પણ ઘણી ગેરરીતિઓ બહાર આવે તેમ છે અને જો એન.એ નહિ થયેલ ખેતીની જમીનમાં રેતીનો સ્ટોક થયો હોય તો એવી જમીનોને ખાલસા કરવા પગલા ભરાય તે પણ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.