Western Times News

Gujarati News

ઉદેપુરની જેમ અમદાવાદને પણ લેક સિટી બનાવવાની તૈયારીઓ

અમદાવાદને લેક સિટી બનાવવાનો AMCનો પ્લાન-તળાવ આસપાસની ગંદકી દૂર કરાશેઃ માછલીઓની જાળવણી થશે

અમદાવાદ, સામાન્ય રીતે તળાવોના મામલે દેશભરમાં ઉદયપુર બહુ પ્રસિદ્ધ છે. ઉદયપુરની ગણના ત્યાંના તળાવોની સમૃદ્ધિથી સ્વાભાવિક રીતે લેક સિટી તરીકે થાય છે. આપણું અમદાવાદ દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ ધરાવે છે. અમદાવાદ દેશનાં મોટાં લિવેબલ અને લવેબલ શહેરમાં પણ આવે છે.

સ્માર્ટ સિટી અમદાવાદમાં રિવરફ્રન્ટ, અટલબ્રિજ, કાંકરિયા જેવાં મનમોહક સ્થળો છે, જોકે તળાવોની વાત કરીએ તો શહેરમાં મ્યુનિસિપલ કોર્પાેરેશન હસ્તક ૧૧૦ તળાવ હોવા છતાં પણ આપણું શહેર તળાવોની રોનકના મામલે હજુ થોડું પાછળ છે.

શહેરને લેક સિટી અમદાવાદ બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર કટિબદ્ધ બન્યું હોઈ તેને લગતાં વિવિધ આયોજનો ઘડી કઢાયાં છે, જેના કારણે આગામી દિવસોમાં અમદાવાદીઓ પણ પોતાના શહેરને લેક સિટી તરીકે ઓળખાવીને તેનું ગૌરવ અનુભવી શકશે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરને લેક સિટી અમદાવાદ બનાવવાનું જાણે કે બીડું ઝડપ્યું છે. અમદાવાદમાં તળાવો તો છે, પરંતુ આ તળાવોમાં લોકોને આકર્ષે તેવી સુવિધાઓ જો વધુ સુદૃઢ રીતે કરાય તો ચોક્કસ આ શહેર અન્ય રાજ્યોમાં પણ તળાવોના મામલે પ્રસિદ્ધિ મેળવી શકે છે. શહેરનો હેરિટેજ વારસો તો સૌ કોઈને ગર્વ અપાવે તેવો છે તેની સાથે-સાથે જો તળાવોની સુંદરતા નીખરી ઊઠે તો સોનામાં સુગંધ ભળી શકે તેમ છે.

અમદાવાદમાં કુલ ૧૫૬ નાનાં-મોટાં તળાવો છે, જેમાંથી ૧૧૦ તળાવ મ્યુનિસિપલ કોર્પાેરેશન હસ્તકનાં છે, જ્યારે બાકીનાં તળાવો પણ ભવિષ્યમાં મ્યુનિ.કોર્પાે.ને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. હાલમાં તળાવોની આસપાસ ગંદકી, તળાવમાં ગટરનું પાણી આવવું, તળાવોની આસપાસ દબાણો, પાણીમાં લીલ અથવા અન્ય તરલ પદાર્થાે, તળાવમાં માછલી મરી જવી, તળાવમાં પાણી સુકાઈ જવું અને તળાવમાં વરસાદી પાણી ન આવવું જેવા પ્રશ્નો વારંવાર ઉભા થઈ રહ્યા છે, જેના કારણે આ તળાવોની આસપાસ રહેતા નાગરિકોને પણ હેરાન થવું પડે છે.

જોકે મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને તળાવોના મામલે ભારે જાગૃતિ દાખવીને તેના સંરક્ષણ, વિકાસ, ઈકો સિસ્ટમ કન્ઝર્વેશન અને જાળવણી માટે ખાસ માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી છે. આ માર્ગદર્શિકા મુજબ ઈજનેર, એસ્ટેટ અને નગર વિકાસ, બગીચા, સોલિડ વેસ્ટ મેનેજેન્ટ વિભાગ, લાઈટ અને હેલ્થ વિભાગે આપસમાં સંકલન કરીને તળાવોની સુંદરતામાં વૃદ્ધિ કરવાની છે.

ઈજનેર વિભાગે પોતાના વોર્ડમાં આવતાં તળાવોનું નિરીક્ષણ વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઈજનેર, ડેપ્યુટી સિટી ઈજનેરે રૂબરૂમાં કરવાનું રહેશે અને એડિશનલ સિટી ઈજનેર દ્વારા આ તળાવોની ચકાસણી કરવાની રહેશે. ઈજનેર વિભાગ દ્વારા વોર્ડમાં આવતાં તળાવોને લઈ ખાસ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે કે જેમાં તળાવોનું નામ, અક્ષાંશ અને રેખાંશ સાથે, તળાવનું ડેવલપમેન્ટ છે કે કેમ,

કંપાઉન્ડ વોલની વિગત અને જો ના હોય તો આયોજનની વિગત, તળાવમાં વરસાદી પાણીના ઈનલેટની પરિસ્થિતિ-આઉટલેટની પરિસ્થિતિ અને જો ના હોય તો આયોજનની વિગત, તળાવમાં ગટરનું પાણી આવે છે કે કેમ અને જો આવતું હોય તો બંધ કરવાના આયોજનની વિગત, તળાવની આસપાસ અન્ય સિવિલકામ કરવાની જરૂરિયાત છે કે કેમ તેની માહિતી,

તળાવનાં પાણીનો સેન્ટ્રલ લેબોરેટરીનો રિપોર્ટ, તળાવના પાણીનું મીટરમાં લેવલ અને હયાત સ્થિતિના ફોટોગ્રાફ વગેરે બાબતોનો સમાવેશ કરતું અઠવાડિક પત્રક તૈયાર કરવાનું રહેશે. જ્યારે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરે અધિકારીઓને સાથે રાખીને તળાવોનો કબજો તંત્ર હસ્તક છે કે નહીં અને જો ન હોય તો તે માટે કરેલી કાર્યવાહી, તળાવોની આસપાસ દબાણ હોય તો તેની નોંધ,

કંપાઉન્ડ વોલ બનાવવા અંગેની વિગત, તળાવની આસપાસનાં દબાણો હટાવવા આયોજનની વિગત વગેરે માહિતીની નોંધ રાખવાની રહેશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તળાવ આસપાસની ગંદકીના સ્થળની વિગત અને તેને સાફ કર્યાની બાબત પર ભાર મૂકવો પડશે. તળાવની આસપાસ થતાં યુરિનેશન અને તેને બંધ કરાવવા માટેનું આયોજન પણ કરવું પડશે,

જ્યારે બગીચા વિભાગે તળાવની આસપાસ વૃક્ષારોપણ અને વોક-વે બનાવવા માટે તૈયારી કરવી પડશે. તળાવની અંદર અનેક વાર માછલીઓ હજારોની સંખ્યામાં ઓÂક્સજનના અભાવે મરી જતી હોય છે એટલે હેલ્થ વિભાગને તળાવની અંદરની માછલીઓ અને અન્ય જીવોની જાળવણી માટેની જવાબદારી સોંપાઈ છે.

ઉપરાંત તળાવ અંદરની સફાઈનું ધ્યાન રાખવું પડશે. લાઇટ વિભાગે તળાવ ફરતે લાઈટની સુવિધા છે કે કેમ તેનું ધ્યાન રાખવું પડશે અને જો લાઈટની સુવિધા ન હોય તો તે માટેનું આયોજન ઘડવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.