Western Times News

Gujarati News

વસ્ત્રાપુર તળાવથી માનસી ચાર રસ્તા સુધીના રોડ પરના દબાણો દૂર કરાયા

ગોતા-ચાંદલોડિયામાં મ્યુનિ. પ્લોટ પરનાં દબાણો હટાવાયા

(એજન્સી) અમદાવાદ, ચૂંટણી આચારસંહિતા હળવી ગયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીંકવાનું અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત મ્યુનિ. પ્લોટમાં ઊભા થયેલા દબાણો દૂર કરવાની દિશામાં પણ તંત્ર આક્રમક બન્યું છે.

સત્તાધીશોએ ગોતામાં મ્યુનિસિપલ પ્લોટના દબાણો દૂર કરી આશરે રૂ.ર૦ કરોડની કિંમતના પ્લોટનો કબજો મેળવ્યો છે. ચાંદલોડિયામાં પણ પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે.

શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ગોતા વોર્ડમાં ટીપી સ્કીમ નં.પ૬ (ઓગણજ) ફાઈનલ પ્લોટ નં.ર૩૭ કે જે ગાર્ડનના હેતુસરનો છે તેમાં કેટલાક લેભાગુ તત્ત્વોએ રપ જેટલા ઝૂપડાં ઊભા કરી દીધા હતા. તંત્રએ આશરે ૪૦પ૪ ચોરસ મીટરના વિસ્તારમાં થયેલા આ ઝૂંપડાનું દબાણ દૂર કરીને આશરે રૂ.ર૦ કરોડની કિંમતના પ્લોટનો કબજો મેળવ્યો હતો.

આ ઉપરાંત ચાંદલોડિયામાં ટીપી સ્કીમ નં.૬૪ (ત્રાગડ) ફાઈનલ પ્લોટ નં.૧ર૧માં આવેલા બે ઝૂંપડા દૂર કરીને આશરે ર૭ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરીને પ્લોટનો કબજો પરત મેળવવામાં આવ્યો હતો. તેમજ બોડકદેવ વોર્ડમાં ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસની મદદ લઈને એસ્ટેટ અને ટીડીઓ વિભાગે વસ્ત્રાપુર તળાવની ફરતે તેમજ વસ્ત્રાપુર તળાવથી માનસી ચાર રસ્તા સુધીના રૂટ પરથી લૂઝ દબાણો, લારીઓ, શેડ અને માર્જિનમાંથી જાહેરાતના બોર્ડ દૂર કરી મેગા ડ્રાઈવર હાથ ધરી હતી.

તંત્રએ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના સંદર્ભમાં ઉત્તર પશ્ચિમ ઝોનના વિભિન્ન વીઆઈપી રોડ ઉપરના તેમજ ફટપાથ પરના દબાણો પણ હટાવ્યા હતા. આ ઝુંબેશમાં બે ટુ વ્હીલર, આઠ ફોર વ્હીલર, બે છતવાળી લારી, ત્રણ સાદી લારી, ૧૧ પ્લાસ્ટિકના સ્ટુલ, નવ ટેબલ, નવ લોખંડની એંગલો, આઠ તાડપત્રી, ર૩ જાહેરાતના બોર્ડ, ર૯ બેનર-પતાકા, સાત ખુરશી, ૪૭ પરચૂરણ સામાન વગેરે જપ્ત કરી ગોડાઉનમાં જમા કરાવ્યો હતો.

આની સાથે જાહેર રોડ તેમજ ફૂટપાથ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો, જાહેર રોડ પર ગંદકી કરવી, નો હોકિંગ ઝોનમાં લારીઓ મૂકી દબાણ કરવું અને ગેરકાયદે જાહેરાત દૂર કરવાની કામગીરી હેઠળ કુલ રૂ.૧૬,ર૦૦નો વહીવટી ચાર્જ દંડ પેટે વસૂલવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.