Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટીએ લાઇબ્રેરીમાં ફરજ બજાવતાં કર્મચારીને ઘરેબેઠાં એક વર્ષ પગાર ચૂકવ્યો

અમદાવાદ , ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં એક અધિકારીના પત્નીને સરસપુર વાંચનાલય ખાતે નોકરી કરતાં હતા તે દરમિયાન વર્ષ ૨૦૨૨થી વર્ષ ૨૦૨૩ સુધી સળંગ એક વર્ષ સુધી નોકરીના સ્થળે હાજર ન હોવાછતાં પગાર ચુકવવામાં આવ્યો હોવાની ફરિયાદ સસ્પેન્ડ કરાયેલા પ્રોફેસરે કરી હતી.

આ કિસ્સાં અધિકારીના પત્ની સામે આજસુધી કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ફરિયાદ પીએમઓ સુધી પહોંચી હતી. આગામી દિવસોમાં આ મુદ્દે ભારે વિવાદ ઉભો થાય તેવી પણ શક્યતા છે.

યુનિવર્સિટીમાં હાલમાં સમાજવિદ્યા ભવનના પ્રોફેસર મુકેશ ખટ્ટીકને મહિલા પ્રોફેસરની કથિત જાતિય સતામણીના કિસ્સામાં હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધ્યાપકે પીએમઓ પોર્ટલ સહિતની જુદી જુદી જગ્યાએ ત્રણ માસ પહેલા ફરિયાદ કરી હતી.

આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સરસપુર વાંચનાલય ખાતે જે તે સમયે ફરજ બજાવતાં કર્મચારી શ્રીમતી આર.યુ.પારઘી પોતાની ફરજના સ્થળે ફેબ્›આરી ૨૦૨૨થી ૧૫મી ફેબ્›આરી ૨૩ સુધી ગેરહાજર રહ્યા હતા.

આ સમયે તેઓએ કોઇપણ પ્રકારની રજાઓ પણ મુકી નહોતી આમછતાં તેઓ નિયમિત પગાર મેળવતાં હતા. આ અંગેની ફરિયાદ તેમના વિભાગના વડા દ્વારા યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ કરવામાં આવી હતી પરંતુ તેમની સામે કોઇપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નહોતા.

ફરિયાદમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, આ મહિલા કર્મચારી સામે જે પ્રકારની ફરિયાદ હતી તેમાં કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે તેમના પતિ રાજેશ ડામોર કે જેઓ યુનિવર્સિટી ટાવરમાં ફરજ બજાવે છે તેમને સૌથી સંવેદનશીલ ગણાતા મહેકમ વિભાગના વડા તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી હતી.

આમ, જે અધિકારીના પત્ની ઓફીસમાં આવ્યા વગર જ એક વર્ષ સુધી સળંગ પગાર મેળવ્યો તેમની સામે કાર્યવાહીના બદલે તેના પતિને જે તે સમયે મહેકમ વિભાગના વડા બનાવી દેવામાં આવતાં સમગ્ર કિસ્સામાં જાણી જોઇને બચાવવા માટે પ્રયાસ થતાં હોવાના આક્ષેપ પણ કરાયા છે.

જોકે, હાલ તો અધિકારીને મહેકમમાંથી દૂર કરવામાં આવ્યા છે. પરંતુ તેમના પત્ની મહિલા કર્મચારી પર હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઈ નથી. આ મુદ્દે પગલાં લેવામાં ન આવે તો જાહેરહિતની અરજી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.