Western Times News

Gujarati News

સૈનિકોએ ગુલામને ધક્કો મારીને સિંહના પાંજરામાં ધકેલી દીધો પરંતુ….

પ્રતિકાત્મક

આજના આ કળિયુગના જમાનામાં બહુમતિ લોકો દિવસે ને દિવસે સ્વાર્થી બનતા જાય છે. ‘મને શું’? … ‘મારૂં શું’? તેવી વિચારસરણી ધરાવતા લોકો પોતાને કેટલો ફાયદો મળે છે તેમાં જ તેઓનો રસ જળવાયેલો હોય છે.

પોતાનું કામ અન્ય લોકોની સહાયથી સરલ થતું હોય અથવા બીજાઓ દ્વારા ધાર્યો કે અણધાર્યો લાભ મળતો હોય અથવા કોઈ પણ કારણસર કોઇએ પોતાના પર ઉપકાર કર્યો હોવા છતાં પોતે તે વ્યક્તિની કદર કરતા સો વાર વિચાર કરે અથવા આભાર માનતા પોતે નીચો થઈ જતો નથી તેની ખાસ કાળજી રાખતા હોય છે.

માનવીએ કૃતજ્ઞતા દાખવવી તે ખાનદાનીની નિશાની ગણાય છે. ઉપકારનો બદલો અપકારથી ન કરાતા તેની કદર કરીને કોઈ પણ રીતે ઋણ ચૂકવાતા તેના મન પરનો ભાર હળવો થઈ જાય છે અને પોતે તે વ્યક્તિને આભારની લાગણી વ્યક્ત કરાતા પોતાના મનમાં સંતોષ થાય છે.

‘દાખવો કૃતજ્ઞતા, મળ્યો લાભ તુજને જેના થકી,’ ‘દાખવીને કૃતજ્ઞતા, છતી થાશે તુજ ખાનદાની.’ ‘મેળવીને કોઈનું અહેસાન ન ભૂલી જાઓ તે અહેસાનને,’ ‘બની જાઓ નમકહલાલ, લૂણહલાલ, કદર દાખવીને.’

મા-બાપ દીકરા દીકરીઓને ભણાવી ઞણાવી તેઓનું જતન કરીને તથા સારા સંસ્કાર સીંચીને હોશિયાર તથા પાકટ બનાવવા અગાધ મહેનત કરતા હોય છે અને પોતાનો ભોગ આપવામાં પાછી પાની કરતા નથી હોતા.

પરંતુ અમુક પરિવારનાં સંતાનો પરણીને પોતાના જીવનસાથીની કાન ભંભેરણીથી મા-બાની સેવા-ચાકરી કરવામાં કે દેખરેખ રાખવામાં ઢીલ કરે છે અને મા-બાપે તેઓ માટે આપેલો ભોગ પણ વિસરી જાય છે

અને ઋણ ચૂકવવાને બદલે તેઓની અન્ય સાધારણ વ્યકતિઓની જેવી ગણતરી કરતા અચકાતા નથી. અલબત્ત મા-બાપ પોતાની ફરજ નિભાવી જાણે છે પરંતુ અમુક સંતાનો વૃદ્ધાવસ્થાને પહોંચેલ પોતાના મા-બાપની દેખભાળ અથવા માંદગીમાં સારવાર કરવાની ફરજ બજાવે છે જે આ જમાનામાં અમુક પરિવારમાં જ જોવા મળે છે.

માનવી જ્યારે કોઈના પર ઉપકાર કરે ત્યારે તેઓએ કરેલ ઉપકારની કદરની અપેક્ષા રાખવી ન જોઈએ. કોઇ વ્યક્તિ કૃતજ્ઞતા દાખવે કે નહિ એ વિચાર્યા વગર મદદરૂપ બનવું તે જ ખરી પરોપકારી ભાવના છે.

કૂતરા કે સિંહ જેવા પણ પરોપકારનો બદલો વાળે છે. માનવીને તો રગેરગમાં ભાવ હોવો જોઇએ. એક રંક માણસ કોઈ જમીનદારને ત્યાં ગુલામ તરીકે વેચાયો. એ સમયમાં ગુલામીપ્રથા એટલે નર્યું નરકાગાર, અધિક પરિશ્રમ, શારીરિક, માનસિક ત્રાસ અને છતાં ખાવાપીવા કે પહેરવાનું પૂરતું મળે નહિ. આવા અનેક પ્રકારનાં ત્રાસથી પેલો માણસ ત્રાસી ગયો અને ભાગી છૂટ્યો.

જંગલની ગીચ ઝાડીમાં સંતાતો દોડતો હતો, ત્યાં તેણે માર્ઞમાં એક સિંહને બેઠેલો જોયો, માણસને જોવા છતાં સિંહ સ્થિતપ્રજ્ઞની જેમ બેસી રહ્યો. તેના મુખ પર કંઈક દર્દ જણાતું હતું. તેણે વિચાર કર્યો કે જો પકડાઈ જઈશ તો પણ મારું મોત જ છે, તો સિંહ પાસે જઈને તેનું દુઃખ જાણી લઉં. તેથી તે સિંહ પાસે ગયો. તે વખતે સિંહે પોતાનો એક પગ લાંબો કર્યો. તે માણસે જોયું તો સિંહના પગમાં શૂળ ભોંકાઈ ગઈ હતી. તે માણસે પેલી શુળ કાઢી પગ નીચે મૂક્યો. માણસના આત્મ સંતોષની અને સિંહની ઉપકાર દ્રષ્ટીનું મિલન અદભૂત હતું.

એટલીવારમાં તો ગુલામને પકડવા ઘોડેસ્વાર આવી પંહોચ્યા અને તે ગુલામ ઝડપાઈ ગયો. માલિકે સજા જાહેર કરી કે ગુલામને સિંહના પીંજરામાં પૂરી દો અને એ ગુલામને ખતમ કરો. સૈનિકો જંગલમાં ગયા. પેલો સિંહ દોડી શકતો ન હતો તથા ભૂખ્યો પણ હતો તેથી તે સિંહ પણ પકડાઈ ગયો. તેને પિંજરામાં પૂરી દીધો. અને નગરમાં લાવવામાં આવ્યો.

પિંજરાની સામે ગુલામને હાજર કરવામાં આવ્યો. પેલા સિંહની જીભ તો લબક લબક થતી હતી. સળિયા વડે બારણું ખોલ્યું અને તે ગુલામને ધક્કો મારીને અંદર ધકેલવામાં આવ્યો. સિંહે ગુલામ સામે નજર કરી. તેનું લોહી સૂંઘ્‌યું પણ આ શું? ભૂખ્યો સિંહની સામે મનગમતો ખોરાક, છતાં નીચું જોઈ પિંજરામાં પાછો બેસી ગયો.

થોડો વખત પસાર થયો. ભૂખ્યો સિંહ અને મોતનાં મુખમાં ઊભેલો ગુલામ બન્ને સ્વસ્થ હતા. પિંજરાનું બારણું ખોલીને ગુલામને બહાર કાઢવામાં આવ્યો. જમીનદારે ગુલામને પૂછ્યું કે સિંહ તરાપ મારવા તૈયાર થયો હતો તથા તે તારી નજીક પણ આવી ગયો તો પણ કેમ તે સિંહ અટકી ગયો?

ગુલામે બનેલા પ્રસંગને કહી સંભળાવ્યો જમીનદારનું દિલ દ્રવી ઊઠ્‌યું. તેણે પોતાના ગુલામોમાં ભાઈચારો ગ્રહણ કર્યો અંતે સર્વે ગુલામોને ગુલામ ન ગણતા માનવતા ભર્યું વર્તન તે જમીનદારે સ્વીકાર્યું.

એક સિંહ પણ ઉપકારવશ સજ્જનતા દાખવી કૃતજ્ઞ બન્યો. આપણે માનવીએ તો એથી પણ વિશેષ બોધ પ્રાપ્ત કરવો જોઈએ.
‘અરે ભૂલી ગયા શું તમે તેનો ઉપકાર, જેણે કર્યો છે અહેસાન તુજ પર,’
‘બની જાઓ ઋણમુક્ત કરીને તેની કદર, મળશે તેની દુઆ તુજને જિંદગીભર.’

ફરજ સમજીને લોકો એક બીજાને મદદરૂપ બનશે તો દુનિયામાં પ્રેમભાવ પણ વધશે. દુશ્મનનું અહિત કરવાનાં વિચાર કરવા કરતા તેને ઉપકારથી વશ કરવો જોઈએ. વિદ્યા દેનાર વિદ્યાગુરુ, ધર્મનાં સિદ્ધાંતોની સમજ આપનાર ધર્મગુરુ, જન્મ આપનાર

જન્મદાતારૂપી મા-બાપને લોકો વિસરી જાય છે અને આજે લોકો મનમાં એમ સમજતા થયા છે કે એમાં નવાઈ શી કરી છે એ તો એમની ફરજ છે. પરંતુ આજકાલ લોકો પોતાના પર કરેલ ઉપકાર કરનારને લોકો વિસરી જાય છે અને લોકો તે ઉપકારી પર કેવો બદલો વાળે છે.

કોઈને કોઈ રીતે બીજાને મદદરૂપ થવાથી પોતાને સુખ મળે છે. કુદરતનો નિયમ એવો છે કે કામનો બદલો મળ્યા વિના રહેતો નથી. બીજા પર ઉપકાર કરવાથી માનસિક શાંતિ મળે છે.નિસ્વાર્થ ભાવથી મદદ કરીને કોઈ ફળની આશા રાખવી જોઈએ નહિ. બીજાના કામ કરવામાં નાનમ અનુભવવી ન જોઇએ. કોઇ અંધ માણસને કે વૃદ્ધજનને રસ્તો ઓળંગવા માટે મદદ કરીએ

તો એની દુવા તો આપણને મળશે જ પરંતુ સાથે સાથે હ્‌દયની અંદર સત્કાર્ય કર્યાનો સ્વઆનંદ છલકાતો રહેશે.
સુતાં પહેલાં દરરોજ કરેલાં કાર્યોનું બારીકાઈથી મનન કરો. દિવસ દરમ્યાન કોઈક સારૂં કાર્ય થયું કે નહિ એ વિચારો એ સારૂં કામ કર્યું હશે તો નિરાંતની નિંદર માણી શકાય.

‘કૃતઘ્‌નતામાં રહેલી છે ઉદ્ધતાઈ,નાનપ, બૂરાઈ, તોછડાઈ, અધમતા, તથા કઠોરતા,’
‘કૃતજ્ઞતામાં સમાયેલી છે નમ્રતા, મોટાઇ, ભલાઈ, સભ્યતા, ઉત્તમતા તથા કોમલતા.’
‘કોઈના પર અહેસાન કરવો જોઈએ, પરંતુ અહેસાનમંદ તો ન જ બનવું જોઈએ.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.