Western Times News

Gujarati News

બ્રિટનમાં ૪ જુલાઈએ ચૂંટણી, ઋષિ સુનક માટે ચુંટણી અગ્નિપરીક્ષા સમાન બની રહેશે

(એજન્સી)લંડન, બ્રિટનમાં વડાપ્રધાન ઋષિ સુનકે લંડનની ડાઉનિંગ સ્ટ્રીટ પરથી ચૂંટણીની તારીખ વહેલી જાહેર કરી હતી. બ્રિટનમાં ૪ જુલાઈએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. જોકે, થોડા સમય પહેલા સુનકે વર્ષના બીજા ભાગમાં સામાન્ય ચૂંટણી યોજવાની વાત કરી હતી.

ઓપિનિયન પોલમાં પાછળ રહેવાને કારણે આ તેમની કન્ઝર્વેટિવ પાર્ટી માટે જોખમી રણનીતિ માનવામાં આવી રહી છે. ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને નાણા પ્રધાન ઋષિ સુનકે બે વર્ષ કરતાં ઓછા સમય પહેલાં વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ચૂંટણીની જાહેરાત થતાં બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

ઋષિ સુનક અને તેની કન્ઝર્વેટિવ પાર્ટીએ લેબર પાર્ટી પર આરોપ લગાવ્યો કે જો તેઓ સરકારમાં આવશે તો ટેક્સ વધારશે. તેમણે જણાવ્યું કે, આયોજનના અભાવને કારણે બ્રિટન લેબરના હાથમાં સુરક્ષિત નથી. જોકે, વિપક્ષે લેબર પાર્ટી સરકારના આરોપોને નકારી કાઢ્યાં છે.

તો બીજી તરફ લેબર પાર્ટીએ સરકાર પર ૧૪ વર્ષનાં આર્થિક ગેરવહીવટ, અવ્યવસ્થિત વહીવટ અને લોકોને ખરાબ સ્થિતિમાં છોડી દેવાનો આરોપ લગાવ્યો છે.
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી માટે ૪ જુલાઈનો દિવસ નક્કી કર્યો છે જેથી લોકો નક્કી કરી શકે કે તેઓ દેશે કરેલી પ્રગતિને આગળ વધારવા માગે છે કે પછી યથાસ્થિતિમાં પાછા જવું છે.

સુનકે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા હવે ફ્રાન્સ, જર્મની અને યુએસએ કરતાં વધુ ઝડપથી વધી રહી છે, ફુગાવો સામાન્ય થયો છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે તેમની સરકારની યોજનાઓ અને પ્રાથમિકતાઓ કામ કરી રહી છે.

એપ્રિલ દરમિયાન બ્રિટનમાં ફુગાવાનો દર ૨.૩ ટકા હતો, જે છેલ્લા ત્રણ વર્ષ એટલે કે જૂન ૨૦૨૧ પછીનો સૌથી નીચો સ્તર છે. અગાઉ માર્ચ ૨૦૨૪માં અહીં મોંઘવારી દર ૩.૨ ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના જણાવ્યા અનુસાર, ઘરગથ્થુ બિલોમાં તીવ્ર ઘટાડાથી એપ્રિલમાં ફુગાવો ઘટ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.