Western Times News

Gujarati News

દેશના અનેક ભાગમાં સતત આઠમા દિવસે પણ કાળઝાળ ગરમીનો કહેર

નવી દિલ્હી, દેશના અનેક ભાગમાં સતત આઠમા દિવસે પણ કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહ્યો. જેમાં રાજસ્થાનના ફલોદીમાં ગરમીનો પારો અડધી સદી સુધી પહોંચી ગયો. જે આ વર્ષે દેશનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. સત્તાવાર આંકડાથી સામે આવ્યું કે દેશના ૬ રાજ્યમાં ૨૩થી વધારે જગ્યાએ પર શુક્રવારે ગરમીનો પારો ૪૫ ડિગ્રી કે તેનાથી વધારે પહોંચી ગયો.

હજુ તો મે મહિનામાં ગરમીની આ સ્થિતિ છે. તો જૂન મહિનામાં શું હાલત થશે? કેમ કે મે મહિનામાં આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાથી મોટાભાગના રાજ્યના લોકો પરેશાન થઈ ગયા છે. દેશમાં ગરમીના કારણે કેવી સ્થિતિ છે તે પણ બતાવીશું પરંતુ તે પહેલાં કયા રાજ્યમાં કેટલું તાપમાન નોંધાયું.

તેના પર નજર કરીએ તો… રાજસ્થાનના ફલોદીમાં ૪૯ ડિગ્રી ગરમી, રાજસ્થાનના જેસલમેરમાં ૪૮.૩ ડિગ્રી ગરમી, રાજસ્થાનના બાડમેરમાં ૪૮.૩ ડિગ્રી ગરમી, મહારાષ્ટ્રના અકોલામાં ૪૫.૮ ડિગ્રી ગરમી, મહારાષ્ટ્રના જલગાંવમાં ૪૫.૪ ડિગ્રી ગરમી, ગુજરાતના અમદાવાદમાં ૪૫.૫ ડિગ્રી ગરમી, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૪૫.૫ ડિગ્રી ગરમી, દિલ્લીમાં ૪૧.૭ ડિગ્રી ગરમી નોંધાઈ છે.

આંકડા પરથી સમજી શકાય છે કે દેશના મોટાભાગના રાજ્યો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. આ વર્ષે રણવિસ્તાર રાજસ્થાનની સ્થિતિ સૌથી કપરી બની ગઈ છે. કેમ કે અહીંયા ગરમીનો પારો સતત વધી રહ્યો છે. લોકો ગરમીથી બચવા માટે મોં પર કપડું બાંધીને કે છત્રીનો સહારો લઈ રહ્યા છે. તો કેટલાંક લોકો શેરડીનો રસ પીને ગરમીમાં રાહત મેળવતાં જોવા મળ્યા હતા.

દેશમાં સૌથી કપરી સ્થિતિ રાજસ્થાનના બાડમેરની છે. કેમ કે અહીંયા ગરમીનો પારો ૪૮ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રસ્તા પર લોકોની અવર-જવર પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. રસ્તા પર ગણ્યાગાંઠ્‌યા લોકો પસાર થતાં કેમેરામાં કેદ થયા. સ્થાનિક પ્રશાસન દ્વારા રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. જેથી વાહનચાલકોને ગરમીમાં આંશિક રાહત મળે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં અહીંયા સવારે તો વાહનોની અવરજવર જોવા મળે છે પરંતુ બપોર થતાં આ રસ્તાઓ પર લોકો નીકળવાનું પસંદ કરતા નથી. કેમ કે અમદાવાદમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ રોજનું કમાઈને રોજ ખાતા લોકોને બહાર નીકળવા સિવાય છૂટકો હોતો નથી. ગુજરાતમાં ગરમી કેમ વધી? તો તેની પાછળ આપણે લોકો જ જવાબદાર છીએ કેમ કે ગુજરાતમાં ટ્રી કવરમાં છેલ્લાં ૮ વર્ષમાં ૨૮૭૦ ચો. કિમીનો ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.