Western Times News

Gujarati News

અમદાવાદના તમામ સ્ટોર્મ-સુઅરેજ પંપીંગ સ્ટેશનના પંપ 10 તારીખ સુધી મેઈન્ટેન્સ કરવા તાકીદ

પ્રતિકાત્મક

વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ડે. કમિશનરે ખાસ બેઠક કરી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન અગાઉ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે તેમજ તેનો ઝડપી અમલ થાય તે દિશામાં પણ કાર્યવાહી થાય છે તેમ છતાં નાની નાની ત્રુટીઓના કારણે વરસાદી પાણીનો ભરાવો થાય છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

આગામી ચોમાસામાં નાગરિકોને પરેશાની ન થાય તે માટે તંત્ર ચોક્કસ દિશામાં કામ કરી રહ્યું છે અને તમામ નાની બાબતોનું ધ્યાન રાખી પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન મુજબ કામ કરી કામ કરે છે ખાસ કરીને ભારે વરસાદના સમયે પંપો બગડી જવા ની સમસ્યા જોવા મળે છે જેનું ભૂતકાળ ની માફક એક્સન રિપ્લે ન થાય તે માટે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ચોમાસાની સિઝન દરમ્યાન વરસાદી પાણીના નિકલનો આધાર સ્ટોર્મ વોટર અને સુરેજ પંપીગ સ્ટેશન પર છે. પરંતુ ઘણી વખત દશેરા ના દિવસે જ ઘોડા ના દોડે તેવો ઘાટ થાય છે. અને કેડ સુધી પાણી ભરાયા હોય ત્યારે પંપીંગ સ્ટેશનના પંપો જ બગડી જાય છે.

આ મુજબના કડવા અનુભવોને ધ્યાનમાં લઈ ડે. મ્યુનિસિપલ કમિશનર મિહિરભાઈ પટેલે એસ. .ટી.પી. વિભાગ ઘ્વારા તમામ પંપોની ચકાસણી શરૂ કરવા અને વરસાદના આગમન પહેલા જ પંપોની સર્વિસ/ મરામત પૂર્ણ થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી છે. ડે. મ્યુનિસિપલ કમિશનર મિહિરભાઈ પટેલના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા એસ.ટી.પી. વિભાગના તમામ નાના મોટા કર્મચારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી

જેમાં સ્ટોર્મ અને સુઅરેજ પંપીંગ સ્ટેશનોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ તમામ પંપોની જરૂરી સર્વિસ/મરામત 10 તારીખ સુધી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.સ્ટોર્મ અને સુઅરેજ પંપીંગ સ્ટેશનોમાં 491 પંપ છે જે પૈકી માત્ર 48 પંપના જ મેઈન્ટેન્સ બાકી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.      અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશનરે પ્રિ મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તમામ વિભાગ ને તાકીદ કરી છે.

ખાસ કરીને જે સ્થળે પાછલા વરસે વરસાદી પાણી ભરાયા હતા તેવા સ્થળો પર જરૂરી કામ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કેચપીટો અને મશીનહોલ ની સફાઈ, ઝાડ ટ્રીમિંગ, રોડ રીપેરીંગ વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.