Western Times News

Gujarati News

અમદાવાદની વી.એસ. હોસ્પિટલના બીજ વાવનાર એક અજાણી વ્યક્તિ જેને અમદાવાદ ઓળખતું જ નથી !!

“દાન વાડીલાલ સારાભાઈનું વહીવટ મનસુખલાલનો અને સરદાર વલ્લભભાઈ પટેલની સ્થળ અપાવવા બદલની ઉમદા મદદ એ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ !”
“તારીખ ર૭-૭-૧૯ર૯ ના રોજ સરદાર પટેલે હોસ્પિટલ બાંધવા માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસેથી ૯૯૯ વર્ષના પટ્ટા પર જમીન અપાવી હતી !!”

“કેવળ ૧૮ વર્ષની વયે મનસુખલાલે શેરબજારમાં એન્ટ્રી કરી અને માત્ર રપ વર્ષની વયે આ યુવાન શેરબજારમાં લાખોપતિ થઈ ગયો ! શેર દલાલોએ તેમને ‘બેતાજ બાદશાહ’ની પદવી આપી હતી !”

“શેઠ વાડીલાલ સારાભાઈને ૧૧ સંતાનો હતાં પણ એક પણ જીવ્યા જ નહીં !”
“વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ- અમદાવાદ, કે જે વી.એસ.હોસ્પિટલના નામે ઓળખાય છે- આ વાત પર આવવા માટે આપણે જિલ્લો સાબરકાંઠાનું એક ગામ મેઘરજની વાતથી શરૂઆત કરીએ. ઈ.સ.૧૮૯૧માં મેઘરજમાં દશા ગુર્જર વણિક પરિવારમાં એક બાળકનો જન્મ થયો જેનું નામ મનસુખલાલ અને તેમનાં પિતાનું નામ છગનલાલ દેસાઈ !

ઈડરના દીવાન જમનાદાસ પરિવારનું તેઓ ફરજંદ હતા. જમનાદાસ દીવાનના મેઘરજના ડેલામાં દીવાનના દરવાજાને શોભે તેવી દીવાલો હતો. શસ્ત્ર સરંજામ હતો. કોઈક કારણસર જમનાદાસના પુત્ર છગનભાઈને દીવાન પદ મળ્યું નહીં અને… મેઘરજ છોડીને પરિવાર જૂનાગઢ જતું રહયું.. આર્થિક સંકડામણ દૂર કરવા મનસુખલાલને તેમના માસી મુંબઈ લઈ ગયાં. કેવળ ૧૮ વર્ષની વયે મનસુખલાલે શેરબજારમાં એન્ટ્રી કરી હતી અને માત્ર રપ વર્ષની વય સુધીમાં એટલે કે ૧૯૧૬-૧૯૧૭ની સાલમાં તો તેઓ એ જમાનાના લાખોપતિ થઈ ગયા હતાં !

માત્ર રપ વર્ષનો યુવાન શેરબજારમાં લાખોપતિ થઈ ગયો હોય તેવો આ પહેલો પ્રસંગ હતો ! શેર દલાલો તેમને બેતાજ બાદશાહ માનતા હતા. એમની આ એક આગવી ઓળખ બની ગઈ. તેમનું ઘર ભવ્ય જાહોજલાલી વાળું હતું ! એમના પત્ની ટૂંકું જીવ્યા અને ત્યારબાદ એમણે ખાનદાન પરિવારનાં પુત્રી હીરાવંતી સાથે લગ્ન કર્યા. વર્ષ ૧૯રર-ર૬ના ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા, મનસુખલાલ પણ ગાંધી અને સરદાર પટેલના રંગે રંગાયા હતા. મનસુખભાઈએ વિદેશી માલ-સામાનની હોળી કરવાના આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

વર્ષ ૧૯ર૬માં મુંબઈમાં રમખાણો ફાટી નીકળ્યાં- સારવાર અને હોસ્પિટલના અભાવે ગરીબ અને ઘાયલ દર્દીઓને મૃત્યુ પામતાં નિહાળ્યાં ! વર્ષ ૧૯૧૯માં રમણિક નામના પુત્રનો જન્મ થયો હતો. પરંતુ માત્ર ૬ વર્ષની વયે તેમનો દીકરો રમણિક ટાઈફોઈડની બીમારીમાં અનેક ઉપાય કરવા છતાં મૃત્યુ પામ્યો. પુત્ર પ્રેમથી પ્રેરાઈને દીકરાની યાદમાં હજારો રૂપિયા ગુપ્ત દાનમાં આપેલાં.- દાનની વિગતો તેઓ પત્નીને પણ જણાવતાં નહીં !

સાહેબ… સરદાર પટેલ અને કુ. મણિબહેન પટેલ પણ તેમનાં જ ઘરે રહેતાં, જમતાં ! શેરબજારના કામે તેઓ અવારનવાર અમદાવાદ આવતા- અમદાવાદના શેરબજારના જૈન વેપારીઓ તેમના મિત્રો હતાં અને એ સમયે શેઠ વાડીલાલ સારાભાઈએ અમદાવાદ શહેરના ધનાઢય ચુસ્ત જૈન હતાં ! વાડીલાલભાઈ પણ શેરબજારના ધંધા સાથે સંકળાયેલા હતાં.

૧૯૧૬-૧૯૧૭માં મનસુખલાલને વાડીલાલ સારાભાઈ સાથે પરિચય થયો હતો, અને ૧૯ર૬-ર૭ના સમયગાળા દરમિયાન સૌથી નાની વયના મનસુખલાલ લાખોપતિ થઈ ગયાનું વાડીલાલ સારાભાઈએ સાંભળ્યું હતું ! વાડીલાલ સારાભાઈ જૈન શ્રેષ્ઠી હતાં, ખૂબ વૈભવ હતો… પરંતુ કુદરત કોઈ અજ્ઞાત કારણસર તેમના પર રુઠેલી હતી. તેમનાં પત્ની ચંપાબહેનને (લક્ષ્મીબહેન) એક પછી એક એમ અગિયાર બાળકો… રીપીટ કરું છું ૧૧ બાળકો ! આટલા બાળકોને જન્મ આપ્યો હતો અને બધાંજ બાળકો માંડ એક વર્ષ જીવી દેવલોક પામ્યાં હતાં !!

વાડીલાલ સારાભાઈના જીવનનું આ દુઃખ અસÌય હતું. ધર્મપ્રેમી એવા આ માયાળુ દંપતીને સંતાનની ખોટ હતી.. અને એજ સમય દરમિયાન યુવાન મનસુખલાલ મુંબઈથી અમદાવાદ આવ્યા !! વાડીલાલ સારાભાઈને મનમાં થયાં કરતું કે વર્ષોથી ખોવાઈ ગયેલો પુત્ર પાછો મળ્યો છે ! વાડીલાલની ઉંમર વધુ હતી અને આ બાજુ મનસુખલાલને પણ લાગ્યા કરતું જાણે વાડીલાલ પિતાતુલ્ય ન હોય!!

આ બેઉ વ્યક્તિઓને સ્ફુરિત લાગણીઓ એ પોતે અનુભવતાં હતાં ! પૈસા વાપરવાની બાબતમાં વાડીલાલ કરકસરિયાં અને ગણતરી બાજ હતાં ! તેમનાં પટારામાંથી લક્ષ્મીને સોચી-વિચારીને બહાર કાઢે ! જયારે મનસુખલાલ લક્ષ્મીને ઝડપથી સદ્‌કાર્યમાં વાપરવામાં માનતા હતા. મનસુખલાલના આ સ્વભાવે વાડીલાલને દાનધર્મ તરફ પ્રેર્યા !!

મનસુખલાલને પહેલેથી ગરીબો પ્રત્યે ગજબની હમદર્દી હતી. કારણ કે જૂનાગઢમાં પિતાના અવસાન પછીના છત્રવગરના ગરીબીના એ દિવસો એ ભૂલ્યા નહોતા. એમણેજ… વાડીલાલ સારાભાઈને ગરીબ અને મધ્યમવર્ગના હિંદુઓ માટે પંચગિનીમાં સેનેટોરિયમ બાંધવા સમજાવ્યાં. શ્રીમંતોના તો મહાબળેશ્વરમાં બંગલા હતા, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના હિંદુઓ માટે પંચગિનીમાં ટી.બી.થી પીડાતા દર્દીઓ માટે સેનેટોરિયમ બાંધવા માટે પરામર્શ કરી હતી..

અને વર્ષ ૧૯ર૬ના ગાળામાં, આજથી નવ દાયકાથી પણ અધિક- રૂપિયા એંશી હજારનું દાન કર્યું હતું ! પંચગિનીનું વાડીલાલ સારાભાઈ સેનેટોરિયમ ૧૯ર૬ના મે મહિનામાં તૈયાર થયું અને એજ વર્ષમાં વાડીલાલ સારાભાઈનું અવસાન થયું ! આ સેનેટોરિયમ મનસુખલાલે પોતાની આગવી સૂઝ મુજબ બંધાવ્યું હતું… ઈ.સ.૧૯ર૭-ર૮નો સમય હતો. મૃત્યુ પહેલાં વાડીલાલ સારાભાઈએ પોતાનું વસિયતનામું બનાવી રાખ્યું હતું.. અને તેમાં તેમણે મનસુખલાલને વિલના મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યાં હતા- ત્યારે મનસુખલાલની ઉંમર ૩ર વર્ષની હતી !

વાડીલાલ સારાભાઈને મનસુખલાલની વ્યવહારુ બુÂધ્ધ અને નિષ્ઠામાં ખૂબ શ્રધ્ધા હતી. વીલના બીજા ટ્રસ્ટીઓમાં ચંપાબહેન (લક્ષ્મીબહેન), વાડીલાલના નાના ભાઈ જેસિંગભાઈ તથા એમની બહેનના દીકરા મણિલાલ ઝવેરી હતાં. વીલની શરત પ્રમાણે એક ભાગ ચંપાબહેન (લક્ષ્મીબહેન)ના નિર્વાહ માટે રાખવાનો- એક ભાગ એમના નિકટના સ્વજનમાં વહેંચવાનો અને બાકીની તમામ મિલકત સ્થાવર અને જંગમ ધર્માદામાં વાપરવી તેમ લખ્યું હતું !

અને તે ધર્માદાની રકમ પણ આરોગ્ય અને આરોગ્યમય શિક્ષણાર્થે વાપરવાની હતી. અને આ વસિયતનામાના અમલની મોટી જવાબદારી મનસુખલાલના શિરે હતી. હવે આ બધી રકમોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તે મનસુખલાલ સતત વિચારતા રહયાં… અચાનક તેમને વિચાર આવ્યો કે અમદાવાદમાં સારી સુવિધા ધરાવતી કોઈ જ હોસ્પિટલ ન હતી

અને વળી મોટી બીમારી આવે તો અમદાવાદના દર્દીઓને ઈલાજ માટે મુંબાઈ જવું પડતું હતું. શહેરના શ્રીમંતો તો મુંબાઈ જતાં જ, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના લોકો ક્યાં જાય ? મનસુખલાલે અમદાવાદ શહેરમાં એક સારી હોસ્પિટલ બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ચર્ચા કરી કેમકે એ સમયે સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટી સાથે સંકળાયેલાં હતા !

મનસુખલાલનો આ વિચાર સરદાર સાહેબને ખૂબજ પસંદ પડ્યો અને સરદાર સાહેબે પોતાની વગ વાપરી હોસ્પિટલ બાંધવા માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસેથી પ્રિતમનગર પાસેની વિશાળ જમીન ૯૯૯ વર્ષના પટ્ટા પર અપાવી. મનસુખભાઈએ વાડીલાલ સારાભાઈ ટ્રસ્ટના મેનેજીંગ ટ્‌સ્ટી તરીકે અમદાવાદ મ્યુનિસિપાલિટી સાથે તારીખઃ ર૭.૭.૧૯ર૯ના રોજ કરારનામું કર્યુ અને સહી-સિક્કા થયા.

આ રીતે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ માટેની પૂર્વ તૈયારીઓ શરુ થઈ ગઈ ! સરદાર સાહેબના આગ્રહથી જ આ જ સંકુલમાં અમદાવાદના ચિનાઈ શેઠે ચિનાઈ મેટરનીટી હોમ બાંધવા સખાવત કરી. બાંધકામ શરુ થઈ ગયું અને જ્ઞાતિ કે ધર્મના કોઈપણ ભેદભાવ વિના એક વિશાળ હોસ્પીટલનું અÂસ્તત્વ ઉભું થયું ! દાન વાડીલાલ સારાભાઈનું- વહીવટ મનસુખલાલનો

અને સરદાર વલ્લ્ભભાઈ પટેલની સ્થળ અપાવવા બદલની ઉમદા મદદથી આ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ગવાહી આપે છે. જૈન ધર્મની ભાવના કર્યું.. કરાવ્યું… અનુમોદયુંનું આ ઉત્તમ ઉદાહરણ છે. મેઘરજથી જૂનાગઢ… જૂનાગઢથી મુંબઈ સુધીની સફર કરનાર મનસુખલાલ છગનલાલ દેસાઈ એ વાડીલાલ સારાભાઈના સગા પુત્રની જેમ જ જવાબદારી નિભાવી અને ઈ.સ.૧૯૩૦ના રોજ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલનું ખાતમુહૂર્ત પણ મનસુખલાલે પોતાના હસ્તે કર્યું હતું !!!

હોસ્પીટલ સંપૂર્ણપણે તૈયાર થાય તે પહેલાંજ મનસુખલાલનું પણ અચાનક અવસાન થયું ! આજે વી.એસ.હોસ્પિટલ એક વટવૃક્ષ બની છે. શહેરની ગૌરવપૂર્ણ સીમાચિન્હ તરીકે પહેચાન છે. અમદાવાદની આટલી મોટી હોસ્પીટલનાં બીજ વાવનાર જે વ્યક્તિનું મહત્વપૂર્ણ યોગદાન છે એવી એક અનજાન વ્યક્તિ એ મનસુખલાલ જેને અમદાવાદ પહેચાનતું જ નથી ! ખુદ મનસુખલાલ દેસાઈને પણ ગુમનામ રહેવામાં જ આત્મસંતોષ હતો

ખિડકી –મારી વિદાય વેળાએ – મારી આંખો એ વ્યકિતને આપજો જેણે ક્યારેય સૂર્યોદય જોયો નથી. મારું Ìદય એ વ્યક્તિને આપજો જેને Ìદયની જરૂરત છે. મારું લોહી એવા યુવાનને આપજો જેથી તે માંડમાંડ કાર અકસ્માતમાંથી જીવન-મરણ વચ્ચેની સ્થિતિમાં હોય જેથી તે તેના પૌત્રોને રમતાં જોઈ શકે.

મારી  કીડની એ વ્યક્તિને આપજો જેને જીવતદાન મળે. મારા હાડકા અપંગ બાળકને આપજો જેથી તે ચાલી શકે. હલનચલન કરી શકે. બાકી જે વધ્યુ તેને સળગાવીને તેની ભસ્મને હવામાં જવા દેશો જેથી ક્યાંક ખાતર બની ફૂલો ઉગી શકે.

મારા પાપ શૈતાનને સોંપજો. મારો આત્મા પ્રભુને સોંપજો. તમે મને યાદ રાખવા માંગતા હોવ તો સારા કાર્યો કરતા રહેશો જેને તમારી જરૂર છે. આ મુજબ તમે કરશો તો હું હંમેશ માટે જીવિત જ બની રહીશ ઃ- નાની પાલખીવાલા.

ઝબકાર- પારસી ધર્મના ત્રણ મુખ્ય નિયમ ઃ હુમત, હુખ્ત, હુવર્ષતા- અર્થાત્‌ સારા વિચાર, સારા શબ્દો, સારા કર્મો- મહાન ઋષી ઝરથ્રુષસ્ટ્ર
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.