Western Times News

Gujarati News

“જય જય હોજો, મંગલ હોજો”ના નારા સાથે અરવિંદભાઈ પારેખનો દેહ પંચમહાભૂતમાં વિલીન

અરવિંદભાઈ મણીલાલ પારેખ હર હંમેશ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મને એવી ગોળી શોધી આપો જેનાથી મને થાક ન લાગે, ઊંઘ ન આવે અને ભૂખ ન લાગે..

અમદાવાદ ખાતે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સાગરસૂરીશ્વરજી મહારાજા આદિની નિશ્રામાં મંગળવારે સવારે ગુણાનુવાદ સભા રાખવામાં આવી છે.

મુંબઈ,  રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી – મુંબઈ જૈનશાસનના રત્નસમા અરવિંદભાઈ મણીલાલ પારેખનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. તેઓની ઉમર 92 વર્ષની હતી અને તેમના ધર્મપત્ની ઉષાબહેને સ્વસ્થ ચિત્તે તેમના આત્માની સદગતિ અને સમાધિ માટે પ્રાર્થના કરી તેઓને વિદાય આપી હતી.

સમગ્ર જૈન સંઘના અનેક મહાનુભાવોની હાજારીમાં સવારે 8 કલાકે દેખો દેખો કૌન આયા હૈ, જિનશાસનના સેવક આયા હૈના નારા સાથે અંતિમ યાત્રાની પાલખીની શરુઆત થઈ હતી. અને જય જય હોજો, મંગલ હોજોના નારા સાથે બોરીવલીના રાજમાર્ગો પર ફરીને બોરીવલી (ઈસ્ટ), દૌલતનગર સ્મશાનભૂમિમાં પૂજ્ય મહાત્માઓને જે જગ્યા પર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં સુખડ અને છાણાથી તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરાયો હતો.

શ્રી અરવિંદલાલ મણીલાલ પારેખે પોતાનું સમગ્ર જીવન જિનશાસનને સમર્પિત કર્યું હતું અને તેઓ હર હંમેશ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મને એવી ગોળી શોધી આપો જેનાથી મને થાક ન લાગે, ઊંઘ ન આવે અને ભૂખ ન લાગે.. પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચલદાસભાઈ પારેખ જેઓ મહાજ્ઞાની અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા તે તેમના વિદ્યાગુરુ હતા. તેમની પાસેથી શાસન પ્રત્યેની સમર્પિતતા અને ખુમારીના પાઠો શીખીને સમગ્ર જીવન દરમ્યાન શાસનની આરાધના, પ્રભાવના અને રક્ષા ધર્મના અનેક ચમત્કારિક કાર્યો કર્યા હતા.

1958નો સર્વોચ્ચ અદાલતનો 16 વર્ષથી ઉપરના ગૌવંશના પશુઓની કતલ થઈ શકે તે જજમેન્ટને તેઓએ ખૂબ મહેનત કરીને 7 જજની બેન્ચ સામે ઉલ્ટાવ્યું હતું. જેના દ્વારા લાખો જીવોને અભયદાન મળ્યું હતું. પાયધૂનીમાં આવેલા શ્રી શાંતિનાથ જિનાલયના જીર્ણોદ્ધારમાં થઈ રહેલી મુશ્કેલીના પ્રશ્નોને તેઓએ પોતાની આગવી સૂચથી ઉકેલી દીધો હતો.

90 વર્ષથી મુંબઈમાં દર વર્ષે પ0 હજાર કૂતરાઓની કતલ થતી હતી તેમાં પણ તેઓશ્રીએ મુંબઈની વડી અદાલતમાં કેસ ફાઈલ કરીરને એક શકવર્તી જજમેન્ટ લઈ આવ્યા હતા જેના કારણે છેલ્લા 26 વર્ષથી લાખો કૂતરાઓને અભયદાન મળ્યું છે.

દેવનારના કતલખાનામાંથી પશુઓની નિકાસને અટકાવવા માટે 2010માં એક કેસ ફાઈલ કર્યો હતો જેનું જજમેન્ટ થોડા સમય પહેલા આવતા કરોડો જીવોની નિકાસ માટે થતી કતલને તેઓએ અટકાવી હતી.

પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબનો મેળાપ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ સાથે કરાવીને શ્રી જિનશાસનમાં હજારો યુવાનોને શાસન, સંઘ, શાસ્ત્ર, સંપત્તિ અને ધર્મ એ પાંચ અંગો વિશેની જાગૃતિ અભૂતપૂર્વ રીતે તેઓ લાવ્યા હતા. ગાંધીજી દ્વારા સ્થપાયેલી શ્રી અખીલ ભારત કૃષિ ગૌસેવા સંઘના તેઓ મુખ્ય વહીવટદાર હતા અને ત્યારબાદ વિનિયોગ પરિવાર નામના સંસ્થાના તેઓ સંસ્થાપક હતા જેના માધ્યમે જલ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા કરવા દ્વારા જનને સુરક્ષિત કરીને ધર્મ, અર્થ અને કામને મોક્ષ રુપી સંસ્કૃતિની સુરક્ષા માટે તેઓ હરહંમેશ કટીબદ્ધ રહ્યા હતા.

દેશભરની વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતોમાં અનેક જુદા જુદા કેસો કરીને તેઓશ્રીએ જીવદયા, સંસ્કૃતિ રક્ષા અને ધર્મ રક્ષાના અનેક કાર્યો કર્યા હતા. તેઓશ્રીએ એક પ્રાર્થના બનાવી હતી જેના મંગલ ઉદઘોષપૂર્વક  તેમના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

પ્રાર્થના

હે! વિશ્વ સમ્રાટ તીર્થંકર પરમાત્મા, આપને અને આપના શાસનને નમસ્કાર કરીને યાચના કરીએ છીએ કે વિશ્વ કલ્યાણના એકાંતિક અને આત્યંતિક ઉપાયભુત એવા આપના જાજરમાન અને દેદીપ્યમાન શાસનના સુચારું સંચાલનની જે જોખમદારી અને જવાબદારી આપે અમારા વૃષભ સ્કંધો પર મૂકી છે તે જોખમદારી અને જવાબદારી શૌર્યપૂર્વક અદા કરવાનું સામર્થ્ય અમને બક્ષો.

સદગતની ગુણાનુવાદ સભા સંવત 2080ના વૈશાખ વદ-13, મંગળવાર તા. 4-6-2024ના રોજ પ. પૂ. આ. ભ. શ્રી અજિતશેખરસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આ. ભ. શ્રી ધર્મયશસૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. આચાર્ય શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી  મહારાજાની નિશ્રામાં સવારે 9 કલાકે શ્રી આદીશ્વર જૈન દેરાસર, મંડપેશ્વર,રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈના ઉપાશ્રય હોલમાં રાખેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.