Western Times News

Gujarati News

ન્યાયાલય ખાતે હાઈકોર્ટના જસ્ટીસ ઉરેઝીના હસ્તે વલ્નરેબલ વિટનેસ ડીપોઝીશન સેન્ટરનું ઉદ્ઘાટન

નામદાર સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ તૈયાર કરવામાં આવેલા આ જુબાની કેન્દ્રમાં સંવેદનશીલ ગુનાઓમાં બાળ સાક્ષીઓ નિર્ભયતાથી જુબાની આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગંભીર ગુનાખોરીના કિસ્સાઓમાં સાક્ષી તરીકે ઉપસ્થિત રહેનાર બાળ સાક્ષીઓ ઘણીવાર આરોપીની સામે આવતાં જ ભયભીત થઈ જાય છે. આ બાળ સાક્ષીઓ ન્યાયાલયની કાયદાકીય પ્રક્રિયા તથા આરોપીઓથી ભયમુક્ત થઈ હળવા વાતાવરણમાં જુબાની આપી શકે તે માટે નામદાર સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ પાટણ જિલ્લા ન્યાયાલય ખાતે તૈયાર કરવામાં આવેલા વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્રનું હાઈકોર્ટના જસ્ટીસ શ્રી એ.જી. ઉરેઝીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્રમાં બનાવવામાં આવેલા અલાયદા રૂમમાં બાળકો માટે રમકડાં, વાર્તાના પુસ્તકો, ટેલિવિઝન રાખવામાં આવ્યા છે. બાળ સાક્ષી ખાસ વ્યવસ્થાના ભાગરૂપે બનાવવામાં આવેલા આ રૂમમાંથી જજશ્રી, વકીલશ્રીઓ તથા આરોપીને પણ જોઈ શકશે નહીં.

જેથી હળવા અને ભયમુક્ત વાતાવરણમાં સાથે આવેલા સપોર્ટ પર્સનની મદદથી હેડફોન અને સ્પિકરના માધ્યમથી નિર્ભયપણે જુબાની લઈ શકાશે. સાથે સાથે વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલા રૂમ અને કોર્ટરૂમ તથા આરોપી કક્ષના દરવાજા પણ અલગ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વેઈટીંગ રૂમની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રથમ વ્યથિત જુબાની કેન્દ્ર વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી બી.એસ.ઉપાધ્યાય, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ અને પોક્સો સ્પેશ્યલ જજ શ્રી કે.આર.પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે.પારેખ, તથા ડિસ્ટ્રીક્ટ કોર્ટ પાટણના જસ્ટીસશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.