Western Times News

Gujarati News

ભારતમાં રાજકારણમાં અનેક નેતાઓ “રાજધર્મ” ભુલે છે અને પછી ફાંકડો બચાવ કરે છે !

અમેરિકાના પ્રજાજનોએ એકથી એક ચઢીયાતા પ્રમુખોને ચૂંટીને અમેરિકાને વિશ્વ લોકશાહીનું નેતૃત્વ સોંપ્યું છે અને અમેરિકાની અદાલતોએ દેશની બંધારણીય ગરિમા જાળવવા “પ્રમુખો” ને પણ સજા ફટકારી છે ! ત્યારે ભારતીય જનતાએ ભારતીય બનીને નહીં વિચારે તો ભારતની સુપ્રિમ કોર્ટ એકલે હાથે કેટલું કરશે ?!

ધી ન્યુયોર્ક ટાઈમ્સ અને ત્રણ પત્રકાર સામે ખોટો કાનૂની દાવો માંડવા બદલ USAના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૪ લાખ ડોલરની વર્તમાન પત્ર અને પત્રકારોને ચૂકવવા ટ્રમ્પે ૧૦ કરોડનો ખોટો દાવો માંડયો હતો જેના પર કોર્ટે  USA ના પ્રમુખ વિરૂધ્ધ ચૂકાદો આપ્યો છે !

તસ્વીર ભારતની સંસદની છે ! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે અને ત્રીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે ! ભારતમાં રાજકારણમાં અનેક નેતાઓ “રાજધર્મ” ભુલે છે અને પછી ફાંકડો બચાવ કરે છે ! ભારતની સંસદમાં કાયદા ઘડતી વખતે દેશના બંધારણનો અભ્યાસ કરતો નથી કેટલીક વાર સંસદની સર્વાેપરિતાની દલીલો મુકાય છે !

પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતમાં સત્તા મેળવવાની રાજનિતિના આધારે કે લોકોનો ગુસ્સો શાંત કરવા કાયદા ઘડે છે પણ અમલ કરાતો નથી ! લોકોની લાગણીઓને અવળે પાટે ચઢાવી ચૂંટણી જીતવાના લક્ષ્યમાં દેશનું બંધારણીય મૂલ્યો ભુલાય છે ! નૈતિકતાનો મૃત્યુઘંટ વગાડાય છે ! રાજધર્મ અને લોકશાહી ભુલાય છે ! માનવધર્મ ભુલાય છે ! ધાર્મિકતા અને જાતિવાદ ચાલે છે ! દેશના નાગરિકોને ભારતીય બનવા દેવામાં આવતા નથી !

કોઈ ધર્મ ને નામે ખીચડી પકવે છે કાં તો પછી જાતિગત સમીકરણોને નામે ખીચડી પકાય છે ! આ જયાં સુધી ચાલતું રહેશે ત્યાં સુધી ભારતની સંસદમાં “ભારતીયો કયાંથી ચૂંટાશે” ?! દરેકને સત્તા દ્વારા મહાન થવું છે ! પણ સમતોલ વિકાસ લોકશાહીમાં અનિર્વાય છે ! એ સુશિક્ષિત નાગરિકોને પણ સમજાતું નથી ! જયાં સુધી “ભારતીયો” ભારતીયોને નહીં ચૂંટે ત્યાં સુધી દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલાશે એવું લાગતું નથી !

ભારતની સુપ્રિમ કોર્ટે સરકારના નિર્ણયોને ગેરબંધારણીય ઠરાવતા ચૂકાદા આપી લોકશાહી જીવંત રાખવી પડે છે ?! સુપ્રિમ કોર્ટના જેટલા ચીફ જસ્ટીસશ્રીઓ આવ્યા બધાંને સરકારી નિર્ણય વિરૂધ્ધ કેમ ચૂકાદા આપવા પડે છે ?! રાજકીય નેતાઓ આત્મદર્શન કરે અને વકીલ આલમ ન્યાય દર્શન કરે એ જરૂરી છે ! સુપ્રિમ કોર્ટે સંસદ સભ્યો કે ધારાસભ્યો લાંચ લઈને ગૃહમાં મત આપવા પર જો પ્રશ્નો પુછવા પર ફોજદારી કાર્યવાહીનો માર્ગ ખુલ્લો કર્યાે ?!

સુપ્રિમ કોર્ટે રાઈટ ટુ પ્રાઈવસીના અધિકારને બંધારણની કલમ-૨૧ હેઠળ મૂળભૂત અધિકારનો દરજજો આપ્યો ! ઈલેકટ્રોલ બોન્ડને સુપ્રિમ કોર્ટે ગેરબંધારણીય ઠરાવનો ચૂકાદો આપ્યો ! સુપ્રિમ કોર્ટે અપરણિત કે પરણિત સ્ત્રીને ગર્ભપાત કરાવવાના હકકને એવું નિરીક્ષણ કરી માન્ય ઠરાવ્યો કે કોઈના પાશવીપણાના કે પોતાની ભુલનો ભોગ બનેલી સ્ત્રીને ભુલ સુધારવાનો અધિકાર છે ! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની ખંડપીઠે આવો ચૂકાદો આપ્યો છે !

૩૭૦ ની કલમ નાબુદીને પણ સુપ્રિમ કોર્ટે યોગ્ય ઠરાવી છે ! સુપ્રિમ કોર્ટે ન્યુઝ કલીકના પત્રકારની ધરપકડને ગેરકાનૂની ઠરાવી છોડી મુકવા આદેશ કર્યાે છે ! આમ ૧૯૫૦ થી ૨૦૨૪ સુધી જો લોકશાહી અને બંધારણીય મૂલ્યો બચાવવા હોય તો તે સુપ્રિમ કોર્ટની છ ે ! પ્રજા, વકીલો, પત્રકારોએ એ ખાસ ધ્યાન રાખે કે ન્યાયતંત્ર મુકત અને સ્વતંત્ર છે ત્યાં સુધી જ તેઓ સલામત છે ! ઈન્સેન્ટ તસ્વીર ડાબી બાજુથી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે જે હાલ સુપ્રિમ કોર્ટનું નેતૃત્વ કરે છે !!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

ભારતીય મતદારોનું ચૂંટણી સમયે ધાર્મિક અથવા જાતીય ધ્રુવીકરણ કરી / કરાવી રાજકીય પક્ષો ચૂંટણી જીતતા હોવાથી મતદારોને “ભારતીય” બનાવવા કોઈ પક્ષો પ્રયાસ કરતું નથી માટે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ નેતાઓ માટે દેશ નહીં સત્તા મહત્વની થઈ ગઈ છે ?!

અમેરિકાનું બંધારણ પ્રમુખને ફકત બે ટર્મ એટલે કે આઠ વર્ષમાં જે કરવું હોય તે કરો પછી બીજાને તક આપો કહે છે માટે આજદિન સુધી અમેરિકામાં ૪૬ પ્રમુખો ચૂંટાયા છે !!

અમેરિકાની અદાલતે રીચાર્ડ નિકશન અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પૂર્વ પ્રમુખોને સજા ફટકારી છે ?!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “અમેરિકામાં કાયદાઓનું સર્જન કરવામાં ન્યાયાધીશો મુખ્ય છે”!! અમેરિકાના સુવિખ્યાત ન્યાયાધીશ એલેકઝાંડર હેમિલ્ટને કહ્યું છે કે, “અદાલતી સમીક્ષા એ બંધારણનો આત્મા છે”!! અમેરિકા, વર્ષ ૧૭૮૦ માં ફિલાડોલ્ફયામાં જે સભા મળી તેમાં અમેરિકાનું બંધારણ તૈયાર થયું અને અમેરિકાના પ્રથમ પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને ૩૦ એપ્રિલ ૧૭૮૯ માં પ્રમુખ પદ સંભાળ્યું !

ત્યારપછી ૪ માર્ચ, ૧૭૮૧ ના રોજ જોન એડમ્સ પ્રમુખ બનયા ! ભારત, વર્ષ ૧૯૫૦ માં આઝાદ થયું અને ભારતના વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરૂ અને નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું સુકાન સંભાળ્યું ! પરંતુ અમેરિકા અને ભારતમાં બંધારણના ઘડવૈયાઓએ એક મહત્વનું અને દુરંદેશી કામ એ કર્યુ કે દેશની સર્વાેચ્ચ બંધારણીય સત્તા દેશની સુપ્રિમ કોર્ટને સોંપી પરિણામે આજે અમેરિકા અને ભારતમાં “સત્તાધીશો” દેશના “સરમુખત્યાર” બની શકતા નથી !

દેશમાં સત્તાધીશો તરીકે ગેરબંધારણીય નિર્ણયો કરી શકતા નથી તેમજ કોઈપણ સત્તાધીશને સજા કરવાની આખરી સત્તા “સુપ્રિમ કોર્ટ” પાસે છે !! માટે લોકશાહી સલામત છે !! અમેરિકાના પ્રમુખ પાસે અભૂતપૂર્વ સત્તા હોવા છતાં તેઓ લોકશાહી મૂલ્યો વિરૂધ્ધ નિર્ણય કરી શકતા નથી અને કાયદાના શાસન હેઠળ સુપ્રિમ કોર્ટે પ્રમુખને એક જ મિનિટમાં સજા ફટકારી શકે છે

અમેરિકાના બદલાયેલા રાજકારણમાં અદાલતોના અંકુશને કારણ કે અમેરિકાની લોકશાહીની પ્રતિષ્ઠા સલામત છે ?! અમેરિકાના બંધારણનો અભ્યાસ કરતા જણાય છે કે, અમેરિકાની પ્રજા સર્વાેપરી સત્તા ધરાવે છે ! પરંતુ દેશની લોકશાહી, પ્રજાના માનવ અધિકાર અને બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી અમેરિકાની સુપ્રિમ કોર્ટની છે !

અમેરિકામાં જયોર્જ વોશિંગ્ટનથી આજદિન સુધી ૪૬ પ્રમુખોએ સત્તા સંભાળી જેમાં જહોન એડમ્સ, થોમસ જેફરસન, જેમ્સ મેડીસન, જેફરી ટેલર, અબ્રાહમ લિંકન, એન્ડ્રયુ જહોન્સન, બેન્જામીન હેરીસન, થિયોડોર રૂઝવેલ્ટ, વુડ્રો વિલ્સન, ફ્રેન્કલીન ડેનાલો રૂઝવેલ્ટ, જહોન એફ. કેનેડી, જેરાલ્ડ ફ્રોર્ડ, જીમી કાર્ટર, રોનાલ્ડ રીગન, વિલિયમ કલીન્ટન, જયોર્જ બુશ, બરાક ઓબામા અને જો. બાઈડેન જેવા અનેક પ્રમુખોએ અમેરિકાને દિશા આપી છે ! અને અમેરિકામાં કોઈપણ પ્રમુખ બે ટર્મથી વધારે સત્તા પર રહી શકતા નથી કે ચૂંટણી લડી શકતા નથી પરિણામે એક થી એક વધુ સક્ષમ અને યુવાન પ્રમુખો અમેરિકાને મળ્યા છે અને લોકશાહી વિચારધારાનું નેતૃત્વ કરતો દેશ અમેરિકા છે !!

પરંતુ અમેરિકાની રાજનિતિમાં પણ નબળા અને છીછરા પ્રમુખો આવ્યા છે પણ અમેરિકાની અદાલતોના ન્યાયાધીશોની નૈતિકતા, કાબેલિયતતા એટલી ઉંચી છે કે દેશના પ્રમુખોને પણ સજા ફટકારવાની તાકાત ધરાવે છે ! અમેરિકામાં ઉદારમતવાદી રાજનિતિ છે! અને મૂડીવાદી આર્થિક નિતિ હોવા છતાં અમેરિકામાં ગરીબાઈ, બેકારી પર ત્યાંના પ્રમુખો સતત નિતિ ઘડીને અમેરિકાની પ્રજાનું હિત જુવે છે ! અમેરિકનોને મફત પાંચ કીલો અનાજ લેવું પડે એટલા મજબુર અમેરિકન નથી ! સમતોલ અને સમાન વિકાસ અમેરિકામાં થાય એ ત્યાંની રાજનિતિ છે !!

અમેરિકામાં સુપ્રિમ કોર્ટની રચના ૧૭૮૯ પછી થઈ અને અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં છ ન્યાયાધીશોની નિમણૂંક કરેલી !! અમેરિકાની સુપ્રિમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જહોન જે. હતાં. ત્યારપછી ૧૮૦૧ માં અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટીસ શ્રી જહોન માર્શલ મુખ્ય ન્યાયાધીશ બન્યા ત્યારથી અમેરિકાની સુપ્રિમ કોર્ટનું મહત્વ વધી ગયું છે !

અમેરિકાની સુપ્રિમ કોર્ટ ખૂબ જ શક્તિશાળી છે ! અમેરિકાનું મિડીયા જગત પણ નૈતિકતાના મૂલ્યો જાળવીને નિડરતા પૂર્વક પોતાની ફરજ અદા કરે છે ! અમેરિકાના પત્રકાર એન્ડરસન “વોટર ગેટ કૌભાંડ” પ્રકાશમાં લાવતા પ્રજા મત પ્રમુખ નિકસન વિરૂધ્ધ તૈયાર થતાં છેવટે અમેરિકન પ્રમુખ રીચાર્ડ નીકસને રાજીનામું આપવું પડયું હતું ! અને અમેરિકન અદાલતને પ્રમુખ રીચાર્ડ નિકસનને દોષિત ઠરાવ્યા હતાં ! આમ અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં હોદ્દો નહીં “કાયદાનું શાસન” અને પુરાવા જોવાય છે ! આ અમેરિકાની સુપ્રિમ કોર્ટની ગૌરવ ગાથા છે !

કહેવાય છે કે, ન્યુયોર્ક ટાઈમ્સે અનેક સરકારો રચી છે ! અમેરિકાની કોર્ટ કોનો કયો હોદ્દો છે તે જોતાં નથી ! માટે તે ધી ન્યુયોર્ક ટાઈમ્સ અને ત્રણ પત્રકાર સામે ખોટો કાનૂની દાવો માંડવા બદલ ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૪ લાખ ડોલરની વર્તમાન પત્ર અને પત્રકારોને ચૂકવવા ટ્રમ્પે ૧૦ કરોડનો ખોટો દાવો માંડયો હતો જેના પર કોર્ટે પ્રમુખ વિરૂધ્ધ ચૂકાદો આપ્યો છે ! અમેરિકામાં રાજયનો નવો સુધારેલ એન્ટ.એસ.એલ.એ.પી.પી. કાનૂન પ્રેસ સ્વતંત્રતાના રક્ષણ માટે એક શક્તિશાળી બળ બની રહે છે !

એટલું જ નહીં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ છે જે દોષિત ઠર્યા છે ! ૭૭ વર્ષના ટ્રમ્પે ૨૦૧૬ માં પ્રમુખ પદની ચૂંટણી પૂર્વે એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના જાતિય સબંધો બાબતે મુખ ન ખોલવા માટે ૧,૩૦,૦૦૦/- ની રકમનું મની પેમેન્ટ સંતાડવા ખોટો રેકર્ડ ઉભો કર્યાે હતો જેમાં રર સાક્ષીઓની જુબાની સાંભળી અમેરિકાની કોર્ટના ૧૨ જયુરીના સભ્યોએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સર્વાનુમતે દોષિત ઠરાવ્યા હતાં !

હવે કોર્ટે ૧૧ જુને ટ્રમ્પને કોર્ટ સજા સંભાળવશે આ છે અમેરિકાનું ન્યાયતંત્ર ! હવે અમેરિકામાં પણ નેતાઓ સામે ગુન્હા નોંધાતા થયા છે જે અમેરિકાની લોકશાહી માટે મોટો પડકાર છે ! પણ અમેરિકન પ્રજાજનો સામાન્ય રીતે નૈતિકતા અને લોકશાહીની ગરિમા જાળવવા માટે કોઈ બાંધછોડ કરતા નથી ! અને ન્યાયતંત્ર પણ અમેરિકાનું હિત જોઈ ચૂકાદાઓ આપે છે એ ગૌરવવંતી વાત છે !

અમેરિકામાં ન્યાયતંત્ર પાસે અદાલતી સમીક્ષાની સર્વાેચ્ચ સત્તા છે જે બધાં વાચાળ, ચાલાક રાજકારણીઓને અંકુશમાં રાખે છે માટે અમેરિકા વિશ્વમાં લોકશાહીનું નેતૃત્વ કરવામાં સફળ થયું છે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.