Western Times News

Gujarati News

નકલી ઘી મુદ્દે CID ક્રાઇમને ગુનો નોંધી તપાસ કરવા કોર્ટનો આદેશ

અમદાવાદ, થોડા સમય પહેલાં સીઆઇડી ક્રાઇમે નડિયાદમાં રેડ કરી હતી તે સમયે ઘીનો જથ્થો મળી આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમે તે જથ્થો જપ્ત કરી પૃથ્થકરણ માટે મોકલ્યો હતો.

રિપોર્ટમાં આ જથ્થો ભેળસેળયુક્ત હોવાનું જણાયું હતું. બીજી તરફ, આ ગુનો પોલીસ અધિકાર બહારનો હોવાને કારણે સીઆઇડી ક્રાઇમે આ મામલે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે કોર્ટે ઘીનો જથ્થો નાશ કરવા અને આ મામલે ફરિયાદ નોંધી તપાસ કરવા આદેશ કર્યો છે.

આમ સીઆઇડી ક્રાઇમમાં પહેલીવાર નકલી ઘીના જથ્થા મામલે કેસ નોંધ્યો છે. સીઆઇડી ક્રાઇમે નડિયાદમાં ખાતે ૨૨ ફેબ્›આરી ૨૦૨૪ના રોજ રેડ કરી ત્યારે ત્યાંથી રૂપિયા ૬.૮૯ લાખનો મિલ્ક પાઉડર, ચંદ્ર કમલ મિલ્ક પાઉડરનો રૂપિયા ૧૩,૨૫૦નો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત, ૯૫ કિલો ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તે અમદાવાદ એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. તે યોગ્ય લાક્ષણિકતાના ન હોવાનો રિપોર્ટ એફએસએલ દ્વારા આપ્યો હતો. તેથી સીઆઇડી ક્રાઇમના અધિકારી જી.આર. શર્માએ કોર્ટમાં અરજી કરી હતી. જે મુજબ મહાકાળી ડેરીના માલિક ભીખાભાઇ બળદેવભાઇ પટેલ સામે ગુનો બને છે પરંતુ પોલીસ અધિકાર બહારનો ગુનો હોવાથી કોર્ટે ગુનો નોંધવા માટે પરવાનગી આપવી અને ઘીનો જથ્થો નાશ કરવા આદેશ કરવો જોઇએ.

આવી રજૂઆત બાદ કોર્ટે સીઆરપીસીની કલમ ૧૯૦૩ કલમ ૨૦૦ અન્વયે ફરિયાદ સીઆઇડી ક્રાઇમે દાખલ કરવા ઉપરાંત આરોપી સામે પ્રથમદર્શી ગુનો આઇપીસીની કલમ ૨૭૨, ૨૭૩ મુજબ બનતો હોવાથી આરોપી સામે પ્રોસેસ ઇશ્યૂ કરવા આદેશ કર્યો છે.

આમ સીઆઇડી ક્રાઇમ દ્વારા નકલી ઘી મામલે ગુનો નોંધાયાનો આ પહેલો કિસ્સો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૬.૮૯ લાખનો નાવેદ્યા સ્કીમ્ડ મિલ્ક પાઉડરનો તથા ચંદ્ર કમલ મિલ્ક પાઉડરનો ૧૩,૨૫૦નો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાના સેમ્પલ નડિયાદ અને વડોદરા મોકલી આપવામાં આવ્યા હતા.

જેમાં કોઇ જ ભેળસેળ ન થઇ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેથી તે મુદ્દામાલ સીઆઇડી ક્રાઇમે મુક્ત કર્યો હતો. ઘીનું સેમ્પલ અમદાવાદ મોકલી આપવામાં આવ્યું હતું, તે ભેળસેળયુક્ત નીકળ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.