Western Times News

Gujarati News

રાજ્યપાલના હસ્તે ‘માનવ જીવનનું બંધારણ’ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન: ૫૯ શાળાના ૬૧૦ બાળકોનું સન્માન કરાયું

બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાના નક્કર અભિયાન : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભીલડી ખાતે ત્રિવેણી સંગમ

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચે ઘણું અંતર છે : પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેત ઉત્પાદન વધે છે  : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

(માહિતી બ્યુરો, પાલનપુર)  બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે શ્રી ભીલડીયાજી જૈન તીર્થ – આનંદ પરિવાર આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથોસાથ આદર્શ બાળકોનું સુવર્ણ, રજત અને કાંસ્ય મુદ્રાથી સન્માન અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ ત્રણ કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ ૫૯ શાળાના ૬૧૦ બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે ‘માનવ જીવનનું બંધારણ’ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમાજમાં જ્યારે કુસંસ્કારોનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે આનંદ પરિવાર દ્વારા બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાના ધ્યેય સાથે એક નક્કર અભિયાનની શરૂઆત  કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત શાળા સ્તરે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીને સંસ્કાર શાળા બનાવવાનું તથા ગ્રામ્ય સ્તરે વ્યસન અને કુરિવાજોથી સમાજને મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ માનનીય વિજયજી મહારાજ સાહેબને બનાસકાંઠાના ૫૫ ગામોમાં બાળકોના ભવિષ્યના નિર્માણના મહાન કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના દરેક સંતો મહારાજ સાહેબની જેમ આખા દેશમાં આવું અભિયાન ચલાવે તો આ દેશ રામરાજ્ય બની જાય. રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં હાજર સરપંચોને નિવેદન કર્યું હતું કે, આપણા બાળકો એ આપણી સૌથી મોટી પુંજી છે. આ બાળકોને સંસ્કારી, નિર્વ્યસની અને આજ્ઞાકારી બનાવશો તો સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધશે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, તેઓ હરિયાણામાં પાંચ ગુરુકુળ ચલાવે છે જેમાં લગભગ ૫૦૦૦ બાળકો અભ્યાસ કરે છે. જ્યાં બાળકોને યોગ, પ્રાણાયામ, હવન, પૂજા, ગોપાલન જેવી પ્રવૃત્તિઓ કરવાની સાથે પ્રાકૃતિક ખેતીનો આહાર આપવામાં આવે છે. આ ગુરુકુળમાં બાળકોમાં ઉત્તમ સંસ્કાર, ઉત્તમ શિક્ષા અને ઉત્તમ સ્વાસ્થ્ય એમ ત્રણ બિંદુઓ પર કામ કરવામાં આવે છે. અહીં બાળકોને માતા-પિતા સાથેનો વ્યવહાર, ગુરુઓ પ્રત્યે આદર અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી વિશે જણાવ્યું હતું કે, સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી. જેમાં હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ દ્વારા બે ગણું વધુ થયું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન બિનઉપજાઉ અને કઠણ થઈ જાય છે જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરતાં નથી અને અતિવૃષ્ટિ જેવી આફતો આવે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી થતી હોય તેવી જમીનમાં લાખો અળસિયાઓ કરોડો છિદ્રો બનાવે છે તેથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે અને પાણીના તળ ઉપર આવે છે. આમ પ્રાકૃતિક ખેતી એ નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે.

યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજન વાયુ રહેલો હોય છે, જે ખેતરમાં નાંખવાથી આ નાઈટ્રોજન એ ઓક્સિજનના સંપર્કમાં આવવાથી નાઈટ્રસઓક્સાઈડ ગેસ બને છે જે કાર્બન ડાયોકસાઈડથી ૩૧૨ ઘણો વધુ ખતરનાક છે. જે ગ્લોબલ વોર્મિંગને વધારે છે જેની અસર ધરતીના તાપમાન પર જોવા મળે છે. આ ગ્લોબલ વોર્મિગની અસરથી ગ્લેશીયર પીગળે છે અને સમુદ્રની સપાટી ઉપર આવે છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ્સના બેફામ ઉપયોગ સામે ચેતવણી આપતાં કહ્યું કે, જો આ જ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓમાં વધારો થશે અને લોકોના સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકશાન થશે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ વચ્ચેનો તફાવત સમજાવતાં કહ્યું કે, ઘણાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીને જૈવિક ખેતી સમજે છે. પરંતુ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં ઘણું અંતર હોય છે.

પ્રાકૃતિક ખેતી ગાય આધારિત, સરળતાથી અપનાવી શકાય તેવી, સસ્તી અને પર્યાવરણને અનેક ફાયદા કરાવનારી હોય છે. દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી તથા ખેડૂતના ઘરમાં ઉપલબ્ધ ગોળ અને બેસન જેવી ઘરેલુ સામગ્રીથી જ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર થઈ જાય છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી સૂક્ષ્મ જીવાણુઓની માત્રા વધે છે, જેનાથી ધરતી ફળદ્રુપ બને છે. અળસિયા અને મિત્ર કીટક ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે જેથી જમીનની ગુણવત્તા સુધરે છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું દેશના ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનાવવાનું મિશન છે. જે પ્રાકૃતિક ખેતીથી સંભવ થઈ શકે છે. આમ ગુજરાત સરકાર, આત્મા પ્રોજેક્ટ્સ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા તમામ જિલ્લાના અનેક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ રહી છે. આજે ગુજરાતમાં ૯.૫૦ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. આ વર્ષે નવા ૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

આ કાર્યક્રમમાં કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, પ્રાંત અધિકારીશ્રી, સરદાર કૃષિનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી આર.એમ.ચૌહાણ, પૂજ્ય ગુણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, શ્રી વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજ, શ્રી વિજય કુલરત્ન સુરીશ્વરજી મહારાજ,

શ્રી હેમયશ વિજયજી મહારાજ સાહેબ, સંસ્કાર સંઘના સભ્યો, શ્રી ભીલડીયાજી જૈન તીર્થ પેઢીના ચેરમેનશ્રી ચંદ્રકાન્તભાઈ સંઘવી, આનંદ પરિવાર અગ્રણીશ્રી સંયમભાઈ શાહ, શ્રી અશોકભાઇ શેઠ, શાળાના બાળકો, પ્રચાર્યો, શિક્ષકો, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.