Western Times News

Gujarati News

મનોજ સીતારામ લોખંડેને કેમ ફરજિયાત નિવૃત કરવા પડ્‌યા?

અમરેલી માર્કેટીંગ યાર્ડનું એક પ્રતિનિધિ મંડળ 40 વિઘા જમીન ખરીદવા માંગતુ હતું- ફાઈલ લોખંડેના ટેબલ પર 4 મહિના પડી રહી

ગુજરાત રાજ્યના સહકાર ખાતાના વર્ગ-૧ના અધિકારી મનોજ સીતારામ લોખંડેને ગુજરાત સરકારે બે વર્ષ વહેલાં ફરજિયાત નિવૃત કરી દીધાં તે પાછળની વાર્તા ભારે ચોંકાવનારી છે. વાત જાણે એમ બની કે અમરેલી માર્કેટીંગ યાર્ડ તેનાં વિસ્તરણ માટે ૪૦ વિઘા જમીન ખરીદવા માંગતું હતું.

આ માટે સહકાર વિભાગની મંજૂરી અર્થે દરખાસ્ત કરાઈ એ ફાઈલ લોખંડેના ટેબલ પર ચાર માસ પડી રહી એટલે અમરેલી માર્કેટીંગ યાર્ડનું એક પ્રતિનિધિ મંડળ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરવા ગયું.

મંત્રીએ ફોન પર લોખંડેને સુચના આપી કે મંજૂરી આપી દો?.આ પછી પ્રતિનિધિ મંડળ પાછું લોખંડે પાસે ગયું તો તેઓએ રોકડું પરખાવ્યું કે તમે મંત્રીનો ફોન કરાવો કે મુખ્યમંત્રીનો ફોન કરાવો, વ્યવહાર તો કરવો જ પડશે.

ફરી પાછા બધાં મંત્રી પાસે ગયા અને લોખંડેએ કરેલી બેઅદબીની વાત કરી! મંત્રીએ એ પછી લોખંડેને આકરી ભાષામાં ખખડાવ્યા ત્યારે મનોજ લોખંડેએ સહી કરી! આ પછી સદરહુ વાત મુખ્યમંત્રી પાસે પહોંચી ને લોખંડેને વિદાય કરવામાં આવ્યા.

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પ્ર.ક.લહેરીની અનેરી કાર્યક્ષમતાને સલામ!
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ કનુભાઈ લહેરીની કાર્યક્ષમતાને સો સો સલામ કરવાનું મન થાય એવી રીતે તેઓ જીવે છે અને સમાજ માટે જાત ઘસી નાંખે છે.

આવુ લખવા પાછળનું કારણ એ છે કે હમણાં નવા સચિવાલયમાં આવેલ બ્લોક નંબર -૧૨મા આવેલ નર્મદા નિગમ લિમિટેડની કચેરીમાં જવાનું થયું.ત્યાં એક બોર્ડમાં લખ્યું હતું કે પી.કે.લહેરી (આઈ.એ.એસ.નિવૃત), આરબીટ્રેટર(લવાદ).

આ જોઇને થયું કે ગુજરાત સરકાર સરકારને પણ પ્રવીણ ક.લહેરી જેવા જ્ઞાનવૃદ્ધ,અનુભવવૃદ્ધ અને કામ પ્રત્યે અપરિમિત અર્પણત્વ ધરાવતા વ્યક્તિની સેવા યોગ્ય જગ્યાએ લેતા આવડે છે.આ અંગેની વિગત ટૂંકમાં એવી છે કે ગુજરાત સરકારે મધ્યપ્રદેશ પાસે નર્મદા યોજનાના ખર્ચ પેટે રૂ.૮૦૦/-કરોડનો દાવો કર્યો છે.આ દાવો ટ્રીબ્યુનલમાં ચાલે ત્યારે ગુજરાત તરફથી રજૂઆત પી.કે.લહેરીએ કરવાની હોય છે.

આ પસંદગી ઉત્તમ છે.ફોટોજેનીક મેમરી ધરાવતા લહેરીને આખી નર્મદા યોજના કંઠસ્થ છે.વળી,તેઓ અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી ભાષા પર ઉત્તમ કાબુ ધરાવતા શ્રેષ્ઠ વક્તા છે.આ કારણે તેઓ ગુજરાતનો કેસ ટ્રીબ્યુનલમાં ઉત્તમ રીતે રજૂ કરી શકે. પી.કે.લહેરીની વિશિષ્ટતા એ છે કે તેઓ જે કામ હાથમાં લે તેને સુંદર ઘાટ અને ગતિ આપે છે.સોમનાથ ટ્રસ્ટ,સદ્દભાવના ટ્રસ્ટ તેનાં ઉત્તમ ઉદાહરણો છે. રવિશંકર મહારાજે કહેલું કે ‘ઘસાઈને ઉજળા બનો.’ પી.કે.લહેરી આ વાક્ય જીવતા હોય એવું લાગે છે.

મુખ્યમંત્રી કાર્યાલયને આઈ.ઓ.એસ. ૯૦૦૧ઃ૨૦૧૫ સર્ટિફિકેશનઃ યોગ્ય પોંખણા થયા ગણાય
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને આઈ.એસ.ઓ. ૯૦૦૧ઃ૨૦૧૫નું સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયને ૨૦૦૯માં આઈ.એસ.ઓ. બેન્?ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું.આ આઈ.એસ.ઓ. ૯૦૦૧ઃ૨૦૧૫ સર્ટિફિકેશન પ્રથમવાર ૨૦૦૯માં મુખ્યમંત્રી કાર્યાલયને એનાયત થયું હતું.૨૦૦૯ થી ૨૦૨૩ સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક આઈ.એસ.ઓ. સર્ટિફિકેશન મેળવનારા ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે.

આ માટે મુખ્યમંત્રી કાર્યાલય લાયકાત ધરાવે છે. તેનુ કારણ એ છે કે (૧)ઃ-મુખ્યમંત્રી કાર્યાલય રાત કે દિવસ(અને ઘડિયાળ સામે પણ) જોયા વગર કામ કરે છે(૨)ઃ- મુખ્યમંત્રીની મુલાકાતે આવતા સામાન્ય નાગરિકને પણ ભૂપેન્દ્ર પટેલ શાંતિથી સાંભળે છે (૩)ઃ-મુખ્યમંત્રીની મળવા આવતા મુલાકાતીને જો પોતાની મુલાકાતની સ્મૃતિ જાળવવી હોય તો તે અંગે પણ ઉત્તમ વ્યવસ્થા કરાઇ છે (૪)ઃ-મુખ્યમંત્રી કાર્યાલયનાં તમામ અધિકારી/કર્મચારીઓ લો પ્રોફાઈલ અને નમ્ર છે.(કેટલાક અપવાદો પણ છે)/(૫)ઃ-મુખ્યમંત્રી કાર્યાલયમાં નાગરિકોના પત્રો સ્વીકારવાની આગવી વ્યવસ્થા છે એટલે રજુઆત કર્તાને ભટકવું નથી પડતું.

(૬)ઃ-ચૂંટણીની આચારસંહિતા લાગુ હોય ત્યારે કે પ્રવેશોત્સવ જેવા પ્રસંગે આખું સચિવાલય સુમસામ ભલે હોય પણ મુખ્યમંત્રી કાર્યાલય તો ધમધમતું જ હોય છે(૭) મુખ્યમંત્રી કાર્યાલયને અપાયેલી લેખીત રજૂઆત ઉપર સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.ટૂંકમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું કાર્યાલય એ સરકારના વહીવટીતંત્રનુ હ્રદય છે અને આ હ્રદય યોગ્ય રીતે ધબકે છે અને તંદુરસ્ત છે.

ડો.સંજય મો.દેસાઈઃ ભા.જ.પ.ના ફુલગુલાબી અને હળવાફૂલ નેતા
ભારતીય જનતા પક્ષ એક શિસ્તબદ્ધ પક્ષ છે.તેને કારણે પક્ષમાં અનેક ઝળહળતાં રતન છૂપા રહે છે.આમાંનું એક રતન એટલે બનાસકાંઠાનાં ડીસાના વતની ડો.સંજય મોહનભાઈ દેસાઈ.તા.૩૦ મે,૧૯૭૬ના રોજ રબારી કુટુંબમાં જન્મેલા દેસાઈએ અમદાવાદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી ડોક્ટરેટની પદવી મેળવી છે.નાનપણથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા રહેલાં દેસાઈ સંઘના પ્રથમ વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે.

હાલ ભા.જ.પ. ના માલધારી સેલનાં પ્રદેશ સંયોજકની જવાબદારી નિભાવવા સંજ્ય દેસાઈ ગોપાલક વિકાસ નિગમના ચેરમેનપદે રહી ચૂક્યા છે.આ ડો.સંજ્ય દેસાઈનો માત્ર બાહ્ય પરિચય છે.આ ઉપરાંત ડો.દેસાઈ ઘણી ખૂબીઓ ધરાવે છે.વાત જાણે એમ છે કે (૧)ઃ-ડો.સંજ્ય દેસાઈ ભક્ત હ્રદયી માણસ છે.ગીતાના શ્લોક,હનુમાન ચાલીસા તેમને કંઠસ્થ છે(૨)ઃ-તેઓનો અવાજ ખુલ્લો,બુલંદ બેઝનો અને મધુર છે.(૩)ઃ-સંજ્ય દેસાઈ સારૂં નૃત્ય કરી શકે છે

(૪)ઃ-સંજ્થ દેસાઈ સંગીત સાંભળવાનો શોખ છે અને ગઝલ એમને વિશેષ પ્રિય છે(૫)ઃ-સૌથી મોટી વાત તો એ છે કે સંજ્ય દેસાઈ એક સહ્રદયી માણસ છે(૬)ઃ- સંજ્ય દેસાઈ વાતો અને મહેફિલના માણસ છે.તેમનાં કંઠે શિવ મહિમ્ન સ્તોત્ર સાંભળવો એ એક લહાવો છે.મળતાવડો સ્વભાવ ધરાવતા ડો.સંજ્ય દેસાઈ મિત્રો વચ્ચે ખૂબ ખીલે છે અને ત્યારે એ ભા.જ.પ.ના કસાયેલા કાર્યકર નહીં પણ એક ભલાભોળા અને ઉમદા ઇન્સાન હોવાની છાપ પાડે છે.

આઉટસોર્સિગથી કરાતી ભરતી કેવી રીતે કરાય છે તેનું એક ઉદાહરણ
ગુજરાતમાં હાલ બધી ભરતીઓ મોટા ભાગે આઉટર્સોસિંગ જ કરાય છે.આ ભરતીઓ કેવી રીતે થાય છે તેનું એક ઉદાહરણ (ઉર્ફે નમૂનો) જોવા મળ્યો છે.ગુજરાત લાઈવરલીહુડ કંપની,ગોધરા દ્વારા તાલુકા વિકાસ અધિકારી,ગોધરાને તા.૧/૭/૨૪ના રોજ પત્રકમાંકઃ ગવમ/એન.આર.એલ.એમ./વશી/૯૫૦-૯૬૪/૨૦૨૪થી એક પત્ર લખવામાં આવ્યો અને તેમા જણાવવામાં આવ્યું કે આઉટર્સોસિંગ એજન્સી

શ્રીનાથ ટેકનોલોજીસ, ગોધરા દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો(૧)ઃ-ભરવાડ હિરલ રમેશ(૨)ઃ-ભરવાડ કોમલ ભીખા(૩)ઃ-ભરવાડ પારુલ ભીખા(૪)ઃ-ભરવાડ પ્રકાશ ભીખા(૫)ઃ-ભરવાડ ધર્મિષ્ઠા વસા(૬)ઃ-ભરવાડ મેઘા નરેશ અને(૭)ઃ-ભરવાડ મુન્ની ગંગારામ વગેરે સહિત ચૌદ ઉમેદવારોને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક આપવાનું જણાવવામાં આવ્યું છે.જેઓની અટક લગભગ સરખી છે.આમાં ક્રમાંક – ૨,૩, અને ૪ના ઉમેદવારોનાં પિતાનાં નામમાં પણ સમાનતા નજરે પડે છે! પત્રમાં આપવામાં આવેલા નામ અને અટકોની સમાનતા ઘણું કહી જાય છે એ નક્કી.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.