Western Times News

Gujarati News

IUC ચાર્જની શરૂઆત છતાં ગુજરાતમાં જિયોનાં સબસ્ક્રાઇબરમાં વધારોઃ ટ્રાઈ

ઓક્ટોબરમાં સર્કલમાં જિયોના સબસ્ક્રાઇબરમાં 4.2 લાખથી વધારે યુઝર્સ ઉમેરાયા

 નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ ઓક્ટોબર, 2019થી ઇન્ટરકનેક્ટેડ યુઝેજ ચાર્જીસ (આઇયુસી) પેટે મિનિટદીઠ 6 પૈસા વસૂલવાની શરૂઆત કરી હોવા છતાં ઓક્ટોબરમાં ગુજરાત સર્કલમાં એના સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારો થયો છે. આ મહિનામાં ગુજરાત સર્કલમાં ટેલીકોમ ઉદ્યોગમાં 4.20 લાખ યુઝર્સ ઉમેરાયા હતા, ત્યારે જિયોનાં યુઝર્સમાં 4.23 લાખ યુઝર્સ ઉમેરાયા હતા.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ઓક્ટોબર મહિના માટે જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરનો આંકડો ટૂંક સમયમાં એક વાર ફરી 7 કરોડને આંબી જશે. ઓક્ટોબર, 2019નાં અંત સુધીમાં ગુજરાત સર્કલમાં કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 6.91 કરોડ હતી.

ગુજરાત સર્કલમાં કાર્યરત ચાર ટેલીકોમ કંપનીઓ – વોડાફોન આઇડિયા, જિયો, એરટેલ અને બીએસએનએલમાં એકમાત્ર વોડાફોન આઇડિયાનાં સબસ્ક્રાઇબરની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. એની સરખામણીમાં અન્ય ત્રણ ઓપરેટરના સબસ્ક્રાઇબરની સંખ્યામાં વધારો થયો હતો.

તેમાં સૌથી વધુ વધારો જિયોના સબસ્ક્રાઇબરમાં થયો છે અને કંપનીનાં સબસ્ક્રાઇબરમાં 4.23 લાખ યુઝરનો વધારો થયો છે. ત્યારબાદ બીએસએનએલનાં સબસ્ક્રાઇબરમાં 5,203 અને એરટેલનાં સબસ્ક્રાઇબરમાં 2,934નો વધારો થયો છે. ગુજરાતમાં વોડાફોન આઇડિયાના સબસ્ક્રાઇબરમાં ઘટાડો ઓક્ટોબરમાં પણ જળવાઈ રહ્યો છે. ઓક્ટોબરમાં વોડાફોન આઇડિયાના મોબાઇલ યુઝરમાં 11,205નો ઘટાડો થયો હતો. જોકે ગુજરાત સર્કલમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર તરીકે વોડાફોન આઇડિયાએ સ્થાન જાળવી રાખ્યું છે, જેનાં કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 2.95 કરોડ છે. આ દ્રષ્ટિએ જિયો 2.25 કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને, 1.09 સબસ્ક્રાઇબર સાથે એરટેલ ત્રીજા સ્થાને અને 60 લાખ સબસ્ક્રાઇબર સાથે બીએસએનએલ ચોથા સ્થાને છે. આ રીતે ગુજરાત સર્કલમાં કુલ મોબાઇલ યુઝર્સની સંખ્યા 6.91 કરોડ છે.

રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ઓક્ટોબરમાં જિયોના સબસ્ક્રાઇબરમાં 91 લાખનો વધારો થયો છે. આ રીતે એક મહિનામાં 90 લાખથી વધારે સબસ્ક્રાઇબરનો ઉમેરો કંપનીએ ત્રીજી વાર અનુભવ્યો છે. કંપનીનાં સબસ્ક્રાઇબરમાં અગાઉ જાન્યુઆરીમાં 93 લાખનો અને ફેબ્રુઆરીમાં 94 લાખનો વધારો થયો હતો. બીજી તરફ એની હરિફ કંપની વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે ભારતમાં અનુક્રમે 189,901 અને 81,974 સબસ્ક્રાઇબર ગુમાવ્યાં હતાં.

ઉપરાંત ઓક્ટોબરમાં ભારતમાં ટેલીફોન સબસ્ક્રાઇબરની સંખ્યા વધીને 120.48 કરોડ થઈ છે, જે સપ્ટેમ્બરમાં 119.52 કરોડ હતી, જે માસિક ધોરણે 0.80 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. શહેરી ટેલીફોન સબસ્ક્રાઇબરની સંખ્યા સપ્ટેમ્બરનાં અંતે 67.79 કરોડ હતી, જે ઓક્ટોબરનાં અંતે વધીને 68.16 કરોડ થઈ છે. સાથે સાથે ગ્રામીણ સબસ્ક્રાઇબરની સંખ્યા આ જ ગાળામાં 51.72 કરોડથી વધીને 52.31 કરોડ થઈ છે. આ રીતે ઓક્ટોબરમાં શહેરી અને ગ્રામીણ સબસ્ક્રાઇબરની સંખ્યામાં અનુક્રમે 0.55 ટકા અને 1.14 ટકાની વૃદ્ધિ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.