Western Times News

Gujarati News

ત્યજી દેવાયેલા નવજાત શિશુને જીવનદાન આપનાર શ્વેતાબહેન પરમારનું સન્માન કરાયું

માનવતાની સુવાસ ફેલાવવામાં પ્રાણીનું અનોખું યોગદાન-ત્યજી દેવાયેલા નવજાત શિશુની માતાને શોધી આપનાર અમદાવાદ ગ્રામ્ય પોલીસની ડોગસ્કવોડના ડોગ ચેસરઅને હેન્ડલર ASI ઈશ્વરભાઈનું સન્માન

અમદાવાદના જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં એક નવજાતને જીવનદાન આપવા બદલ અમદાવાદના શીલજ વિસ્તારનાં રહેવાસી શ્રીમતી શ્વેતાબહેન યોગેશભાઈ પરમાર, અમદાવાદ ગ્રામ્ય પોલીસની ડોગ સ્કવોડના બેલ્જીયમ પ્રજાતિના ડોગ ‘ચેસર’ અને તેના હેન્ડલર ASI શ્રી ઈશ્વરભાઈ ડાહ્યાભાઈનું જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

પોલીસના રેકોર્ડ પર નોંધાયેલી વિગતો અનુસાર અમદાવાદના શીલજ ગામના રોહિત વાસ નજીક આવેલા ઝાડી-ઝાંખરાંવાળી જગ્યામાંથી રડવાનો અવાજ સંભળાતાં શ્રીમતી શ્વેતાબહેન પરમાર હિંમત દાખવી ત્યાં પહોંચ્યાં.  અહીંથી તેમને નાડ પણ કાપી ન હોય એવું નવજાત શિશુ મળી આવ્યું.

સમય બગડ્યા વગર તેઓ સખત રડી રહેલા નવજાત શિશુને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયાં. હોસ્પિટલ પહોંચીને તેમણે પોલીસને પણ જાણ કરી.

બોપલ પોલીસ મથકમાં આ ગુનો નોંધાયા બાદ પોલીસે શિશુ ત્યજી દેનાર મહિલાની શોધખોળ શરૂ કરી. જેમાં બેલ્જીયમ ડોગ ‘ચેસર’ અને ડોગ હેન્ડલર ASI ઈશ્વરભાઈ ડાહ્યાભાઈની મદદ લેવાઈ. તાલીમબદ્ધ શ્વાને ગુનેગાર મહિલાને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. જેના પગલે ગુનો આચરનાર મહિલાને તેના અંજામ સુધી પહોંચાડી શકાઈ.

આમ, શ્વેતાબહેન, ASI ઇશ્વરભાઈ ડાહ્યાભાઈ તેમજ ‘ચેસર’ના માનવતાભર્યા પ્રયાસોથી આજે એક શિશુના શ્વાસ અકબંધ છે. આ ઘટનાએ અન્ય નાગરિકોને પણ સાહસ, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.