Western Times News

Gujarati News

વૈષ્ણોદેવી સર્કલથી ફતેહવાડી કેનાલ સુધીના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બોપલ, સરખેજ વિસ્તારોની જુદી જુદી ટી.પી.સ્કીમોમાં હાલ ખાનગી પ્લોટોમાં ખૂબ ઝડપથી રહેણાંક અને વ્યાવસાયિક સ્કીમના ડેવેલોપમેન્ટની કામગીરી પુરજોશમાં ચાલુ હોઈ વરસાદી ઋતુ દરમ્યાન નીચાણવાળા વિસ્તારો

જેવા કે દક્ષિણ બોપલ, શાંતિપૂર સર્કલ પાસે એપલવુડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસ.પી.રીંગને સમાંતર વિસ્તારોમાં મક્તામપુર, સનાથલ વિગેરે માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધાના અભાવે ભારે વરસાદ દરમ્યાન ઉપરોક્ત વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ભરાવવાની સમસ્યા વકરી રહી છે.

તેમજ આ વિસ્તારોમાં અવાર-નવાર ડ્રેનેજ ઉભરાવવાની પરિસ્થિતી ઉપસ્થિત થતી હોય છે. જેના લીધે મચ્છરજન્ય રોગો તેમજ ગંદકી થવાના લીધે રોગચાળો ફેલાવાનો ભય રહે છે.

આ સમસ્યાના કાયમી નિવારણ માટે વૈષ્ણોદેવી સર્કલથી ફતેહવાડી સુધી ડ્રેનેજ ટ્રંક મેઈન લાઇન નાખવામાં આવી રહી છે. આ ઉપરાંત નવું એસટીપી પણ બનાવવામાં આવશે જેના માટે કલેક્ટર પાસેથી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વૈષ્ણોદેવી સર્કલથી ફતેહવાડી કેનાલ સુધી નવી લાઈનો નાંખવા માટે રૂ.ર૬૦ કરોડનો ખર્ચ થશે.

શહેરના એસ.પી. રીંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી વાસણા એસ.ટી.પી. સુધી ડ્રેનેજ ટૂંક મેઈન લાઈન છે. જે પૈકી વૈષ્ણોદેવી સર્કલથી આંબલી જંકશન સુધી ટૂંકમેઈનનો ૯૦૦ મી.મી. વ્યાસ થી ૧૨૦૦ મી.મી.વ્યાસ સુધીનો છે.

ત્યાર બાદ આંબલી જંકશનથી શાંતિપુરા સર્કલ થઇને વાસણા ટર્મિનલ પમ્પીંગ સ્ટેશન સુધી ટૂંક મેઈન લાઈનનો વ્યાસ ૨૨૦૦ મી.મી.ઉપલબ્ધ છે. સદર ૨૨૦૦ મી.મી. વ્યાસની ટૂંક મેઈન લાઈન ૨૮૫ એમ.એલ.ડી.નો સરેરાશ પ્રવાહની ક્ષમતા વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી.

ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના સઘળા વિસ્તારોનો ડ્રેનેજનો પ્રવાહ તેમજ પશ્ચિમ ઝોનના આંશિક વિસ્તારનો ડ્રેનેજનો પ્રવાહ સદર ૨૨૦૦ મી.મી. વ્યાસની ટૂંક મેઈન લાઈન મારફતે વાસણા ટર્મિનલ પમ્પીંગ સ્ટેશન સુધી વહન થાય છે, ત્યારબાદ શુધ્ધીકરણ અર્થે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે.

આ વિસ્તારોમાં હાલના વિકાસને ધ્યાને લેતા વર્ષ ૨૦૩૭ માટે ૩૮૯.૭૬ એમ.એલ.ડી.નો સરેરાશ ડ્રેનેજ પ્રવાહ અને ૭૭૯.૫૨ એમ.એલ.ડી.નો ડ્રેનેજ પ્રવાહ તેમજ વર્ષ ૨૦પર માટે ૫૭૮.૪૬ એમ.એલ.ડી.નો સરેરાશ ડ્રેનેજ પ્રવાહ અને ૧૧૫૬,૯૨ એમ.એલ.ડી.નો ડ્રેનેજ પ્રવાહ ઉત્પન્ન થવાની ધારણા છે.

તેથી ભવિષ્યમાં ઉત્પન્ન થનાર ડ્રેનેજ પ્રવાહને સમાવવા માટે શાંતિપુરા સર્કલ થી સાબરમતી નદી સુધી નવી ૨૪૦૦ મી.મી. વ્યાસની ડ્રેનેજ ટૂંક મેઈન લાઈન નાખવા સાથે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એસટીપી બનાવવા માટે કલેક્ટર પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. જેના માટે પ્રતિ ચો.મી. રૂ.૭પ૦૦ના ભાવથી ૭પ હજાર ચો.મી. જમીન સંપાદન કરવામાં આવી છે. જેના ૧૦ ટકા લેખે રૂ.પ કરોડ ૬ર લાખ સીટી મામલતદાર વેજલપુરના નામના ચેકથી ચુકવવામાં આવ્યા છે. ટ્રંક મેઇનનું કામ ચાર ફેઝમાં ચાલી રહ્યું છે જેમાં બે ફેઝમાં માઈક્રો ટનલ પધ્ધતિ થી કામ કરવામાં આવશે.

મ્યુનિસિપલ વોટર સુઅરેજ કમિટી ચેરમેન દિલીપભાઈ બગડિયાએ ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ થી ખ્યાતી સર્કલ ઓપન ખોદાણ પદ્ધતિથી ૧૨૦૦ મીમી વ્યાસ તથા ખ્યાતી સર્કલ થી શાંતિપુરા સર્કલ ઓપન ખોદાણ પદ્ધતિથી ૧૮૦૦ મીમી વ્યાસ ની ટ્રન્ક મેઈન લાઈન નાખવામાં આવશે .

જયારે ખ્યાતિ સર્કલથી બોપલ-આંબલી સુધી માઈક્રો ટર્નાલિંગ પદ્ધતિથી૧૮૦૦ મીમી વ્યાસ ની ટ્રન્ક મેઈન લાઈન નાખવામાં આવશે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં શાંતિપુરા સર્કલથી સરખેજ બાવળા જંકશનથી સનાથલ સર્કલથી બાકરોલ જવાના એસપી રીંગ રોડ ઉપર માઈક્રો ટર્નાલિંગ પદ્ધતિથી ૨૪૦૦ મીમી વ્યાસનીનવી ડ્રેનેજટ્રન્ક મેઈન લાઈન અને સનાથલ ઓવરબ્રિજના દક્ષિણ છેડાથી ફતેવાડી વિસ્તાર તરફ જતા સૂચિત રોડ ઉપર

અને ફતેવાડી નોનટીપી વિસ્તાર થઈ સાબરમતી નદી સુધી ૨૪૦૦ મીમી વ્યાસની નવી ડ્રેનેજમેન્ટ મેઈન નાખવામાં આવશે.તેમજ ફતેહવાડી કેનલ પાસે ૧૫૦ એમ.એલ.ડી ક્ષમતાનું એસ.પી.એસ તથા એસ.ટી.પી બનાવવામાં આવશે જેના કારણે ભવિષ્યમાં નવા ઝોનના વિસ્તારોમાં ડ્રેનેજ બેકિંગ અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનું નિવારણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.