Western Times News

Gujarati News

છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી

છત્તીસગઢના દંતેવાડામાં ૯ નક્સલી ઠાર -જંગી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા

(એજન્સી)છત્તીસગઢ, છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન દંતેવાડા-બીજાપુર બોર્ડર પર સેનાના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.

દંતેવાડા પોલીસના જણાવ્યા અનુસાર ૯ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે અને માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓ યુનિફોર્મમાં છે. તેમની પાસેથી મોટી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ૯ વર્દીધારી નક્સલવાદીઓ માર્યા ગયા છે. ઘટનાસ્થળેથી હથિયારો સહિત મોટી માત્રામાં નક્સલ સામગ્રી મળી આવી છે.

અધિકારીએ જણાવ્યું કે દંતેવાડા જિલ્લા અને બીજાપુરના સરહદી વિસ્તાર પર પશ્ચિમ બસ્તર ડિવિઝન નજીક માઓવાદીઓની હાજરીની માહિતી મળી હતી. માહિતી મળતાં જ એક સંયુક્ત પોલીસ પાર્ટીએ સર્ચ ઓપરેશન કર્યું, જે દરમિયાન નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું. આજે મંગળવારે સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યાથી સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ડીઆરજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી પેટ્રોલિંગ સર્ચ પર ગઈ હતી. સર્ચ દરમિયાન નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. અત્યાર સુધીમાં ૯ ગણવેશધારી અને હથિયારધારી નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, ઓપરેશનમાં સામેલ તમામ સૈનિકો હવે સુરક્ષિત છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો સતત નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

૨૪ ઓગસ્ટે છત્તીસગઢની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજ્યને નક્સલવાદથી સંપૂર્ણ મુક્ત કરવાની વાત કરી હતી. તેમણે સાત રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને નક્સલવાદીઓને ખતમ કરવાની રણનીતિ ઘડી હતી. દંતેવાડા પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે નક્સલવાદીઓ સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ૧૫૪ નક્સલવાદીઓ માર્યા ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.