Western Times News

Gujarati News

અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલીથી શેરબજારમાં કડાકોઃ સોનાનું ભાવ રુ.42 હજારને પાર

 નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન યુદ્ધ માટે એકબીજાને લલકારી રહ્યા છે જેની વિવિધ બજારો પર અસર પડી છે. શેરબજારમાં વેચવાલીને પગલે શેરબજાર તૂટયુ છે તો સુરક્ષિત રોકાણ ગણીને સોના અને ચાંદીમાં લેવાલી વધતા બન્ને કિંમતી ધાતુના ભાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સોનામાં ૧૦ ગ્રામે ૭૩૦ અને ચાંદીમાં ૧૫૦૦ રૂ.નો ઉછાળો થયો છે તો બીજી તરફ ક્રુડના ભાવમાં ઉછાળો આવતા ડોલર સામે રૂપિયો વધુ ઘસાઈને ૭૧.૦૧ ઉપર પહોંચી ગયો છે. લોકો શેરબજારમાં પ્રોફીટ બુકીંગ કરી રહ્યા છે અને સોનામાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાનો ભાવ ૪2૦૦૦ના આંકડાને પાર કરી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૭૦૦ પોઈન્ટ ઘટીને ૪૦૭૬૪ અને નિફટી ૨૦૮ પોઈન્ટ ઘટીને ૧૨૦૧૮ ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

અમેરિકી એર સ્ટ્રાઈકમાં જનરલ કાસીમ સુલેમાની માર્યો ગયો તે પછી ઈરાન અમેરિકા વિરૂદ્ધ આગ ઓકી રહ્યુ છે જેના કારણે સ્થિતિ યુદ્ધ તરફ આગળ વધી રહી છે. બજારમાં અનિશ્ચિતતાનો માહોલ ઉભો થઈ રહ્યો છે. શેરબજારમાં ચોતરફા વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ સેકટરના શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. મીડકેપ અને સ્મોલ કેપમાં કડાકો બોલી ગયો છે. સુરક્ષિત રોકાણની દ્રષ્ટિએ સોનુ શ્રેષ્ઠ હોવાથી તેની લેવાલી નીકળતા સોનુ આજે ૪2૦૦૦ની ઉપર પહોંચી ગયુ છે.

સોનાનો ભાવ ૭ વર્ષની ટોચે પહોંચી ગયો છે. ૧૫૮૮.૧૩ ડોલર પ્રતિ અંશ ઉપર પહોંચી ગયો છે.  રાજકોટમાં આજે બજારો ખુલતાની સાથે જ સોના-ચાંદીના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. સોનામા ૧૦ ગ્રામ ૭૩૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૪૦૬૭૦ રૂ. હતા તે વધીને આજે ૪૧૪૦૦ રૂ.ની સપાટીએ પહોંચી ગયા છે. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૭૩૦૦ રૂ.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૪,૦૬,૭૦૦ રૂ. હતા તે વધીને ૪,૧૪,૦૦૦ની સપાટીએ ભાવ પહોંચી ગયા છે. ચાંદીમા પણ ૧૫૦૦ રૂ.નો ભાવ વધારો થતા ચાંદી ચોરસા (૧ કિલોના ભાવ) ૪૭૦૦૦ રૂ. હતા તે વધીને ૪૮૫૦૦ રૂ. થઈ ગયા છે.

અમેરિકા અને ઈરાનની તંગ સ્થિતિના પગલે છેલ્લા ૩ દિ’માં સોનામાં ૧૦ ગ્રામે ૨૦૦૦ રૂ. અને બિસ્કીટે ૨૦૦૦૦ રૂ. તથા ચાંદીમાં તોતીંંગ ૩૫૦૦ રૂ.નો ઉછાળો થયો છે.  દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૧૩૯૫ પ્રતિ ૧૦ ગ્રામ પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં ૪૧૩૩૦ છે. ચાંદીનો ભાવ દિલ્હીમાં પ્રતિ કિલો ૪૮૩૭૦ અને મુંબઈમાં ૪૭૫૭૫ ભાવ છે. ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો આજે ૩૧ પૈસા ઘટીને ૭૨.૧૧ ઉપર આવી ગયો હતો. આ લખાય છે ત્યારે ભાવ ૭૨.૦૧ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.