વિરપુર તાલુકામાં પાકને નુકસાન થતાં મામલતદારને આવેદન આપી વળતરની માંગ કરાઈ
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં પાછલા દસ દિવસમાં ઘણા સમયથી અવિરત મેઘમહેર શરૂ છે જેને પગલે આ વિસ્તારના ખેડૂતોને ખેતીપાકમા વ્યાપક નુકશાની થઇ છે ત્યારે અતિ ભારે વરસાદથી થયેલ નુકશાની અંગે વળતર ચુકવવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે.
૧૨૧ બાલાસિનોર વિધાનસભાના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ આગેવાનીમા વિરપુર મામલતદારને પાઠવાયેલા આવેદનપત્રમા જણાવાયું હતુ કે વિરપુર તાલુકાના ગામડાંઓમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી અત્યાર સુધી સતત વરસાદ પડયો હતો. જેના કારણે મકાઈ, તલ, મગફળી, કઠોળ અને કપાસ જેવા પાકો સદંતર નિષ્ફળ જવાની ભીતિ છે તો બીજી તરફ દુધાળા પશુઓના તેમજ માનવ મૃત્યુ પણ થયા છે
હાલની પરિસ્થિતિમા ખેડૂતો ખુબ જ મુશ્કેલી અને મુંઝવણભરી પરિસ્થિતિમા મુકાઇ ગયા છે ત્યારે આ અંગે યોગ્ય સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવામા આવે તેવી વિરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથુસિંહ પરમાર,જિલ્લા મહામંત્રી કિસાન મોરચા પ્રમુખની આગેવાનીમાં માંગણી કરવામા આવી છે.