Western Times News

Gujarati News

લેઉવા અને કડવા પાટીદારોનું ૧૨મીએ સોલા ખાતે સંમેલન

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા-લેઉવા મહાજ્ઞાતિના પાટીદાર પરિવારોમાં એકાત્મકતા વધે અને ભાતૃત્વ ભાવના પ્રબળ બને અને સમાજના અન્ય વર્ગોને પણ આ વિકાસગાથામાં સાથે લઇને ચાલીએ તેવી ઉમદા ભાવના સાથે આગામી તા.૧૨મી જાન્યુઆરીએ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લેઉવા-કડવા પાટીદારોનું વિશાળ ભાવાત્મક મહાસંમેલન યોજાશે, જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય ઉદ્‌ઘાટક તરીકે હાજરી આપશે.

જયારે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, આયોજન પંચના અધ્યક્ષ નરહરિભાઇ અણીન, વિધાનભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સહિતના અનેક મહાનુભાવો ખાસ હાજરી આપશે. બહુ મહત્વના અને નોંધનીય એવા પાટીદાર સમાજના આ ભાવાત્મક મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી ૨૫ હજારથી વધુ પાટીદારો ઉમટશે એમ અત્રે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ભીખુભાઇ પટેલ અને નરહરિભાઇ અમીને જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લવ-કુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ બંને મહાજ્ઞાતિ એકથાય અને આવનારી પેઢી શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ કરી સમાજ, રાજય અને રાષ્ટ્રના વિકાસના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે તે જ છે. તા.૧૨મી જાન્યુઆરીએ ભાવાત્મક મહાસંમેલનના વિશાળ કાર્યક્રમમાં શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે કેળવણી ક્ષેત્રે નિરમા યુનિવર્સિટીના શ્રી કરસનભાઇ પટેલ, ઉદ્યોગ વેપાર ક્ષેત્રે ઝાયડસના શ્રી પંકજભાઇ પટેલ, સામાજિક ક્ષેત્રે ઉંઝા ઉમિયા માતા સંસ્થાનના શ્રી મણિભાઇ પટેલ, સહકારી ક્ષેત્રે સહકારી આગેવાન શ્રી વિઠ્ઠલભાઇ એમ.પટેલ, સાહિત્ય ક્ષેત્રે લેખક-પત્રકાર ગુણવંત શાહ, તબીબી ક્ષેત્રે પદ્મશ્રી ડો.તેજસ પટેલ, દિવ્યાંગ ક્ષેત્રે શ્રી મનુભાઇ સોમાભાઇ પટેલને પાટીદાર શિરોમણી એવોર્ડ આપીને તેઓનું વિશેષ સન્માન કરાશે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલનું સંનિષ્ઠ સારસ્વત એવોર્ડથી સન્માન કરાશે. આ મહાસંમેલન દરમ્યાન સમાજના શ્રેષ્ટ ભામાશા અને દાનવીરો સહિત ૨૧ સહયોગી દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.