Western Times News

Gujarati News

ઇસ્કોન ગાંઠિયા રથને રૂપિયા ૫૦ હજારનો ફટકારાયેલ દંડ

અમદાવાદ: શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલવાની મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કરાયેલી જાહેરાતના ગણતરીના કલાકોમાં જ અમયુકો તંત્ર દ્વારા તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઊતરાયણના તહેવારમાં જ અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને ગંદકી ફેલાવવા બદલ અમ્યુકો દ્વારા બહુ આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. અમ્યુકોના અધિકારીઓ દ્વારા ઇસ્કોન ગાંઠિયા રથને રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો, આજ પ્રકારે શહેરના મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

આમ, ઓનેસ્ટ તેની ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત બાદ હવે ગંદકીના મુદ્દે પણ ગંભીર વિવાદમાં ફસાઇ છે. અસ્વચ્છતા અને ગંદકી કરવા બદલ કોર્પોરેશન દ્વારા ઓનેસ્ટ રેસ્ટોરેન્ટને દંડ ફટકારવામાં આવ્યો છે. ઊતરાયણનો તહેવાર હોવાછતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ગંદકી, અસ્વચ્છતા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. અમ્યુકોની તવાઇને પગલે શહેરમાં ગંદકી ફેલાવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

બે દિવસ પહેલાં જ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક ઐતિહાસિક અને આકરા નિર્ણયના ભાગરૂપે હવેથી અમદાવાદ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર કે ગંદકી ફેલાવનારા તત્વો સામે રૂ.પાંચ હજારથી લઇ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.