Western Times News

Gujarati News

નવા વાડજમાં પાર્કીંગ મુદ્દે ૧ર દુકાનો સીલ કરવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિગની સમસ્યા વકરી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન અને શહેર ટ્રાફિક વિભાગ પોલીસે પાર્કીંગ સમસ્યાના નિવારણ માટે સંયુક્તપણે ઝુંબેશ શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ કોમર્શીયલ કોમ્પલેક્ષની બહાર ટ્રાફિકને અડચણરૂપ થતા પાર્કીંગ અને માર્જિનમાં કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામોને સીલ કરવામાં આવી રહયા છે જેના ભાગરૂપે પશ્ચિમ ઝોનના નવાવાડજ વિસ્તારમાં ૧ર દુકાનો સીલ કરવામાં આવી છે.

શહેરના અનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવા તથા પાર્કીંગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે હેતુથી રાજય સરકારે ગુડા એક્ટ અંતર્ગત ઈમ્પેકટ કાયદાનો છ વર્ષ સુધી અમલ કર્યો હતો. ઈમ્પેકટના અમલીકરણ દરમ્યાન મનપા દ્વારા ૧ લાખ ર૬ હજાર મિલ્કતો (અરજી)ને કાયદેસર કરવામાં આવી હતી તથા પાર્કીંગની અરજીઓ પેટે રૂ.૧૬૦ કરોડ જેટલી માતબર રકમ પણ તંત્રની તિજારીમાં જમા થઈ છે.

તેમ છતાં પાર્કિગની સમસ્યાનો કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. મ્યુનિ. એસ્ટેટ વિભાગ અને સ્થાનિક રાજકીય આગેવાનોની રહેમ દૃષ્ટિએ તમામ વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામો થઈ રહયા છે તથા બી.યુ. પરમીશન ઈસ્યુ થયા બાદ માર્જિન અને પા‹કગની જગ્યામાં પણ દબાણ કરવામાં આવે છે.


જેના પરિણામે પાર્કિગ  સમસ્યા વકરી રહી છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ શહેર પોલીસ વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશને સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરી હતી તથા ફૂટપાથ પરના દબાણો અને શહેર માર્ગ પર થતા પાર્કીંગ સામે કાર્યવાહી પણ કરી હતી પરંતુ તંત્રને નિશ્ચિત પરીણામ મળ્યા નથી જેના પરિણામે મ્યુનિ. એસ્ટેટ ખાતા દ્વારા વધુ એક વખત આ પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં વાડજ ભીમજીપુરા વિસ્તારમાં થનકીનંદન કોમ્પલેક્ષની ૧ર દુકાનો સીલ કરવામાં આવી છે. પશ્ચિમઝોનના ડે. એસ્ટેટ ઓફીસર ચૈતન્યભાઈ શાહના જણાવ્યા મુજબ થનકીનંદન કોમ્પલેક્ષમાં ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક કરવામાં આવી રહયા હોવાની ફરીયાદો મળી હતી.

આ મુદ્દે તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે સદર કોમ્પલેક્ષમાં વધારાના બાંધકામ કરવામાં આવ્યા છે તથા પાર્કીંગમાં પણ દબાણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે જનક મેડીકલ સ્ટોર્સ, જૈન ગૃહ ઉદ્યોગ, માન સરોવર ફૂડ, ઝેરોક્ષ દુકાન, રાયપુર ચોળાફળી સેન્ટર સહીત ૧ર દુકાનોને સીલ કરવામાં આવી છે. ઝોનના અન્ય વોર્ડમાં પણ આ પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તથા નિયમ વિરુધ્ધના બાંધકામો, માર્જિનમાં દબાણ અને અડચણરૂપ પાર્કીંગ મુદ્દે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.