Western Times News

Gujarati News

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૩૦ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

(પ્રતિનિધિ)વિરમગામ, વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષના કુલ ૩૦ હજાર થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયો રોગ સામે રક્ષીત કરવામાં આવ્યા હતા. વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલીયો અભિયાનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરમગામ નગરપાલીકાના પ્રમુખ રીનાબેન પંડ્‌યા ઉપસ્થિત રહ્યા અને બાળકોને પોલીયો પીવડાવ્યો હતો. પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે અમદાવાદ જીલ્લા રોગચાળો નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડા.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આયુષ મેડીકલ ઓફિસરો, આરબીએસકે મેડીકલ ઓફિસરો, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તાલુકા હેલ્થ ઓફિસર ડા.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુંથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વિરમગામ શહેર અને તાલુકાના ૬૭ ગામ તથા પરા વિસ્તારમાં રહેલા ૦ થી ૫ વર્ષના કુલ ૩૦ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયોના રોગ સામે રક્ષણ આપવામાં આવ્યુ હતુ. તાલુકાના તમામ ગામમાં કુલ ૧૫૩ પોલીયો બુથ બનાવવામાં આવ્યા હતા અને ૧૪ મોબાઇલ ટીમ તથા ૯ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલીયો અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યુ છે. અમદાવાદ જીલ્લા ટીમ, વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૨૮ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે. પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૮૪ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલીયો પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાન શરૂ થાય તે પુર્વે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પણ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.