Western Times News

Gujarati News

દાહોદમાં રન ફોર પોષણ સ્પર્ધા સંપન્ન, છાત્રોએ રેલી યોજી આપ્યો પોષણનો સંદેશ

રન ફોરપોષણ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇનામો અપાશે

દાહોદ: રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૩ જાન્યુઆરીના રોજથી ‘ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦-૨૨’ નો રાજયવ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાથી કરાવવાના છે ત્યારે દાહોદ જિલ્લામાં પોષણ અભિયાનને સફળ બનાવવા માટે ગામે ગામ અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પોષણ બાબતે જાગૃતતા આવે તે માટે જિલ્લાના દરેક તાલુકામાં યોજવામાં આવેલી ‘રન ફોર પોષણ’ સ્પર્ધાના ત્રણ ત્રણ વિજેતા ખેલાડીઓ વચ્ચે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા દાહોદ નગરના રેલવે પરેલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. કુલ ૨૭ સ્પર્ધકો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં ૩ કિ.મી. માટેની દોડ સ્પર્ધાને જિલ્લાના આરોગ્ય અને સંકલિત બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રન ફોર પોષણ સ્પર્ધામાં દેવગઢ બારીયાની સેજલ કટારા, કુંવરબેન ભરવાડ અને શીલ્પા ઠાકોર અનુક્રમે પ્રથમ ત્રણમાં સ્થાન પામ્યા હતા. આ ત્રણે સ્પર્ધકોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. વ્યાયામ શિક્ષક શ્રી આઇ.એમ. શેખ અને એથલેટીક્સ કોચ શ્રી રજીવ અહલ્યાજી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત દાહોદ નગરમાં ‘સુપોષિત ગુજરાત એ જ અમારો સંકલ્પ’ બેનર સાથે લોકોમાં પોષણ જાગૃતિ માટે એક રેલી યોજવામાં આવી હતી. દાહોદ નગરના પડાવ વિસ્તાર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, આરોગ્ય અને સંકલિત બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરીને સ્વામિ વિવેકાનંદ ચોક ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. ૩૦૦ જેટલી છાત્રાઓએ ‘ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨’ અંતર્ગત આ રેલીમાં ભાગ લીધો હતો અને સુપોષિત ગુજરાતને ચરિતાર્થ કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.