Western Times News

Gujarati News

રઘુવીર સિલિયમમાં ટેકસટાઈલ માર્કેટમાં લાગેલી આગ ૨૦ કલાક બાદ કાબુમાં આવી

ફાયરની ૭૦ થી વધુ ગાડીઓ અને ૫૦૦ કર્મચારીઓએ જહેમત બાદ આગ નિયંત્રણ મેળવ્યું

સુરત:સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે ૩ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયર બ્રિગેડને કોલ કરાતાં ફાયર બિગ્રેડની ૭૦ થી વધુ ગાડીઓ સાથે ૫૦૦ થી વધુ કર્મચારીઓ ધટના સ્થળે દોડી ગયા હતાં. બે કરોડ લીટર પાણી વપરાયા બાદ પાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે રાત્રે સાડા બાર વાગ્યે આગ પર કાબૂ મેળવાયો હતો. કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે ૩ વાગ્યાની આસપાસ લાગેલી આગ ૨૯ કલાકે પણ રહી રહીને આગ લાગી રહી છે.

ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે.ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે.

હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આજે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્‌ટીને લઈને ચર્ચા કરવામાં આવશે. ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે, આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને આ આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું છે. હાલ પણ આગના લપકારાના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અંદાજે હજુ સાંજ સુધી ચાલશે. ૭૫૦ ડિગ્રી તાપમાન હોય તો એલ્યુમિનિયમ પિગળવા લાગે છે.

આ બિલ્ડિંગના એલિવેશનમાં મોટાભાગે એલ્યુમિનિયમ હોવાથી કલાકોની ગરમી બાદ એલ્યુમિનિયમ ટપકવા લાગ્યું હતું. જોકે, ૬૫૦ ડિગ્રી તાપમાન વચ્ચે ફાયરની દિલધડક કામગીરી ચાલી રહી છે. અને આગથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. એક અંદાજ પ્રમાણે ૩૦૦ કરોડનો માલ ખાક થઈ ગયો હોવાનું અનુમાન છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે, ત્યારે પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ કરી છે, તેમજ આગ પર કાબુ મેળવવા બાદ બિલ્ડિંગને સીલ કરવાની કામગીરી માટે સુચના આપવામાં આવી છે.

કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ સવારે ૩ વાગ્યાની આસપાસ લાગેલી આગને એક દિવસથી વધુ થઈ જવા છતા રહી રહીને આગ લાગી રહી છે. આ આગના કારણે રઘુવીર માર્કેટની ઈમારતના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આગના પગલે ઈમારતનો કાટમાળ નીચે પડી રહ્યો છે. જેથી ઈમારત અને આસપાસની જગ્યામાં જ્યાં જૂઓ ત્યાં કાળમાળ નજરે પડી રહ્યો છે.

કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ સવારે ૩ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગને જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં આખી માર્કેટ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગના પગલે ૧૪ માળની માર્કેટના ૧૧ માળ તો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે હાલ પણ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. જોકે, રહી રહીને પણ કાપડના જથ્થાના કારણે આગ લાગી રહી છે.

આગના કારણે માર્કેટની દુકાનોના બારીઓના કાચ તૂટી પડ્‌યા હતા. જ્યારે લોખંડની જાળીઓ, એલિવેશનના પતરાં તૂટીને નીચે પડી રહ્યા છે. જ્યારે આગના કારણે ઈમારતના સ્ટ્રક્ટરને પણ ભારે નુકસાન થયું છે અને દિવાલોમાંથી સિમેન્ટ પડીને સળીઓ બહાર આવી ગયેલા નજરે પડી રહ્યા છે. જેના કારણે ફાયરના જવાનોને પણ કુલિંગ અને આગને કાબૂમાં લેવાની કામગીરી ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.