મહીસાગર જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન ખેરોલી મુકામે યોજાઇ
        લુણાવાડા: મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખેરોલી ગામે પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહીસાગર, તાલુકા પંચાયત વિરપુર અને પશુદવાખાના વિરપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન સાંસદશ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ, બાલાસિનોર ધારાસભ્યશ્રી અજીતસિંહ ચૌહાણ તથા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગ્ટય કરી શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત પશુપાલકોને ઉદબોધન કરતા સાંસદશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, પશુપાલન વ્યવસાયમાં મહીસાગર જિલ્લાના પશુપાલકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. પશુપાલક ભાઇ બહેનોએ રાજ્ય સરકારની પશુપાલન યોજનાઓનો લાભ લઇ સમાજમાં આર્થિક સધ્ધરતા મેળવવા આહવાન કર્યુ હતું. વધુમાં જણાવ્યુ હતુ કે, પશુની માવજત અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી. સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી હતી.
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારીએ ઉપસ્થિત પશુપાલકોને જણાવ્યું હતું કે, સરકારના પશુપાલન ખાતા દ્વારા ચાલતી ૧૨ દુધાળા પશુ યોજના, મિલ્કીંગ મશીન, ચાપ કટર, વીમા યોજના, કેટલશેડ યોજના જેવી યોજનાઓનો પશુપાલકોએ વધુમાં વધુ લાભ મેળવી આર્થિક સધ્ધરતા સાથે સમાજમાં આગળ આવવા શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્યશ્રી અજીતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સભ્યશ્રી પીનાકીન શુક્લ, તેમજ ખેરોલીના સરપંચશ્રીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા તેમજ અન્ય મહાનુભાવોએ પ્રાસંગીક ઉદૃબોધન કર્યુ હતું. તથા આ શિબિરમાં ઉપસ્થિત પશુપાલન વિભાગના ડૉક્ટરશ્રીઓએ ઉપસ્થિત પશુપાલકોને પશુપાલન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યુ હતું.
સ્વાગત પ્રવચન કરતા નાયબ પશુપાલન નિયામકશ્રી ચાવડાએ પશુની માવજત અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવું જોઇએ. પશુની ઓલાદ, પ્રજનન અને ખોરાક વગેરેનુ ધ્યાન રાખીએ તો આપણે સારૂ દૂધ ઉત્પાદન મેળવી શકીએ છીએ આ ઉપરાંત આદર્શ પશુપાલન વિશેની જાણકારી પુરી પાડવામાં આવી હતી. તથા આભાર દર્શન ડૉ. જીગર કંસારાએ કર્યું હતું. તથા શાળાની બાલીકાઓ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કર્યા હતા.
આ શિબિરમાં અગ્રણીશ્રી એસ.પી.ખાંટ, ખેરોલી હાઇસ્કૂલના આચાર્યશ્રી તેમજ જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાભોર, પશુ ચિકિત્સક ડૉ.પંડિત, જિલ્લા પંચાયત પશુપાલન શાખાના અધિકારીશ્રીઓ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
