Western Times News

Gujarati News

ગુજરાતમાં સગીર બાળકના ધર્માંતરણનો પ્રથમ કેસ નોંધાયો

આણંદ: સગીર બાળકને ધર્માંતરણ કરવાનો પ્રથમ કેસ આણંદમાં નોંધાયો છે. આણંદ જિલ્લામાં આવેલા આમોદના કેથોલિક ચર્ચના પાદરીએ સગીર બાળકને માતાપિતાની સહમતી વગર બાપ્ટિઝ્મની વિધિ કરીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કર્યો હતો. આ બાબતે આણંદ જિલ્લા કલેકટર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રજુઆત કરાઈ હતી, જે બાબતે આણંદ કલેકટરે સાત વર્ષ બાદ આમોદના પાદરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કરતા ધર્મજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સગીર વયના બાળકને ધર્માંતરિત કરવાના કેસમાં બાળકના પિતા નિખિલેશ ચોરસિયા અને માતા સુધાબેન મકવાણાએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓએ વર્ષ ૨૦૦૧માં હિન્દૂ વિધિ મુજબ ગોરખપુરમાં લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન જીવન લાબું ટકી શક્યું ન હતું. .સાત વર્ષના અંતે વર્ષ ૨૦૦૮માં બંને અલગ થઈ ગયા હતા. બંનેને લગ્ન જીવન દરમિયાન એક સંતાન થયું હતું, જેનું નામ જોયલ રાખવામાં આવ્યું હતું.


છૂટાછેડા બાદ પુત્રની કસ્ટડી માતા પાસે હતી. માતા સુધાબેન મકવાણા હિન્દૂ ધર્મ પાળતા હતા. જોકે, બાદમાં તેઓ ખ્રિસ્તી ધર્મના પાદરીઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન વર્ષ ૨૦૧૨માં કેથોલિક ચર્ચ આમોદના પાદરી દ્વારા બાપ્ટિઝ્મ વિધિથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પાદરી કે તેના પરિવાર દ્વારા કલેકટર પાસે ધર્મ પરિવર્તન માટે મંજૂરી માંગવામાં આવી ન હતી.

આ અંગે બાળકના પિતાએ વર્ષ ૨૦૧૩માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી આણંદ કલેકટર કચેરીમાં રજુઆત કરી હતી. સુનાવણીના અંતે આણંદ કલેકટરે વર્ષ ૨૦૨૦માં જિલ્લા પોલીસ વડાને કેથોલિક ચર્ચના તત્કાલીન પાદરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
નોંધવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ ધર્મજ પોલીસ સ્ટેશને પાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વની વાત એ છે કે ગુજરાત ધર્મ સ્વંત્તત્ર અધિનિયમને વર્ષ ૨૦૦૮માં ગુજરાત વિધાનસભાએ બહાલી આપી છે. ત્યારબાદ સગીર વયના બાળકને ધર્માંતરણ કરવાનો આ પ્રથમ કેસ નોંધાયો છે.ધર્માંતરણના કાયદા મુજબ પાદરીએ કલેકટર કચેરી પાસે મંજૂરી લેવાની રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.