Western Times News

Gujarati News

પ્રજાસત્તાક દિવસ : રાજયમાં સઘન સલામતી તેમજ ચેકિંગ

Files Photo

અમદાવાદ: તા.૨૬ જાન્યુઆરીને લઈ દેશભરમાં આઇબી અને પોલીસતંત્ર દ્વારા હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. જને લઇ ગુજરાત રાજયમાં પણ તમામ મહત્વના ધાર્મિક સ્થળો, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનો સહિતના જાહેરસ્થાનો પરની સુરક્ષા અને પેટ્રોલીંગ-ચેકીંગ ભારે અસરકારકતા સાથે વધારી દેવામાં આવ્યા છે. ત્યારે બીજીબાજુ, સુરક્ષાના ભાગરૂપે જ તા.૨૬મી જાન્યુઆરી સુધી દિલ્હીની પાર્સલ સેવાને પણ બંધ કરવામાં આવી છે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી રોજના ૨૦ થી ૨૨ ટન પાર્સલ દિલ્હી જાય છે. સેવા બંધ થતાં આગામી ત્રણ દિવસ સુધી પાર્સલ દિલ્હી નહીં જાય. એટલું જ નહીં દિલ્હીથી આવતા પાર્સલોની સેવા પણ બંધ રાખવામાં આવી છે. સુરક્ષાને કારણે પાર્સલ સેવા બંધ રખાઇ છે, જે તા.૨૭મી જાન્યુઆરીથી રાબેતા મુજબ પૂર્વવત્‌ કરાશે. તા.૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની સુરક્ષાને લઇ તા.૨૪ થી ૨૬ જાન્યુઆરીના પાર્સલ પહેલાથી જ રેલ્વે તંત્ર દ્વારા બુક કરવામાં આવ્યા નથી. ત્રણ દિવસ પાર્સલ બુકિંગની સેવા પણ બંધ રહેશે. નોંધનીય છે કે, રેલવેમાં તમામ પ્રકારના પાર્સલ જતા હોય છે.

આથી વેપારીઓને પણ પાર્સલ સેવા બંધની જાણ કરી દેવામાં આવી છે. તા.૨૪થી ૨૬ દરમિયાન દવા, કપડાં, શાકભાજી, તેલ, ઘરવખરી સહિત તમામ પાર્સલ બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ઇમરજન્સી પાર્સલ પણ તા.૨૬ જાન્યુઆરી સુધી દિલ્હી નહીં મોકલાય. સુરક્ષાને ધ્યાને રાખી રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.