Western Times News

Gujarati News

ઈશાનની તોફાની બેટિંગ, હૈદરાબાદનો આરસીબી સામે ૪૨ રને વિજય

લખનૌ, સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૪૨ રને હરાવીને આશ્વાસનરૂપ વિજય મેળવ્યો હતો. ઈશાન કિશનના તોફાની ૯૪* રનની મદદથી હૈદરાબાદે છ વિકેટે ૨૩૧ રનનો સ્કોર રજૂ કર્યાે હતો.

જવાબમાં બેંગ્લોર ૧૯.૫ ઓવરમાં ૧૮૯માં ઓલ આઉટ થયું હતું.આરસીબીને આ મેચમાં જીત સાથે ટોચની બે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક હતી પરંતુ તેણે ગુમાવી હતી.

આરસીબી તરફથી ઓપનર ફિલ સોલ્ટે ૩૨ બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાના સહાર ૬૨ રન કર્યા હતા. વિરાટ કોહલીએ ૪૩ રન ફટકારીને તેનો સાથ આપ્યો હતો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૮૦ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ પાટીદાર (૧૮) અને કેપ્ટન જિતેશ શર્મા (૨૪) પણ મોટી ઈનિંગ્સ રમી શક્યા નહતા.

બેંગ્લોરની ટીમ ડેથ ઓવર્સમાં ધરાશાયી થઈ હતી અને પાંચ વિકેટે ૧૭૪ રનના સ્કોરથી ૧૮૯માં ફસડાઈ ગઈ હતી. આરસીબીએ ૬૦ રનમાં બાકીની સાત વિકેટ ગુમાવી હતી.

સનરાઈઝર્સ તરફથી પેટ કમિન્સે સર્વાધિક ત્રણ વિકેટ લીધી હતી. ઈશાન મલિંગાએ બે વિકેટ તથા ઉનડકટ, હર્ષલ, હર્ષ અને નીતીશે એક-એક વિકેટ ખેરવી હતી.ટોસ જીતીને આરસીબીએ પ્રથમ બોલિંગ લીધી હતી. અભિષેક શર્માએ ૧૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૩૪ રન ફટકાર્યા હતા.

કોરોના બાદ ટીમમાં પરત ફરેલા ટ્રેવિસ હેડ લય મેળવી શક્યો નહતો અને ૧૭ રન કરી આઉટ થયો હતો. પ્રથમ વિકેટ માટે બંનેએ ૫૪ રનની ભાગીદારી કરી હતી.

ઈશાન કિશને ૪૮ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ઝંઝાવાતી ૯૪ રન કર્યા હતા અને નોટ આઉટ રહેતા મેન ઓફ ધ મેચ બન્યો હતો. ક્લાસેન (૨૪) અને અનિકેત વર્માના (૨૬) ઉપયોગી યોગદાન થકી હૈદરાબાદ મજબૂત સ્કોર નોંધાવી શક્યું હતું. આરસીબી તરફથી શેફર્ડે બે વિકેટ લીધી હતી. ભુવનેશ્વર, એન્ગિડી, સુયશ અને કૃણાલે એક-એક વિકેટ ઝડપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.