Western Times News

Latest News from Gujarat India

ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપાયો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં કેફી દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસતંત્ર એલર્ટ બનેલું છે ડ્રગ માફિયાઓ અન્ય રાજયોમાંથી ટ્રેનો મારફતે નશીલા દ્રવ્યો ગુજરાતમાં લાવતા હોવાથી ટ્રેનોની અંદર રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતુ હોય છે.


ગઈકાલે રાજકોટ- નાગપુર હોલી ડે એકસપ્રેક્ષ ટ્રેનમાં ચેકિંગ દરમિયાન વોશ રૂમમાંથી બિનવારસી હાલતમાં ગાંજા ભરેલા પેકેટ મળી આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં આ અંગે તમામ રેલવે સ્ટેશનોના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવામાં આવી રહયા છે.
આ અંગેની વિગત એવી છે કે ડ્રગ માફિયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી ગુજરાતમાં નશીલા દ્રવ્યો ઘુસાડતા હોય છે રાજયમાંથી દારૂ જુગારની બદી ડામી દેવા માટે પોલીસ તંત્ર હાઈએલર્ટ પર છે

આ ઉપરાંત નશીલા દ્રવ્યોનો કાળો કારોબાર કરતા ડ્રગ માફિયાઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે અન્ય રાજયોમાંથી આવતી ટ્રેનોમાં ડ્રગ માફિયાઓ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા હોવાથી લાંબા અંતરની આ ટ્રેનોમાં વિશેષ તકેદારી રાખવામાં આવે છે.
રેલવે પોલીસને ગઈકાલે બાતમી મળી હતી કે ટ્રેનમાં ગાંજાનો મોટો જથ્થો આવવાનો છે જેના પગલે તમામ ટ્રેનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે

આ દરમિયાનમાં રાજકોટ- નાગપુર હોલી ડે ટ્રેનનું ચેકિંગ ચાલુ હતુ ત્યારે ટ્રેનના વોશ રૂમમાં બિનવારસી હાલતમાં કેટલાક પેકેટો પડેલા જાવા મળ્યા હતા રેલવે પોલીસે સૌ પ્રથમ આ ડબામાં સવાર પ્રવાસીઓને પુછતા તમામ પ્રવાસીઓએ આ પેકેટો તેમના હોવાનો ઈન્કાર કર્યો હતો જેના પગલે આ તમામ પેકેટો ભરેલી બેગ કબજે કરી હતી બેગમાં મુકેલા પેકેટો ખોલતા તેમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

રેલવે પોલીસે આ જથ્થો જપ્ત કરી ડ્રગ માફિયાઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. રાજપુર- નાગપુર એકસપ્રેસ ટ્રેનના તમામ રેલવે સ્ટેશનોના સીસીટીવી કુટેજ મેળવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. રેલવે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers