Western Times News

Gujarati News

ઈસનપુર નજીક ટ્રકની ટક્કરથી ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવી રહયો છે તેમ છતાં શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે આજે સવારે ઈસનપુર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટેન્કરની ટકકરથી એક જ પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા છે.


આ ઘટનાના પગલે રોષે ભરાયેલા લોકોના ટોળાએ ચક્કાજામ કરી દીધો હતો ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે અને  પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરી રહયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ખાનગી ભારે વાહનોને દિવસ દરમિયાન પ્રવેશવા પર પ્રતિબંધ લગાડવામાં આવેલો છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં અને પ્રવેશતા માર્ગો પર બેફામ રીતે ખાનગી ભારે વાહનોના પરિણામે સતત અકસ્માતો થતા રહે છે આજે સવારે ઈસનપુર નેશનલ હાઈવે પર સમ્રાટનગરની સામે બાઈક પર એક જ પરિવારના ત્રણ સભ્યો પસાર થઈ રહયા હતા.

ત્યારે અચાનક જ પુરઝડપે આવી રહેલી આઈશર ટ્રકે આ બાઈકને ટકકર મારતા બાઈક પર બેઠેલા એક યુવક- યુવતી અને બાળક ફંગોળાયા હતા અને રસ્તા પટકાતા ત્રણયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા તેઓ ચોંકી ઉઠયા હતા.

લોહી લુહાણ હાલતમાં ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સનો કાફલો આવી પહોંચ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય વ્યક્તિને  તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને નાગરિકોમાં ભારે રોષ પણ જાવા મળતો હતો એકત્ર થયેલા લોકોના કારણે સમગ્ર રોડ પર ટ્રાફીકજામ થઈ ગયો હતો રસ્તા પર જ આઈશર ટ્રક અને બાઈક પડેલા જાવા મળતા હતા.  બીજીબાજુ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતા અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અકસ્માતમાં ઈજા પામેલા ત્રણેય વ્યક્તિ એક જ પરિવારના હોવાનું મનાઈ રહયું છે. બીજીબાજુ પોલીસની એક ટીમ એલ.જી. હોસ્પિટલ  પણ પહોચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.