Western Times News

Latest News from Gujarat India

મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં ‘શાહીનબાગ’નું ભૂત ધુણ્યુ

File

મેયર ને લોકશાહી અને બંધારણનું જ્ઞાન નથીઃ ઈમરાન ખેડાવાલા : પૂર્વ મેયર ના આક્ષેપ
સામે રજૂઆત કરવા પ્રોટેકશન ન મળતા કોગી ધારાસભ્યમાં નારાજગી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીઓ નજીક આવી રહી છે. તેવા સંજાગોમાં પાંચ વર્ષના કામનો પરસ્પર હિસાબ આપવાના બદલે ભાજપ-કોગ્રેસના કોર્પોરેટરો નાગરીકત્વ ના મુદ્દે બાખડી રહયા છે.  દર મહીને માત્ર એક જ વખત મળતી કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં ભાજપના પૂર્વ મેયરે શાહીબાગમાં હાજરી આપવા ગયેલા કોગી ધારાસભ્ય-કોર્પોરેટરની ટીકા કરતા મામલો ગરમાયો હતો.

પૂર્વ મેયરના આક્ષેપનો જવાબ આપવા માટે કોગી કોર્પોરેટરે મેયર સમક્ષ પ્રોટેકશનની માંગણી કરી હતી પરંતુ અધ્યક્ષપદેથી મેયરે બોર્ડ બરખાસ્ત કરવાની જાહેરાત કરતા કોગ્રેસે તેને લોકશાહીની હત્યા ગણાવી હતી. તેમજ કોગી કોર્પોરેટરે મેયરને લોકશાહીનું જ્ઞાન ન હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

દેશભરમાં સીએએ મુદ્દે આંદોલન-વિરોધ ચાલી રહયા છે. દિલ્હીના શાહીબાગમાં પણ લગભગ ૪૦ દિવસથી સીએએ નો વિરોધ થઈ રહયો છે. શહેર કોગ્રેસના બે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદીન શેખ ર૮ જાન્યુઆરીએ શાહીબાગ ધરણા-પ્રદર્શનમાં હાજરી આપી હતી.

જેના પડઘા બુધવારે મ્યુનિ.કોર્પોરેશનની માલિક સામાન્ય સભામાં પડયા હતા. ઈમરાન ખેડાવાલા જમાલપુરના કોર્પોરેટરપદે પણ હોવાથી તેઓ સભાગૃહમાં હાજર રહયા હતા. મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભાના ઝીરો અવર્સમાં પૂર્વ મેયર અમિતભાઈ શાહે રજુઆત કરતા જણાવ્યું હતું કે જે સ્થળે નાગરકીત્વ મુદ્દે આંદોલન ચાલી રહયા છે.

જે સ્થળેથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારવાની વાતો થાય છે. તે સ્થળે ગૃહના સભ્ય હાજરી આપે છે. શરમજનક બાબત છે. પૂર્વ મેયરના નિવેદન સામે કોગી ધારાસભ્ય કમ કોર્પોરેટર ઈમરાન ખેડાવાલા ઉભા થયા તેની સાથે જ ભાજપના કોર્પોરેટરોએ સીએએના બેનર ઉંચા કર્યા હતા. તથા “વી સ્પોર્ટ સીએએ” ના નારા લગાવી ઈમરાન ખેડવાલા એ આ મુદ્દે તેમને રજુઆત કરવા મળે તે માટે મેયર સમક્ષ પ્રોટેકશનની માંગણી કરી હતી. અધ્યક્ષસ્થાનેથી મેયરે બે-ત્રણ વખત “તમે બોલો-હું સાંભળી રહુ છું” એમ કહ્યું હતું

પરંતુ ભાજપના સભ્યોને સીટ પર બેસી જવા માટે જણાવ્યું ન હતું તથા ધાંધલ-ધમાલ ની વચ્ચે બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી. મ્યુનિ.કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં થયેલ ઘટનાક્રમ અંગે કોગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મેયરે એકપક્ષીય બોર્ડ ચલાવ્યું છે. વિધાનસભામાં જયારે આ પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ થાય ત્યારે સભ્યને તેની રજુઆત કરવા માટે પ્રોટકેશન મળે છે. જયારે વારંવાર વિનંતી કરવા છતાં પણ મેયરે તેમને રજુઆત કરવા તક આપી ન હતી.

મેયર ને લોકશાહી અને બંધારણનું કોઈ જ જ્ઞાન નથી. શાહીબાગ વિરોધમાં તમામ ધર્મના લોકો જાડાયા છે.દિલ્હી ચુંટણીમાં લાભ લેવા માટે ભાજપ દ્વારા આ આંદોલન ને ધર્મ સાથે જાડવામાં આવી રહયું છે. મ્યુનિ.ચુંટણીમાં પણ ભાજપનો રકાસ થાય તેવા સ્પષ્ટ એધાણ છે તેથી અમદાવાદમાં પણ દિલ્હીનું પુનરાવર્તન કરવા માટે ભાજપ દ્વારા તખ્તો તૈયાર થઈ રહયો છે.

શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાની વાતો ભાજપ કરી શકે તેમ નથી. છેલ્લા સાડા ચાર વર્ષમાં લાઈટ, પાણી, રોડ અને ડ્રેનેજની સમસ્યાઓ ઓછી થવાના બદલે વધી રહી છે. નાગરીકો ત્રણ વર્ષથી “ડીસ્કો રોડ” પર વાહન ચલાવવા મજબુર બન્યા છે. પ્રદુષિત પાણી, કે વરસાદી પાણીના ભરાવા વગેરેનો નિકાલ થયો નથી.

મ્યુનિ.બોર્ડમાં કોગ્રેસ દ્વારા આ મુદ્દે થતી રજુઆત ના કોઈ જ જવાબ ભાજપ પાસે નથી. અમદાવાદ મનપામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહયો છે. કોગ્રેસ પક્ષ દ્વારા બોર્ડમાં આ મુ્‌દ્દે પુરાવા સાથે પણ રજુઆતો થઈ છે. આમ મ્યુનિ.ભાજપ તમામ મોરચે નિષ્ફળ સાબિત થયા બાદ ચુંટણી જીતવા માટે સીએએને ધર્મ સાથે જાડીને આ પ્રકારના ગતકડા કરવામાં આવી રહયા છે.

શાહીબાગમાં હું વડાપ્રધાન તથા ગૃહમંત્રી ને ગોળી મારવા માટેન કોઈ જ શબ્દો બોલ્યા નથી. પૂર્વ મેયર પાસે આ અંગેની કોઈ વીડીયો હોય તો જાહેર કરે તથા પુરાવા આપે. ભાજપ તરફથી આ મુદ્દે કોઈપણ પુરાવા રજુ કરવામાં આવશે તો હું ધારાસભ્ય અને કોર્પોેરેટર એમ બંને હોદ્દા પરથી રાજીનામું આપવા તૈયાર છું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers