ડીસામાં વરસાદથી બાજરી અને મગફળીના પાકને મોટું નુકસાન

મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, તૈયાર થઈ ગયેલા બાજરીના પાકને વરસાદથી મોટો ફટકો પડ્યો છે
ડીસા,ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનુભવાતા સખત બફારા અને ઉકળાટ બાદ ગત રાત્રિના સુમારે તેમજ સોમવારે સાંજના સુમારે જિલ્લાના કેટલાક ભાગોમાં અચાનક વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યાે છે.પ્રાથમિક અહેવાલો મુજબ, આ વરસાદને કારણે બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તૈયાર થઈ ગયેલા બાજરીના પાકને વરસાદથી મોટો ફટકો પડ્યો છે. તેવી જ રીતે, મગફળીના ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જોકે, વરસાદના કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી, પરંતુ આજે દિવસ દરમિયાન ફરીથી ભારે ઉકળાટ અને બફારો અનુભવાયો હતો ત્યારબાદ સાંજના સુમારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની સંભાવના અંગે કોઈ સ્પષ્ટ આગાહી કરાઈ નથી, જેના કારણે ખેડૂતોમાં અનિશ્ચિતતાનો માહોલ છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે.SS1