Western Times News

Latest News from Gujarat India

ગુજરાત ભારતનું આગામી સમયમાં શિક્ષણનું કેન્દ્ર બનશે: ભુપેન્દ્રસિંહ ચૂડાસમા

રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની તકોનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે ‘‘સ્ટડી ઇન ગુજરાત’’ કાર્યક્રમની શરૂઆત કરી છે જે હેઠળ દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન થઇ રહ્યું છે. જેના ભાગરૂપે આજે નાસિક ખાતે યોજાયેલ રોડ શોમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએે કહ્યું હતુ કે, ગુજરાત ભારતનું આગામી સમયમાં શિક્ષણનું કેન્દ્ર બનશે. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ દ્વારા નાસિકના અગ્રણી શિક્ષણવિદોની મુલાકાત લેવામાં આવી હતી.

શ્રી ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, “સ્ટડી ઇન ગુજરાત” એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ એક નવીનત્તમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વધુ વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવાનો છે.

શિક્ષણમંત્રી શ્રી ચૂડાસમાએ ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ પર ભાર મૂક્યો છે. આ પ્રેરણાને સાર્થક કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનથી અમે ભારત અને વિશ્વ સમક્ષ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દર્શાવવા માટે ‘સ્ટડી ઇન ગુજરાત’ કાર્યક્રમની શરૂઆત કરી છે.

મહારાષ્ટ્ર રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી/ડિવિઝનલ સેક્રેટરી શ્રી એન.એમ. ઉપાસની સહિત 1 યુનિવર્સિટી, 13 શાળાઓ અને કોલેજોના 70 આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ આ રોડ શૉમાં સહભાગી થયા હતા.

ગુજરાતમાં સમૃદ્ધ બની રહેલા શિક્ષણ ક્ષેત્રની એક ઝલક આપવા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં રસ ધરાવતા ઉમેદવારોને રાજ્યમાં રહેલી શિક્ષણની તકોને ઉજાગર કરવાના હેતુ સાથે આ રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ ધરાવતા વિદ્યાર્થીઓને વધુ જાણકારી આપવા માટે રાજ્યના ઉચ્ચ ક્રમાંકિત એનબીએ અને એનએએસી માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ પ્રતિનિધિમંડળ સાથે જોડાયા હતા.

મંત્રીશ્રી વધુમાં ઉમેર્યું હતું કે, જે યુવાનો પોતાની જિંદગીમાં કંઇક નવું કરવા માંગે છે તેમના માટેનો રાજ્ય સરકારનો વિવિધ ક્ષેત્રીય યુનિવર્સિટીઓ સ્થાપિત કરવાનો હેતુ આશીર્વાદરૂપ નીવડ્યો છે. તેઓએ હવે ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યની બહાર કે વિદેશ જવાની જરૂર નથી, પરંતુ તેઓ શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ, વૈશ્વિક રીતે સ્વીકૃત અભ્યાસક્રમો અને ઇન્ડસ્ટ્રિયલ એક્સપોઝર સાથે દેશ તેમજ રાજ્યમાં જ અભ્યાસ કરી શકે છે. જ્યારે આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરીએ, ત્યારે આપણે શિક્ષકની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આ કારણથી પોતાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્માણ કરી શકવા સક્ષમ શ્રેષ્ઠ શિક્ષકોને તૈયાર કરવા માટે અમે ટીચર્સ યુનિવર્સિટીની શરૂઆત કરી છે.

હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. આપણે ટેક્નોલોજી વગરની આપણી જીંદગીનો વિચાર નથી કરી શકતા. જેમ ટેક્નોલોજી અદ્યતન બની છે તેમ જ ગુનાઓ પણ અદ્યતન બન્યાં છે. પરિણામે આવા ગુનાઓને રોકવા માટે તે પ્રકારની મશીનરીનો વિકાસ કરવો ખૂબ મહત્વનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે દેશની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.માત્ર 13 વર્ષોમાં 80 થી વધુ દેશોએ અમારો સંપર્ક કર્યો છે અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં શીખવા અને અભ્યાસ કરવા માટે અમારી સાથે જોડાયાં છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ કાર્યરત છે. રાજ્યમાં શિક્ષણની વિવિધ તકો અને અભ્યાસક્રમ અંગે ઉલ્લેખ કરતા તેમણે રાજ્યના અજોડ પ્રમાણપત્ર અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે રાજ્યના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં ડૉક્ટર અને એન્જિનિયર બનવા માટે જતા હતા પરંતુ હવે, રાજ્ય સરકારની

હકારાત્મક શિક્ષણ નીતિઓ અને આધુનિક સવલતોને કારણે આજે રાજ્યમાં  શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યુ છે. જેના પરિણામે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક યુનિવર્સિટીઓની સંખ્યા દેશમાં સૌથી વધુ છે.

ગુજરાતના સાતત્યપૂર્ણ વિકાસનુ મુખ્ય કારણ રાજ્યમાં સુરક્ષિત વાતાવરણ  કાયદો અને વ્યવસ્થાની સમર્પિત પ્રણાલી છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારત અને વિશ્વના વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલમાં 10,000 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર ઉદ્યોગસાહસિકતા બતાવી છે, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસીના પરિણામે સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં સ્ટાર્ટ-અપની સંખ્યામાં ગુજરાતનો 46% હિસ્સો ધરાવે છે. નાના, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક નીતિઓ ઘડવામાં આવી છે. ગુજરાતમાં યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થનારા વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં “સ્ટાર્ટ-અપ નો માર્ગ અપનાવી રહ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં  કુવૈત અને દુબઇમાં સ્ટ્ડી ઇન ગુજરાત રોડશો યોજાયો હતો. આ ઉપરાંત ઇંદોર, રાંચી, પટના, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ અને રાયપુર સહિતના શહેરોમાં ભવ્ય રોડ-શોનું આયોજન પણ કરવામા આવ્યુ હતુ. એમએસ યુનિવર્સિટીના સહયોગથી આ રોડ શોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની 15 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ આ રોડ શોમાં ભાગ લઈને  નાસિક યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.

વર્ષ 2003માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાના હેતુથી એક નાનકડા ઓડિટોરિયમમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી કરી હતી. આ પ્રેરણાદાયી માર્ગે ચાલતા ‘સ્ટ્ડી ઇન ગુજરાત’ અભિયાનની ગુજરાત સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે.  જે વિશ્વભરના વિદ્યાર્થીઓને રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરવા માટે તકોનું નિર્માણ કરી દેશને સામર્થ્યવાન યુવાધન સમર્પિત કરવાની દિશામાં હંમેશા અગ્રેસર રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers