ગાઝા પર ઇઝરાયેલનો ભીષણ હુમલો: ૩૪ પેલેસ્ટેનિયનોનાં મોત

દેઇર અલ-બલાહ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ગાઝામાં સંકટ દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. ઇઝરાયેલના તાજેતરના હુમલામાં ગાઝામાં ૩૬ પેલેસ્ટિનિયનોના મોત થયા છે.
મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, ઇઝરાયેલે પ્રદેશમાં વધતી જતી માનવતાવાદી કટોકટીના સંદર્ભમાં સહાય પ્રતિબંધો હળવા કર્યાના એક દિવસ પછી મોટો હુમલો કર્યાે હતો.
ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે ગાઝા સિટી, દેઇર અલ-બલાહ અને મુવાસી વિસ્તારોમાં દરરોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી લશ્કરી કાર્યવાહી બંધ કરવામાં આવશે. તેનો હેતુ ભૂખ્યા લોકોને સલામત માર્ગાે દ્વારા રાહત સામગ્રી પહોંચાડવાનો હતો. જોકે, ઇઝરાયલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે લશ્કરી કાર્યવાહી સંપૂર્ણપણે બંધ કરશે નહીં.
સોમવારે થયેલા હુમલાઓ એ જ ૧૦ કલાકના રાહત સમયગાળાની બહાર કરવામાં આવ્યા હતા. આ અંગે ઇઝરાયલી સેના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ગાઝામાં પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ભયાનક બની રહી છે.
સ્થાનિક હોસ્પિટલના જણાવ્યા અનુસાર મુવાસી વિસ્તારમાં એક ઘર પર થયેલા હુમલામાં એક ગર્ભવતી મહિલા સહિત ૧૨ લોકો માર્યા ગયા હતા. ખાન યુનિસ શહેરના જાપાની વિસ્તારમાં બે માળના મકાન પર થયેલા હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા.
ગાઝામાં ભૂખમરો અને કુપોષણની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. રાહત એજન્સીઓએ કહ્યું છે કે ઇઝરાયેલની નવી સહાય નીતિ ચોક્કસપણે યોગ્ય દિશામાં એક પગલું છે, પરંતુ તે હજુ પણ પૂરતું નથી.SS1MS