ઈયુ સાથે ટ્રેડ ડીલમાં ટ્રમ્પનું ધાર્યું થયું, યુરોપ પાસેથી ૧૫ ટકા ટેરિફ વસૂલશે

લંડન, યુએસ અને યુરોપિયન સંઘ વચ્ચે ટ્રેડ ડીલને આખરી ઓપ અપાઈ ગયો હોવાનો દાવો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉરસુલા વોન ડેર લેન દ્વારા થયો છે.
આ ડીલ અંતર્ગત અમેરિકા દ્વારા યુરોપિયન સંઘના સામાન પર ૧૫ ટકા બેઝલાઈન ટેરિફ વસૂલાશે, જ્યારે સંખ્યાબંધ અમેરિકી નિકાસ પર ઝીરો ટેરિફ લાગુ થશે. ઈેં સાથેની આ ટ્રેડ ડીલમાં ટ્રમ્પનું ધાર્યું થયું હોવાની લાગણી સાથે યુરોપમાં રોજગારી-મોંઘવારીની સ્થિતિ ચિંતાજનક બનવાની આશંકા સેવાઈ રહી છે.
સ્કોટલેન્ડ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પ અને ઉરસુલા દ્વારા આ ટ્રેડ ડીલની જાહેરાત થઈ હતી. બંને નેતાઓએ આ ડીલને ટ્રેડ બેલેન્સ પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું છે. બંને પક્ષના અર્થતંત્રને નવા કરારથી લાભ થવાની આશા વ્યક્ત કરાઈ છે. જો કે વાસ્તવિકતા ઘણી અલગ હોવાની લાગણી યુરોપના દેશોમાં બળવત્તર બની છે.
કારણ કે, અમેરિકાએ યુરોપના સામાન પર બેઝલાઈન ટેરિફ ૧૫ ટકા રાખી છે, જ્યારે અમેરિકાની સ્ટ્રેટેજિક અમેરિકન એક્સપોર્ટ પર ઝીરો ટેરિફ લાગુ થશે. આ ઉપરાંત યુરોપિયન દેશોએ અમેરિકા પાસેથી ૭૫૦ અબજ ડોલરની ખરીદી કરવાનું અને અમેરિકામાં ૬૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી છે.
ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, આ કરારથી અમેરિકન કારને યુરોપના બજારમાં ફરી પ્રવેશ મળશે અને અમેરિકાની કૃષિ પેદાશો માટે યુરોપિયન સંઘના બજારો વધુ સુગમ બનશે. ફાર્માસ્યુટિકિલ્સને ટ્રેડ એગ્રીમેન્ટમાંથી બાકાત રખાયું છે અને સ્ટીલ-એલ્યુમિનિયમ પરની ૫૦ ટકા ટેરિફ અમેરિકાએ યથાવત રાખી છે.
ટ્રમ્પના દાવાથી વિપરિત ઉરસુલા વોન ડેર લેને જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ્સ પર ૧૫ ટકા ટેરિફ લાદવા બંને પક્ષ સંમત થયા છે.અમેરિકાના બજારમાં યુરોપની કારો પર ટ્રમ્પના શાસનમાં ૨૭.૫ ટકા ટેરિફ લેવાય છે, જે અગાઉ બાઈડનના સમયમાં માત્ર ૨.૫ ટકા હતી. નવા કરારમાં ટેરિફનો દર ૧૫ ટકા થયો છે.
યુરોપિયન પાર્લામેન્ટની ઈન્ટરનેશનલ ટ્રેડ કમિટીના વડા બ્રેન્ડ લેન્ગના મતે અમેરિકા સાથેની ડીલ સહેજ પણ સંતોષકારક નથી. તેના કારણે અસમાનતા વધવાની છે. યુરોપીયન દેશોના અર્થતંત્રમાં અસ્થિરતા આવવાની અને રોજગારીની તકો ઘટવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.SS1MS