આ ઝેર ફેલાવવાનું કામ કરતી મહિલા 10 હજાર લોકોને જેહાદની જાળમાં ફસાવી રહી હતી

એટીએસએ અલ કાયદાના ઓનલાઇન મોડ્યુલનો પર્દાફાશ કરીને શમા પરવીનની ધરપકડને મોટી સફળતા ગણાવી છે.
(એજન્સી)અમદાવાદ, શમા પરવીન અંસારી ગઝવા-એ-હિન્દનો ઇરાદો ધરાવતી હતી અને લગભગ ૧૦,૦૦૦ લોકોમાં જેહાદનું ઝેર ફેલાવવાનું કામ કરી રહી હતી. બેંગલુરુથી ધરપકડ કરાયેલી ઝારખંડની આ યુવતીને લઈને ગુજરાત એટીએસએ અનેક મોટા દાવા કર્યા છે.
એટીએસએ અલ કાયદાના ઓનલાઇન મોડ્યુલનો પર્દાફાશ કરીને શમા પરવીનની ધરપકડને મોટી સફળતા ગણાવી છે. તે અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ અને પાકિસ્તાનનું મોહરું બની ગઈ હતી.
પ્રતિબંધિત આતંકી સંગઠન એક્યુઆઈએસની વિચારધારા ફેલાવવાના આરોપમાં શમાની મંગળવારે બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે તેના નાના ભાઈ સાથે રહેતી હતી.
બુધવારે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવી હતી. એટીએસના અધિકારીઓ અનુસાર, અંસારી ભારત સરકાર વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ અને જેહાદ માટે લોકોને ઉશ્કેરતી હતી અને તેના માટે તે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી. તે નફરત ભરેલા સંદેશાઓ ફેલાવીને ધાર્મિક ઉન્માદ અને હિંસા ભડકાવવા માંગતી હતી.
એટીએસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શમા અંસારી બે ફેસબુક પેજ અને એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી હતી, જેના કુલ ૧૦,૦૦૦ યુઝર્સ હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, શમા તેના દ્વારા એક્યુઆઈએસ અને અન્ય કટ્ટરપંથી પ્રચારકોના વિચારો શેર કરતી હતી. તેમાં એક્યુઆઈએસ નેતા મૌલાના અસીમ ઉમર, મૃત અલ કાયદાના વિચારક અનવર અલ-અવલાકી અને લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના ભાષણોના વીડિયો શેર કરવામાં આવતા હતા. જેમાં ગઝવા-એ-હિન્દ, કાફિરો પર હુમલા અને ભારત સરકાર વિરુદ્ધ નફરતના સંદેશા હતા.
શમા અંસારી ફોન અને ઈમેલ દ્વારા પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં હતી. જુલાઈ મહિનામાં એટીએસ દ્વારા ચલાવવામાં આવેલા એક ઓપરેશન પછી શમા અંસારીની ભૂમિકા સામે આવી.
૨૩ જુલાઈએ એટીએસએ દિલ્હી, નોઇડા, અમદાવાદ અને ગુજરાતમાંથી ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમના પર જેહાદી પ્રોપેગેન્ડા વીડિયો શેર કરવાનો આરોપ છે. એટીએસએ કહ્યું કે આ વીડિયોમાં ભારતીય મુસ્લિમ યુવાનોને દેશના લોકતંત્રને નકારી કાઢીને સશસ્ત્ર વિદ્રોહ કરીને શરિયા કાયદો લાગુ કરવા માટે ઉશ્કેરવામાં આવતા હતા.