દશામા અને ગણેશની મૂર્તિ વિસર્જન માટે મ્યુનિ.કોર્પો. કુલ ૧૫ કુંડ બનાવાશે

File
પાણીની પરબો, સ્ટેજ, મંડપ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા અપાશે
(પ્રતિનિધિ)અમદાવાદ , એએમસી દ્વારા દર વર્ષની જેમ દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે સાબરમતી નદીના કિનારે ત્રણ કુંડ બનાવીને વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી મહિને ગણેશોત્સવને ધ્યાનમાં લઈને તા. ૨૭ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર દરમિયાન ગણેશ વિસર્જન માટે મધ્ય ઝોનમાં ૭ સ્થળે ૧૨ વિસર્જન કુંડ બનાવવામાં આવશે.
જ્યારે દશામાનું વ્રત અને જાગરણ માટે ત્રણ સ્થળે સ્વાગત સ્ટેજ અને મંડપ, ફુલહાર, સાઉન્ડ સિસ્ટમ સાથે વ્યવસ્થા ઉભી કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે.
ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શાહપુરમાં રિવરફ્રન્ટ પાસે શંકરભુવનના છાપરા નજીક બે કુંડ અને માસ્તર કોલોની ખાતે એક સહિત કુલ ત્રણ કુંડ મૂર્તિ વિસર્જન માટે તૈયાર કરાયા છે. જ્યારે તિલક ભાગ, ટાઉનહોલ સામે રિવરફ્રન્ટ જવાના રસ્તે, સોમનાથ ભુદરના આરે જમાલપુર દરવાજા બહાર ફુલબજાર પાસે સ્ટેજ બનાવમાં આવ્યા છે. જેમાં અબીલ ગુલાલ અને ફૂલ હાર સાઉન્ડ સિસ્ટમ સાથે સ્ટેજ તૈયાર કરાયા છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દશામાના વ્રત કરનાર શ્રદ્ધાળુઓ રાત્રે ૧૨ વાગ્યાથી વિસર્જન માટે આવતા હોય છે અને તા. ૧ ઓગસ્ટ અને ૩ ઓગસ્ટના રોજ વિસર્જન સ્થળે સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ, પાણીની પરબો ઉભી કરવા
ઉપરાંત આ વિસર્જન કાર્યક્રમ દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેમજ અકસ્માત કે ઈમરજન્સી ઉભી થાય તેવા સંજોગોમાં બચાવની કામગીરી હાથ ધરી શકાય તે હેતુસર ફાયર બિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ શહેરના દર વર્ષે દશામાના વ્રત અને ગણેશ મહોત્સવને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ મનપા દ્વારા બન્ને મહોત્સવ દરમિયાન મૂર્તિવિસર્જનને લઈને વિશેષ આયોજન કરવામાં આવે છે.