વાંઝણી કહી પત્નિને આત્મહત્યા માટે મજબુર કરનાર પતિને ૭ વર્ષની કેદ

(એજન્સી) રાજપીપળા, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામમાં પત્નીને વાંઝણી કહી મેણા મારનાર અને મરવા માટે મજબુર કરનાર પતિને કોર્ટે ૭ વર્ષની કેદ અને ૩ હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
કેસની વિગત મુજબ નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામના નવીન અશ્વિન વસાવા અને સુનિલાબેનના એક બીજાની રાજીખુશીથી લગ્ન થયા હતા. લગ્નજીવનને ઘણો સમય થયો હોવા છતાં એમને કોઈ વસ્તાર ન્હોતો. એટલે નવીન અશ્વિન વસાવા પોતાની પત્ની સુનિલાબેનને વાંઝણી કહી અવારનવાર ઝઘડો કરી માર મારી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.
જેથી પોતાના પતિના અવારનવાર આવા ત્રાસથી કંટાળી સુનિલાબેને ગત ૦૧/૦૯/૨૦૨૨ ના રોજ વાઘોડિયા ગામ ખાતે જંતુનાશક ઝેરી દવા પી જઈ આપઘાત કર્યાે હતો. જેથી પોતાની પત્નીને આત્મહત્યા માટે મજબુર કરનાર પતિ નવીન અશ્વિન વસાવા વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.
આ કેસ નર્મદા જિલ્લાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પ્રવીણ પરમારની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી જજ આર.ટી. પંચાલે નવીન અશ્વિન વસાવાને ૭ વર્ષની સખત કેદ અને અલગ અલગ કલમ હેઠળ ૫૦૦૦ અને ૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.