મધ્યપ્રદેશમાં ભારે વરસાદઃ નર્મદા ડેમના ૧૦ દરવાજા ખોલાયા

File Photo
કિનારાના ગામોને એલર્ટ કરાયા
નર્મદા, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. સરદાર સરોવરમાંથી ૧.૩૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારબાદ વધુ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઉપરવાસમાં મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આ વર્ષે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી ૧૨૮ મીટરને પાર કરીને હાલ ૧૩૧ મીટર પર પહોંચી ગઇ છે. સરદાર સરોવરમાં હાલ ૪,૦૧,૦૪૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ૧,૩૭,૧૩૭ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
ડેમ ૭૦ ટકા ભરાતા તેને ર્વોનિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ડેમની સપાટી હાલ ૧૩૧ મીટરને વટાવી ચૂકી છે, મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી હવે માત્ર ૭ મીટર જ દૂર છે. નર્મદા નદીના કાંઠાના ૨૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરા અને ભરૂચ સહિતના ગામોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં અત્યાર સુધી ૬ વાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ૨૪ કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટી ૩ મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૧ મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી ૪, ૨૩ .૨૭૦ ક્યુસેક પાણી ની આવક હજુ પણ ચાલુ છે.જેને કારણે આજે ૧૧.૩૦ કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા ૫ ગેટ ખોલવામાં આવ્યા છે. આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા કરવામાં આવ્યું છે.
રિવરબેડ પાવરહાઉસના ૬ ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી ૪૩,૭૫૫ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી ૧૪,૦૯૭ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે દરવાજા ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળે છે. જોકે હાલ પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને લઈ નર્મદા પોલીસ, ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી કોઈપણ વ્યક્તિ નર્મદા નદીમાં ન જાય માટે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દેવામાં આવ્યા છે.
ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે ૩૧ જુલાઇએ ૧૧ઃ૩૦ કલાકે સરદાર સરોવર બંધના ૫ દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી વહેશે.
નદી તળ વિદ્યુત મથકના ૫ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના- સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૮૬,૦૦૦ (૩૬,૦૦૦+ ૫૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે. આથી સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.