Western Times News

Gujarati News

પોલીસ ફરીયાદ કરતાં મહિલા બુટલેગરનાં પતિ સહિત છ શખ્સોએ યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યાે

બુટલેગરો બેફામ બન્યા : કલાકો ગોંધી રાખી વિડીયો ઉતારી ફરીયાદ કરી તો જાનથી મારવાની ધમકી આપી છોડી મુક્યો

અમદાવાદ: રાણીપમાં રહેતાં એક નાગરીકે દેશી દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગર વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ કરતાં મહિલાનાં પતિ તથા અન્ય ૮ ઈસમોએ ટોળી બનાવીને આ વ્યક્તિને શાહપુર બોલાવ્યા બાદ ઢોર માર માર્યાે હતો. બાદમાં તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા બે લાખ અને સોનાનાં ઘરેણાં લૂંટીને જબરદસ્તી અપહરણ કરી રીક્ષામાં ફેરવ્યા બાદ નારણપુર ખાતે એક ખેતરમાં લઈ જઈ ફરીથી ઢોર માર મારતાં વ્યક્તિ  ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

જેનો વિડીયો રેકોર્ડીંગ કર્યા બાદ મહિલા બુટલેગરનાં પતિ અને તેનાં સાગરીતોએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને પ્રભાત ચોક ખાતે ઉતારી ભાગી ગયા હતા. ઈમર્જન્સી વોર્ડમાં દાખલ થયેલાં વ્યક્તિની  ફરીયાદ લીધા બાદ શાહપુર પોલીસે હવે આ તમામ શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, નિલેશભાઈ સુરેશભાઈ પટેલ (૩૮) સાશ્વત એપાર્ટમેન્ટ, ન્યુ રાણીપ ખાતે રહે છે. અને ઈલેક્ટ્રીક વસ્તુઓનો વેપાર કરે છે. ઘાટલોડીયામાં રહેતી મંજુ ઠાકોર દારૂનો ધંધો કરતી હોવાથી નિલેશભાઈ અવારનવાર પોલીસ ફરીયાદ કરતાં હતાં. જેની અદાવત રાખીને ગઇકાલે બપોરનાં સુમારે નિલેશભાઈ ઘી કાંટા તરફ જઈ રહ્યા હતા

ત્યારે આ બુટલેગર મહિલાનાં પતિ શૈલેષ પરમારે તેમને ફોન કરીને તમે અવારનવાર ૧૦૦ નંબર પર ફોન કરો છો જેથી તમારી સાથે વાતચીત કરવી છે તો રંગીલા ચોકી પાસે શાહપુર આવો, જેના પગલે નિલેશભાઈ પોતાનાં મિત્ર કાળુ કેરોસીનને લઈ ત્યાં મળવા ગયા હતાં. જ્યાં નરેશ પરમાર તથા અન્ય બે ઈસમો હાજર હતા. જેમને નિલેશભાઈએ શૈલેષ અંગે પૂછપરછ કરતાં નરેશ સહિત ત્રણેય ઈસમો તેમનાં પર ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી તથા દંડા વડે તેમનાં ઉપર હુમલો કરી દીધો હતો.

દરમિયાન સામેની તરફથી શૈલેષ પણ સ્ટીલનાં રોડ સાથે આવી પહોંચ્યો હતો. અને નિલેશભાઈ પર તૂટી પડ્યો હતો. આ ચાર ઉપરાંત કે શાહપુર ખાતે જ રહેતાં ઈમરાન લંબુ અને આશીક નામનાં ઈસમો પણ હાથમાં તલવારો સાથે ત્યાં આવીને તેમને માર માર્યાે હતો. બાદમાં એક શખ્સે તેમને જબરદસ્તીથી રીક્ષામાં બેસાડવાનો પ્રયત્ન કર્યાે હતો. જા કે નિલેશભાઈએ બેસવાનો ઈનકાર કર્યાે હતો. ત્યારે આ શૈલેષે પોતાની પાસેથી રીવોલ્વર બતાવતાં તે ગભરાઈ ગયા હતા અને રીક્ષામાં બેસી જતાં આ ગુંડા તત્ત્વો  તેમનું અપહરણ કરીને નારણપુર સ્વામીનારાયણ મંદિરની પાછળ આવેલાં ખેતરમાં લઈ આવ્યા હતાં.

જ્યાં બંદુકની અણીએ ફરીથી તેમને ઢોર માર મારીને તમામ તેમને ફરીથી રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ  સોલા લઈ ગયા હતાં. જ્યાં શૈલેષે પોતાનાં ફોનમાં તેમનો રેકોર્ડીંગ કરીને નિલેશભાઈ ફરીયાદ કરવા નહીં જાય તેમ બોલાવડાવ્યું હતું. આ નરેશ અને અન્ય બે ઈસમો ફરીથી તેમને રીક્ષામાં ગોંધીને ઘાટલોડીયામાં પ્રભાત ચોક ખાતે લઈ આવ્યા હાતં.

જ્યાં એક્ટીવા પર આવેલાં શૈલેષે ફરીયાદ કરવા ગયા તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટનાથી ગભરાઈ ગયેલાં નિલેશભાઈ પોતાનાં મિત્રને આપવીતી જણાવ્યા બાદ ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં  સારવાર માટે પહોંચ્યા હતા જાણ કરવામાં આવતાં શાહપુર પોલીસ પણ દવાખાને પહોંચીને નિલેશભાઈની ફરીયાદ લીધી હતી.

એક મહિલા બુટલેગરનાં પતિએ સાગરીતો સાથે મળીને યુવકને ઢોર માર મારી બંદુકની અણીએ અપહરણ કરી તેની પાસેથી બે લાખની રોકડ તથા સોનાના દાગીના મળી કુલ બે લાખ અઢાર હજારની મત્તાની લુંટ ચલાવતાં પોલીસ પણ ચોંકી ગઈ છે અને મંજુ ઠાકોર, શૈલેષ નરેશ પરમાર (ઘાટલોડીયા), ઈમરાન લંબુ (શાહપુર), આશીક (શાહપુર) તથા અન્ય ઈસમો સહિત કુલ સાત વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ છે. દેશી તથા વિદેશી દારૂની રેલમછેલ થઈ રહી છે
અને કોઈ સામાન્ય નાગરીક ફરીયાદ કરે તો બુટલેગર અને તેનાં સાગરીતો દ્વારા મારામારી કરી તેને ધમકીઓ આપવામાં આવે છે. કેટલાંક કિસ્સાઓમાં પોલીસની પણ રહેમનજર હોવાનું બહાર આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.